તા. ૮ સપ્ટેમ્બર ર૦ર૫ વિક્રમ સંવત ર૦૮૧ ભાદરવો વદ – ૧ સોમવાર
News of Friday, 27th June 2025
કાલાવડ રોડ પર ડોક્ટરની ઇનોવા પાછળ કાર અથડાવનારે હવે ખર્ચ આપવાની ના કહી દીધી
બે મહિના પહેલા ડો. એન. જી. વેકરીયા અને ધર્મપત્નિ બર્થડે પાર્ટીમાંથી આવતાં હતાં ત્યારે તેમની ઇનોવા પાછળ પારસ વેકરીયાએ કાર અથડાવી હતીઃ હવે પારસ ફરી જતાં તાલુકા પોલીસમાં ફરિયાદ

રાજકોટ તા. ૨૭: કાલાવડ રોડ પર ઓવરબ્રીજ નજીક બે મહિના પહેલા ડોક્ટરની કાર પાછળ એક શખ્સે પોતાની કાર અથડાવતાં ડોક્ટરની કારમાં નુકસાન થયુ઼ હતું અને તેમને તથા તેમના પત્નિને ઇજા પણ થઇ હતી. જે તે વખતે અકસ્માત સર્જનારાએ પોતે ખર્ચ આપી દેશે કહી માફી માંગતાં ડોક્ટરે જતું કહ્યુ઼ હતું. પણ બાદમાં કાર રીપેર કરાવતાં એક લાખથી વધુનો ખર્ચ થતાં હવે આ શખ્સે ખર્ચ આપવાની ના પાડી દેતાં તેના વિરૂધ્ધ ફરિયાદ દાખલ કરાવાઇ છે.
આ બનાવમાં તાલુકા પોલીસે ગોંડલ રોડ પીડીએમ કોલેજ પાછળ વિનય સોસાયટી-૪માં રહેતાં અને સિનર્જી હોસ્પિટલમાં ડોક્ટર તરીકે ફરજ બજાવતાં ડો. નરસીભાઇ ગાંડાલાલ વેકરીયા (ઉ.વ.૫૯)ની ફરિયાદ પરથી જીજે૦૩એલજી-૫૪૧૩ નંબરની સફેદ કારના ચાલક પારસ વેકરીયા વિરૂધ્ધ ગુનો નોંધ્યો છે.
ડો. વેકરીયાએ ફરિયાદમાં જણાવ્યું છે કે હું મારા પિતા ગાંડાલાલ વેકરીયા (ઉ.વ.૯૫) તથા પત્નિ મિનાક્ષીબેન (ઉ.વ.૫૩) સાથે રહુ છું, મારો દિકરો પુના ખાતે અભ્યાસ કરે છે. ગત તા. ૧૨/૪/૨૫ના રોજ હું, મારા પત્નિ મારી ઇનોવા કાર જીજે૦૩એમઆર-૭૮૮૦માં બેસી મારા મિત્રના જન્મદિવસની ઉજવણીમાંઅવધ રોડ પર સીઝન હોટેલ ખાતે ગયા હતાં. ત્યાંથી રાતે સાડા અગીયારેક વાગ્યે જમીને પરત જતાં હતાં ત્યારે કાલાવડ રોડ જડ્ડુસ નજીક ઓવર બ્રીજ ઉપરથી પસાર થઇ બ્રીજ ઉતરતાં અચાનક મારી ગાડી પાછળ ઠોકર લાગતાં મારી કાર સાઇડની રેલીંગમાં અથડાઇ હતી.
મેં કાર ઉભી રાખીને જોતાં પાછળ જીજે૦૩એલજી-૫૪૧૩ નંબરની કાર અથડાઇ હતી. આ કારના ચાલકનું નામ પુછતાં અને ડ્રાઇવીંગ લાયસન્સ જોતાં તેમાં પારસ એમ. વેકરીયા (રાજકોટ) લખ્યું હતું. તેણે ત્યારે કહ્યું હતું કે-મારાથી બ્રેક ન લાગતાં ભુલ થઇ ગઇ છે, જે ખર્ચો થયો છે એ હું આપી દઇશ. આથી મેં તેનો મોબાઇલ નંબર લીધો હતો અને અમે અમારા ઘરે જતા રહ્યાહ તાં. અકસ્માતને કારણે મને જમણા પગે, ઘુંટીમાં અને મારા પત્નિને ડાબા હાથ, ગરદનમાં દુઃખાવો થતો હોઇ અમે સિનર્જી હોસ્પિટલમાં સારવાર લીધી હતી. બાદમાં મેં કાર રીપેરીંગમાં મુકતાં તેનો ૧,૦૪,૦૦૦ જેવો ખર્ચ થયો હતો. આ પછી મેં પારસ વેકરીયાને ફોન કરી ખર્ચની રકમ બાબતે વાત કરતાં તેણે ખર્ચ આપવાની ના પાડી દીધી હતી.
એ દરમિયાન મારા પગમાં સોજો ચડી ગયો હોઇ હું સીડી પરથી પડી જતાં મને મગજમાં ફ્રેકચર થઇ જતાં હેમરેજ થઇ જતાં સારવારમાં હોવાથી ફરિયાદ કરી શક્યો નહોતો. હવે સ્વસ્થ થતાં મારા મિત્ર ચમનભાઇ મુંગરાને સાથે લઇ ફરિયાદ કરવા આવેલ છું. તેમ વધુમાં ડો. વેકરીયાએ જણાવતાં તાલુકા પીઆઇ ડી. એમ. હરિપરાના માર્ગદર્શનમાં એએસઆઇ નિલેષભાઇ ચાવડાએ ગુનો નોંધી તપાસ હાથ ધરી છે.
(2:06 PM IST)










