તા. ૨૮ નવેમ્બરે ર૦ર૫ વિક્રમ સંવત ર૦૮૨ માગશર સુદ – ૮ શુક્રવાર
News of Wednesday, 18th June 2025
સાયલાના સેજકપરના ખેડૂત ખેતાભાઇને રાજકોટમાં ‘રિક્ષાગેંગ' ભેટીઃ બિયારણના ૫૪ હજાર સેરવી લીધા
દિકરાને ત્યાં રોકાઇ ગ્રીનલેન્ડ ચોકડીથી સાત હનુમાન જવા વૃધ્ધ રિક્ષામાં બેઠા ત્યારે પાછળ બેઠેલા શખ્સે ઉલ્ટી ઉબકાનું નાટક કરી રોકડ સેરવી લીધીઃ પછી ચાલકે -આ ભાઇને ઉલ્ટી થાય છે, તમે ઉતરી જાવ નહિતર તમારા કપડા બગડશે કહી ઉતારી મુક્યાઃ બી-ડિવીઝન પોલીસે ગુનો નોંધ્યો

રાજકોટ તા. ૧૮: શહેરમાં રિક્ષાગેંગ ફરી વખત લખણ ઝળકાવી ગઇ છે. સાયલાના સેજકપર ગામેથી રાજકોટ રહેતાં દિકરાને ત્યાં અને બિયારણ લેવા આવેલા ખેડૂત વૃધ્ધ ગ્રીનલેન્ડ ચોકડીથી સાત હનુમાન દિવેલીયાપરા જવા પોતાના પોૈત્ર સાથે રિક્ષામાં બેઠા ત્યારે અગાઉથી જ પાછળ બેઠેલા શખ્સે રિક્ષા ચાલુ થતાં જ ઉલ્ટી ઉબકાનું નાટક કરી વૃધ્ધના ખોળામાં માથુ નાંખી દઇ ધક્કામુક્કી કરી બિયારણ ખરીદવા માટેની ૫૪ હજારની રોકડ ચોરી વૃધ્ધને તમારા કપડા બગડી જશે, તમે ઉતરી જાવ કહી ઉતારીને ચાલક અને સાગ્રીત રિક્ષા લઇ નીકળી ગયા હતાં.
આ બનાવમાં બી-ડિવીઝન પોલીસે સાયલાના સેજકપર ગામે રહેતાં અને ખેતી કરી ગુજરાન ચલાવતાં ખેતાભાઇ ગોકળભાઇ સબાડ (ઉ.વ.૬૬) નામના વૃધ્ધની ફરિયાદ પરથી બે અજાણ્યા શખ્સો સામે ગુનો નોંધ્યો છે. ખેતાભાઇ સભાડ પરિવાર સાથે રહે છે અને સંતાનમાં બે દિકરી, ત્રણ દિકરા છે. તેમના ત્રણેય દિકરાઓ હાલ રાજકોટ રહે છે. ખેતાભાઇએ જણાવ્યું હતું કે ૧૫મી તારીખે હું બીયારણ લેવા માટે મારા ગામ સેજકપરથી રાજકોટ આવ્યો હતો અને મારા દિકરાના ઘરે રોકાયો હતો. ૧૬મીએ કુવાડવા રોડ સાત હનુમાન મંદિર પાસે દિવેલીયાપરામાં આવેલી દુકાનેથી બીયારણ ખરીદવા ગયો હતો. આ માટે મેં દિકરા પાસેથી રૂા. ૫૪ હજાર લીધા હતાં. હું દિકરાના ઘરેથી નીકળ્યો ત્યારે મારા પોૈત્રએ સાથે આવવાની જીદ કરતાં મેં તેને પણ સાથે લીધો હતો.
મારો દિકરો રઘુભાઇ મને મોટરસાઇકલ પર ગ્રીનલેન્ડ ચોકડીએ સવારે સાડા નવેક વાગ્યે મુકવા આવ્યો હતો. તે અહિ મને ઉતારીને જતો રહ્યો હતો. હું ચકોમાં ઉભો હતો ત્યારે કાળા કલરની પીળા હુડવાળી રિક્ષા આવી હતી. જેમાં પહેલેથી જ એક મુસાફર પાછળ બેઠો હતો. ડ્રાઇવરે મને ક્યાં જવું છે? તેમ પુછતાં મેં સાત હનુમાન સામે દિવેલીયાપરામાં જવું છે તેમ કહેતાં તેણે મને રૂા. ૨૦ ભાડુ કહ્યું હતું. રકજક કરતાં તેણે ૧૦ રૂપિયા થશે તેમ કહેતાં હું અને મારો પોૈત્ર પાછળની સીટમાં બેસી ગયા હતાં.
આ પછી રિક્ષા માંડ હજારેક ફુટ એટલે કે દરગાહ નજીક પહોંચી ત્યાં અમારી સાથે પાછળ બેઠેલા શખસે ઉલ્ટી ઉબકા ચાલુ કર્યા હતાં અને મારા ખોળામાં પડી ગયો હતો અને ધક્કામુક્કી કરવા માંડયો હતો. તેણે રિક્ષામાંથી મોઢુ બહાર કાઢી થુંક્યું હતું. આ પછી રિક્ષાચાલકે રિક્ષા ઉભી રાખી હતી અને મને કહેલું કે તમે અહિ ઉતરી જાવ, આ ભાઇને ઉલ્ટી થાય છે તો તમારા કપડા બગડશે. આથી હું મારા પોૈત્રને લઇન. ઉતરી ગયો હતો. તે સાથે જ ચાલક રિક્ષા લઇ નીકળી ગયો હતો. મેં બાદમાં મારા ખિસ્સામાં તપાસ કરતાં તેમાંથી બીયારણના રૂા. ૫૪ હજાર તથા આધાર કાર્ડ, લાયસન્સની ઝેરોક્ષ વગેરે ગાયબ હતું. આથી મેં મારા દિકરા રઘુભાઇને ફોન કરતાં તે આવી ગયો હતો. આસપાસમાં તપાસ કરી હતી પરંતુ એ રિક્ષવાાળો મળ્યો નહોતો.
રિક્ષાનો ચાલક મજબુત બાંધાનો આશરે ચાલીસથી પિસ્તાલીસ વર્ષનો હતો. જ્યારે પાછળ બેઠેલો શખ્સ આશરે ત્રીસ વર્ષનો હતો. બી-ડિવીઝન પીઆઇ એસ. એસ. રાણેની રાહબરીમાં પીએસઆઇ ડી. બી. ગાધેએ ગુનો નોંધી તપાસ હાથ ધરી છે.
(1:36 PM IST)










