News of Monday, 23rd June 2025
લલુડી વોકળા વિસ્તારના નોટીસ ધારકોને ચોમાસામાં ખાલી ન કરાવોઃ રજુઆત
આવાસ ફાળવવા સહિતના પ્રશ્ને શહેર કોંગ્રેસ દ્વારા આજે મ્યુનિ.કમિશનરને પત્ર પાઠવી યોગ્ય કરવા માંગ

રાજકોટ તા.૨૩: શહેરના વોર્ડ નં.૧૪ લલુડી વોકળીમાં નોટીસ ધારકોને ચોમાસા પહેલા ખાલી કરવાનું દબાણ ન કરવા શહેર કોંગ્રેસ નવનિયુકત પ્રમુખ રાજદિપસિંહ જાડેજા, અતુલ રાજાણી, ગોૈરવ પુજારાની આગેવાનીમાં મ્યુનિ.કમિશનરને રજુઆત કરવામાં આવી હતી.
આ અંગે કોંગ્રેસે પાઠવેલ પત્રમાં જણાવ્યું હતું કે, મહાનગરપાલિકાના વોર્ડ નં.૧૪માં લલુડી વોકડીમાં આવેલ ૭૦૦ થી વધુ પરિવારો જે ત્રણ દાયકાથી વધુ સમયથી રહેતા હોય તેઓને સંદર્ભે તા.૨૭ની અપાયેલ નોટીસો અપાયા બાદ તાત્કાલિક આ વિસ્તાર ખાલી કરાવવાનું જણાવ્યું છે અને હાલ આ વિસ્તારવાસીઓ જે રહેવાસીઓને નોટીસ આપી ખાલી કરાવવામાં આવે છે. તેઓને તાત્કાલિક વૈકલ્પિક જગ્યા માટે સોરઠીયાવાડી પાસેના આવાસ જે વર્ષોથી ધુળ ખાય છે તે આપવા રજુઆત કરેલ હતી અને ચોમાસાની સિઝનમાં આ વિસ્તાર ખાલી ન કરાવવા બાબતે પણ લેખિત રજુઆતનો આપના તરફથી કોઇ પ્રત્યુતર મળેલ નથી જે પગલે અમારી માંગ છે કે હાલ આ વિસ્તારમાં રહેતા કોઇપણ પરિવારને ચોમાસા સુધી કનડગત ન કરવા માંગ કરવામાં આવી.
(3:42 PM IST)










