<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Wednesday, 18th June 2025

વિદાય લઇ રહેલા કલેકટર પ્રભવ જોષીની રેકર્ડ બ્રેક કામગીરી ૧૬૦૦ કરોડની બેન્‍ક બાકી-દબાણો સામે સફળતા

રપ૦૦ દિવ્‍યાંગોને સાધન સહાય અર્પણઃ કેન્‍દ્રની ૯ યોજનામાં ૧૦૦ ટકા સફળતા અને પી.એમ. એવોર્ડ... : બીનખેતી-મહેસૂલ અપીલના કેસોમાં ઝીરો પેન્‍ડસીઃ મારી ટીમ મારી સાથે હતી એટલે સફળતા મળી છેઃ ‘‘અકિલા'' સાથે વાતચીત

રાજકોટ તા. ૧૮: રાજકોટમાં સવા બે વર્ષ પહેલા પ૦મા કલેકટર તરીકે ચાર્જ સંભાળનાર રાજસ્‍થાનના વતની શ્રી પ્રભવ જોષીએ માત્ર બે વર્ષમાં રેકર્ડ બ્રેક કામગીરી અને સફળતા મેળવી રાજકોટ મહેસૂલ જીલ્લાને ગુજરાત સરકારની ગૂડ બૂકમાં મૂકી દીધો છે. અનેક રાજકારણીઓના દબાણો સામે ઝૂકયા વગર ચૂકાદાઓ આપ્‍યા, તો વિરાણી હાઇસ્‍કૂલના ચૂકાદા સામે સીટી પ્રાંત-૧ને સફળ માર્ગદર્શન પુરૂં પાડયું હતું.

કલેકટર શ્રી પ્રભવ જોષીએ ર વર્ષના ગાળામાં ૧૬૦૦થી ૧૭૦૦ કરોડની બેંક લોન બાકી અને સરકારી જમીનો ઉપર રેસીડન્‍સ-કોર્મશીયલ અને ધાર્મિક દબાણો દૂર કરી જબરી સફળતા હાંસલ કરી હતી, તાજેતરની કલેકટર કોન્‍ફરન્‍સમાં તેની ખાસ નોંધ લેવાઇ હતી, એમાં પણ ઉપલેટા પંથકમાં એકી સાથે રર૦ કરોડની સરકારી જમીન ખૂલ્લી કરાવી પોતાના આકરા મીજાજનો પરચો આપી દીધો હતો.

આ ઉપરાંત ર૦ર૩માં લોકસભાની ચૂંટણીમાં આખા રાજયમાં સૌથી ઓછો ખર્ચ, ચૂંટણી પંચ દ્વારા તેની નોંધ લેવાઇ, કેન્‍દ્રની કૂલ ૯ જેટલી પ્રજાલક્ષી યોજનામાં ૧૦૦ ટકા કામગીરી અને પી.એમ. એવોર્ડ, બીનખેતીમાં અને મહેસૂલ-અપીલના કેસોમાં ઝીરો પેન્‍ડસી-ર૦ર૩નો સફળ મેળો, તથા ર૦ર૪ લોકમેળાનો વિવાદ અને તેમાં કોઇનું પણ દબાણ ચલાવી ન લેનાર કલેકટરે પ્રજાની ચાહના મેળવી હતી.

કલેકટર શ્રી પ્રભવ જોષીએ ‘‘અકિલા'' સાથેની વાતચીતમાં જણાવ્‍યું હતું કે, રાજકોટ જીલ્લાને સફળતા એ મારા એકલાનું નહિં પરંતુ તમામ પ્રાંત-મામલતદારો-મહેસૂલ સ્‍ટાફની મારી ટીમ મારી સાથે રહી તેથી સફળતા મળી છે, રાજકોટની પ્રજાએ ઘણો પ્રેમ આપ્‍યો છે, પ્રજાને હું કયારેય નહિં ભૂલું...તેમણે આ વાતચીત દરમિયાન શહેરના અખબારો-પત્રકારોનો પણ સહકાર બદલ આભાર વ્‍યકત કર્યો હતો.

કલેકટરે જણાવેલ કે એઇમ્‍સની કામગીરી પૂર્ણ કરાઇ તે મારા માટે મહત્‍વની બાબત હતી, જમીનોના દલાલો-એજન્‍ટો-વચેટીયાઓ મારી કે અન્‍ય મહેસૂલ કચેરીમાં ફરકે નહિં તે જોવા તાકિદ કરાઇ હતી, અમૂક કર્મચારીઓ-અધીકારીઓને શાનમાં સમજાવી દીધા અને તેનું સફળ પરિણામ મળ્‍યું છે.

(3:48 PM IST)