<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Friday, 27th June 2025

એ.જી. ઓફિસમાં સિનીયર એકાઉન્‍ટન્‍ટ પર પુર્વ મહિલા મિત્રનો પતિ સાથે મળી હુમલોઃ ખૂનની ધમકી

૨૦૧૧માં બંને વચ્‍ચે મિત્રતા થઇ ત્‍યારે ગિરીશભાઇ રામાનુજે ૫૦ હજાર ઉછીના આપ્‍યા હતાં: રકમ પાછી માંગતા મહિલાએ છેડતીનો કેસ કર્યો હતોઃ તેમાં ગિરીશભાઇ અપીલમાં જતાં ખાર રાખી ડખ્‍ખો :એ-ડિવીઝન પોલીસે દિવ્‍યાબેન અને તેણીના પતિ રાજન ઓઝા વિરૂધ્‍ધ ફરજમાં રૂકાવટ, ધમકી, હુમલાનો ગુનો દાખલ કર્યો

રાજકોટ તા. ૨૭: રેલનગરમાં રહેતાં અને એ. જી. ઓફિસમાં સિનીયર એકાઉન્‍ટન્‍ટ તરીકે ફરજ બજાવતાં ગિરીશભાઇ સાંજે પોતાની નોકરી પર હાજર હતાં ત્‍યારે પુર્વ મહિલા મિત્રએ પોતાના પતિ સાથે ઓફિસમાં આવી બંનેએ મળી ગિરીશભાઇને ઢીકાપાટુનો માર મારી બેફામ ગાળો દઇ તને તો મારી જ નાંખવો છે તેવી ધમકી આપી ફરજમાં રૂકાવટ કરતાં ચકચાર મચી ગઇ હતી. અગાઉ ગિરીશભાઇ વિરૂધ્‍ધ આ મહિલાએ છેડતીનો કેસ કર્યો હોઇ તેમાં તે અપીલમાં ગયા હોઇ આ મનદુઃખને કારણે માથાકુટ થયાનું ખુલ્‍યું હતું.

આ બનાવમાં  એ-ડિવીઝન પોલીસે સાધુ વાસવાણી કુંજ રોડ રેલનગર મહાદેવ પાર્ક, અમૃત-૩ રેસીડેન્‍સી ખાતે રહેતાં અને એ.જી.  ઓફિસમાં સિનીયર એકાઉન્‍ટન્‍ટ તરીકે ફરજ બજાવતાં ગિરીશભાઇ ત્રિભોવનદાસ રામાનુજ (ઉ.વ.૫૦)ની ફરિયાદ પરથી શિક્ષીકા દિવ્‍યાબેન અને તેણીના પતિ રાજન ઓઝા વિરૂધ્‍ધ ગુનો દાખલ કર્યો છે. ગિરીશભાઇ રામાનુજે જણાવ્‍યું છે કે હું પરિવાર સાથે રહુ છું અને જીલ્લા પંચાયત ચોકથી આગળ આવેલી એકાઉન્‍ટ જનરલ (એ.જી.) ઓફિસમાં નોકરી કરુ છું. ૨૦૧૧ની સાલમાં હું યુનિવર્સિટી રોડ પર એ. જી. સ્‍ટાફ ક્‍વાર્ટરમાં રહેતો હતો. ત્‍યારે પુષ્‍કરધામ તરફ રહેતાં દિવ્‍યાબેન જેઓ સ્‍કૂલમાં ટીચર હોઇ તેની સાથે મારે પરિચય થતાં અમારી વચ્‍ચે મિત્રતા થઇ હતી. આ પછી અમારે એકબીજાની ઘરે આવરો-જાવરો શરૂ થયો હતો. દિવ્‍યાબેનને મકાન ખરીદવું હોઇ જેથી મારી પાસે ૫૦ હજાર ઉછીના માંગતા મેં તેમને ૨૦૧૧માં આ રકમ હાથ ઉછીની આપી હતી. એ પછી મેં મારી આ રકમ પાછી માંગતા તેણે આપી નહોતી તેમજ મારા વિરૂધ્‍ધ છેડતીનો કેસ કરતાં તે કેસ હાલમાં કોર્ટમાં ચાલુ છે. આ કેસમાં મને બે વર્ષની સજા પડતાં હું સેસન્‍સ કોર્ટમાં અપીલમાં ગયો હતો. હાલમાં પણ આ કેસ ચાલુ છે.

દરમિયાન ૨૫મીએ બુધવારે સાંજે સાડા પાંચેક વાગ્‍યે હું એ. જી. ઓફિસમાં  મારા સેક્‍શન ફંડ-૧માં બેઠો હતો તે વખતે સ્‍ટાફના જનકભાઇ પ્રજાપતિ, શોૈર્ય વિશ્વવાસ, પૂનમબેન બારૈયા, એસ. સી. ઝાલા સહિતના પણ ઓફિસમાં હાજર હતા. અમે અમારુ કામ કરી રહયા હતાં ત્‍યાં મારી અગાઉની મિત્ર દિવ્‍યા અને તેના પતિ રાજેશ અઓફિસમાં આવ્‍યા હતાં. રાજને મારી પાસે આવી ‘તું કેમ મારી પત્‍નિની પાછળ આવે છે?' કહી મને મુંઢ માર માર્યો હતો  અને બેફામ ગાળો દીધી હતી. તેમજ રાજને તેની પાસે રહેલી સ્‍ટીલની બોટલનો છુટો ઘા મારા પર કરતાં એ બોટલ ટેબલમાં  અથડાતાં કાચ ફુટી ગયો હતો અને ટેબલમાં નુકસાન થયું હતું.

ત્‍યારબાદ અમારા સ્‍ટાફે રાજનને પકડી લીધો હતો. એ પછી તેની પત્‍નિ દિવ્‍યાબેન મારી પાસે આવી હતી અને ઝપાઝપી કરી ગાળો દીધી હતી અને કહ્યું હતું કે-તું અપીલમાં ગયો છે ને, તારી અપીલ અમે રદ કરાવી નાખશું અને તને જાનથી મારી જ નાખવો છે તેમ કહી મને ધમકી આપી હતી. રાજન અને તેની પત્‍નિ દિવ્‍યાબેને મારી સાથે માથાકુટ કરી  ગાળો દઇ મારકુટ કરી હોઇ તેમજ ધમકી આપી હોઇ અમાર ઉપરી અધિકારીની ચેમ્‍બરમાં હું ગયો હતો. આ પછી દિવ્‍યાબેન અને રાજન નીકળી ગયા હતાં. મેં જે તે દિવસે ફરિયાદ કરી નહોતી. પણ ઉપરી અધિકારીએ ફરિયાદ નોંધાવવાનું કહેતાં મેં ફરિયાદ કરી હતી. તેમ વધુમાં ગિરીશભાઇએ જણાવતાં બી. વી. બોરીસાગરની રાહબરીમાં પીએસઆઇ કે. એમ. વડનગરાએ મારામારી, ધમકી, ફરજમાં રૂકાવટ સહિતની કલમો હેઠળ ગુનો નોંધી તપાસ હાથ ધરી છે.

(2:13 PM IST)