<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Saturday, 28th June 2025

ચાંદીકામના કારીગરનું લવગાર્ડનમાં ખિસ્‍સું કપાયું: રૂા.૪૭ હજાર સાથે પ્ર.નગર પોલીસે શૈલેષને પકડયો

વરસાદ આવતાં પંકજભાઇ પરમાર રેસકોર્ષમાં છત્રીવાળા બાંકડા પર બેઠા ત્‍યારે ગિરીદીનો લાભ લઇ પર્સ બઠ્ઠાવી લેવાયુ હતું: પૈસાની ખેંચ હોઇ ચોરી કર્યાનું આજીડેમ ચોકડી પાસે રહેતાં શખ્‍સનું રટણ

રાજકોટ તા. ૨૮: મોરબી રોડ પર રહેતાં ચાંદીકામના કારીગર ગઇકાલે રેસકોર્ષ લવગાર્ડનમાં હતાં ત્‍યારે વરસાદ આવતાં છત્રીવાળા બાંકડા હોઇ ત્‍યાં બીજા લોકો સાથે બેસતાં તેના ખિસ્‍સામાંથી ૪૭ હજારની રોકડ સાથેનું પર્સ સેરવી લેવાયું હતું. પ્ર.નગર પોલીસે આ ગુનો ઉકેલી આરોપીને પકડી લીધો છે. આ બનાવમાં પ્ર.નગર પોલીસે મોરબી રોડ સેટેલાઇટ ચોક સ્‍વસ્‍તિક વિલા શેરી નં.  ૧માં રહેતાં અને સંત કબીર રોડ પર એમવી સિલ્‍વર નામે ચાંદીકામની દૂકાનમાં નોકરી કરતાં પંકજભાઇ રમેશભાઇ પરમાર (ઉ.વ.૪૨)ની ફરિયાદ પરથી ગુનો  દાખલ કર્યો હતો.

પંકજભાઇના કહેવા મુજબ હું મહિને ૧૯૫૦૦ના પગારથી નોકરી કરુ છું. શુક્રવારે સવારે કામ પર ગયો હતો. બપોર પછી રજા હોઇ હું કારખાનેથી નીકળી એકાદ વાગ્‍યે મારા ટુવ્‍હીલર પર બહુમાળી ભવન પાસે શૈલેષભાઇની હોટલે જમવા ગયો હતો. જમ્‍યા બાદ રેસકોર્ષ લવગાર્ડનમાં બેસવા ગયો હતો. આ વખતે વરસાદ આવતો હોઇ ઘણા લોકો છત્રીવાળા બાંકડા નીચે બેઠા હતાં. હું પણ ત્‍યાં બેઠો હતો.

ત્‍યારબાદ મને ખબર પડી હતી કે મારા પેન્‍ટના પાછળના ખિસ્‍સામાંથી મારુ પાકીટ ગાયબ છે. આ પર્સમાં રૂા. ૪૭ હજારની રોકડ હતી. આ રકમ મારે બેંકમાં જમા કરાવવાની હોઇ જસાથે રાખી હતી. પ્ર.નગર પીઆઇ વી.આર. વસાવાની રાહબરીમા પીએસઆઇ જે. એમ. જાડેજાએ ગુનો નોંધ્‍યો હતો. ડી. સ્‍ટાફ પીએસઆઇ આર. કે. ગોહિલ, હેડકોન્‍સ. જેન્‍તીભાઇ વાવડીયા, મયુરરાજસિંહ જાડેજા, કોન્‍સ. ચાંપરાજભાઇ, ખવડ, તોૈફિકભાઇ મંધરા, રીયાઝભાઇ ભીપોત્રા, વનરાજભાઇ બોરીચા, રવિભાઇ ચાવડા, ધર્મેશભાઇ મોણપરા સહિતની ટીમે રોકડ સાથેનું પર્સ ચોરનારા શખ્‍સને દબોચી લઇ પુછતાછ શરૂ કરી હતી. આ શખ્‍સે પોતાનું નામ શૈલેષ ગોવિંદભાઇ ચોૈહાણ (રહે. આજીડેમ ચોકડી) જણાવ્‍યું હતું. તે છુટક મજૂરી કરે છે. હાલમાં આર્થિક ભીંસ હોઇ લવ ગાર્ડનમાં છત્રી નીચે ઉભેલા ભાઇના પાછલા ખિસ્‍સામાં પર્સ જોઇ જતાં સેરવી લીધાનું તેણે કબુલ્‍યું હતું. તેની વધુ પુછતાછ થઇ રહી છે.

(2:32 PM IST)