News of Thursday, 26th June 2025
અગ્નિકાંડના કેસ મુખ્ય સુત્રધાર સાગઠીયા સહિતના સાત આરોપીઓની ડીસ્ચાર્જ અરજીનો ૭ જુલાઇએ ચુકાદો
આજે દલીલો પુરી થઇઃ સ્પે. પી.પી. ગોકાણી દ્વારા ત્રણ કલાક દલીલો કરાઇ

રાજકોટ તા. ર૬ :.. રાજકોટ સહિત સમગ્ર દેશમાં ચકચાર જગાવનારા ટીઆરપી ગેમઝોન અગ્નિકાંડમાં ચાર્જફ્રેમ થાય તે પહેલા સમય મર્યાદામાં માત્ર પાંચ આરોપીઓએ ડિસ્ચાર્જ અરજી કરી હતી. જે પાંચેય ડિસ્ચાર્જ અરજી પર બંને પક્ષની દલીલો પૂર્ણ થઈ છે. આગામી ૭મી જુલાઈના રોજ કોર્ટ પાંચેય ડિસ્ચાર્જ અરજીનો ચુકાદો આપશે.
આ કેસની હકીકત મુજબ રાજકોટમાં કાલાવડ રોડ ઉપર આવેલ ટીઆરપી ગેમઝોન અગ્નિકાંડમાં નાના બાળકો અને ગેમઝોનના કર્મચારીઓ સહિત ૨૭ લોકો ભડથું થઈ ગયા હતા. આ બનાવને ગંભીરતાથી લઈ ટીઆરપી ગેમઝોનના ભાગીદારો, સંચાલકો અને મહાનગરપાલિકા અધિકારીઓ સહિતના સામે ગુનો નોંધી ધરપકડ કરી જેલ હવાલે કર્યા હતા. ચાર્જશીટ થયા બાદ સેશન્સ અદાલતમાં ગત તા.૧૯મી ડિસેમ્બરની મુદતે ટી.પી.ઓ. મનસુખ સાગઠીયા, એ.ટી.પી.ઓ. મુકેશ રામજી મકવાણા, જયદીપ ચૌધરી, ગૌતમ દેવશંકર જોષી અને ચીફ ફાયર ઓફિસર ઠેબાએ કેસ ચાર્જફ્રેમ થાય તે પહેલા તહોમતમાંથી બિનતહોમત (ડિસ્ચાર્જ) કરી છોડી મુકવા અરજીઓ દાખલ કરી હતી. જેમાં ટી.પી.ઓ. મનસુખ સાગઠીયા, એ.ટી.પી.ઓ. મુકેશ રામજી મકવાણા અને ચીફ ફાયર ઓફિસર ઠેબાની ડિસ્ચાર્જ અરજી ઉપર બંને પક્ષે દલીલો પૂર્ણ થઈ ગઈ હતી. જ્યારે હુકમ ઓર્ડર ઉપર મોકૂફ રાખવામાં આવ્યો હતો. જ્યારે એટીપીઓ જયદીપ ચૌધરી અને ગૌતમ દેવશંકર જોષીની ડિસ્ચાર્જ અરજી પર આજે સુનાવણી હાથ ધરવામાં આવી હતી. જેમાં સરકાર પક્ષે સ્પે.પી.પી. દ્વારા પાંચેય આરોપીઓની ડિસ્ચાર્જ અરજીનો વિરોધ કરતી ધારદાર દલીલો કરવામાં આવી હતી. જે પાંચેય ડિસ્ચાર્જ અરજીની દલીલો પૂર્ણ થઈ છે. જ્યારે હુકમ ઓર્ડર ઉપર મોકૂફ રાખવામાં આવ્યો છે. પાંચેય આરોપીની ડિસ્ચાર્જ અરજી પર કોર્ટ આગામી ૭ મી જુલાઈએ ચુકાદો સંભળાવશે.
આ કેસમાં સ્પે.પી.પી. તુષાર ગોકાણી, એડી. સ્પે.પી.પી. નીતેશ કથીરીયા, ભોગ બનનાર પરીવાર વતી એડવોકેટ સુરેશ ફળદુ અને એન.આર. જાડેજા રોકાયા છે. (૯.ર૭)
(3:03 PM IST)










