<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Tuesday, 17th June 2025

રાજકોટમાં આખી રાત ધીમીધારે વરસ્‍યોઃ પોણા ત્રણ ઈંચ

ગઈકાલે દિવસ દરમ્‍યાન વાદળો છવાયેલા રહ્યા, સમીસાંજથી મેઘરાજાની પધરામણી : હવામાન ખાતામાં ૬૮.૫ મી.મી. વરસાદ નોંધાયોઃ આજે પણ સતત છવાયેલા વાદળોના ગંજારવ વચ્‍ચે વરસાદની પૂરેપૂરી સંભાવના

રાજકોટઃ દક્ષિપ પશ્ચિમ ચોમાસાએ કોસ્‍ટલ સૌરાષ્‍ટ્ર અને ગુજરાત રીજનના ઘણા ભાગોમાં એન્‍ટ્રી કરી લીધી છે. અને હજુ વધુ ભાગોમાં આગળ વધી રહ્યું છે. ત્‍યારે રાજ્‍યના ઘણા ભાગોમાં મેઘરાજાએ સટાસટી બોલાવી દીધી છે.દરમિયાન રાજકોટ શહેરમાં પણ સતત વરસાદી માહોલ જોવા મળે છે. ગઈકાલે દિવસભર વાદળછાયુ વાતાવરણ રહ્યા બાદ સાંજના છ વાગ્‍યાની આસપાસ વરસાદ ચાલુ થઈ ગયો હતો. જે અવિરત ચાલુ રહ્યો હતો. વરસાદનું જોર વધારે ઓછું જોવા મળતું હતું.

ધીમીધાર આખી રાત વરસાદ ચાલુ રહ્યો હતો. માર્ગો સતત ભીના જોવા મળતા હતા. હવામાન ખાતામાં ૬૮.૫ મી.મી. વરસાદ નોંધાયો છે. આજે સવારે ૨૨.૩ ડીગ્રી, ૯૮ ટકા ભેજ નોંધાયેલ છે. આજે પણ વરસાદની સંભાવના રહેલી છે.(૪૦.૧૬)   

(3:43 PM IST)