તા. ૨૧ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૧૨ શનિવાર
News of Sunday, 29th June 2025
બજરંગવાડી વાંકાનેર સોસાયટીમાં યાકુબ મોટાણીના પુત્ર કોનેન પર ઇશોભા દલ સહિતની ટોળકીની ધમાલ: હુમલો, સોડા બોટલોના ઘા, ધમકી: ગાંધીગ્રામ પોલીસે ગુનો નોંધ્યો
શાહરૂખ ઉર્ફ રાજોના નામે ફોન કરી કારના રૂપિયા મામલે ગાળો દઈ મારા માણસો આવે છે તૈયારી રાખજે એવી ધમકી દીધી પછી ટોળકી આવી

રાજકોટઃ શહેરના જામનગર રોડ પર વાંકાનેર સોસાયટી શેરી નમ્બર ૩૪ના ખૂણે બજરંગવાડીમાં રહેતાં અને મારવાડી કોલેજમાં ભણતા યુવાનના ઘર પર ઇશોભા દલ સહિતના ૧૧ જેટલા શખ્સોએ ટોળકી રચી હલ્લો મચાવી ગાળો આપી સોડાબોટલોના ઘા કરી ધાકધમકી આપતાં ફરિયાદ દાખલ થઈ છે.
ગાંધીગ્રામ પોલીસે આ બારામાં કોનેન યાકુબભાઇ મોટાણી-સંધિ મુસ્લીમ (ઉ.વ.૨૦ ધંધો- અભ્યાસ રહે-“ વાકાનેર સોસાયટી શેરી નં ૩૪ કોર્નર બજરંગવાડી)ની ફરિયાદ પરથી આબીદ જુણેજા, મીરખાન રહીશ દલ, ઇશોભા રિઝવાન દલ, મહેબુબ અઘામ, સમીર ઉર્ફે ધમો બસીર શેખ તથા અન્ય સાતથી આઠ અજાણ્યા શખ્સો વિરૂધ્ધ રાયોટિંગ સહિતની કલમો હેઠળ ગુનો દાખલ કર્યો છે.
ફરીયાદી યુવાન કોનેન મોટાણી પોતાના ધરે હતા ત્યારે આ અજાણ્યા નંબર ઉપરથી રાજા ઉર્ફે શાહરૂખ જુણેજાના નામથી ફરીયાદીના મોબાઇલ ઉપર ફોન કરી ફરીયાદીને ગાળો આપેલ ત્યાર બાદ થોડીવાર પછી આ આબીદ જુણેજાએ ફોનમા ફરીયાદીને ધમકી આપી ગાળાગાળી કરી ફોન કાપી નાખેલ. બાદ આ બધાએ ગેરકાયદેસર મંડળી રચી એકસંપ કરી ફરીયાદીના ઘર પાસે આવી જેમ તેમ બોલી ભુંડાબોલી ગાળો આપી ફરીયાદી કોનેનને જાનથી મારી નાખવાની ધમકી આપી તેના ઉપર ખાલી સોડાની બોટલોના છુટા ધા કરી નાશી ગયા હતાં.
કોનેન મોટાણીએ પોલીસને જણાવ્યું છે કે હું મારા પરિવાર સાથે રહુ છું અને મારવાડી કોલેજમાં કૉમર્સમાં ત્રીજા વર્ષમાં અભ્યાસ કરૂ છુ.શુક્રવારે સાંજના આશરે સાડા પાંચેક વાગ્યાના સુમારે હું મારા ઘરે હતો ત્યારે મારા મોબાઇલ પર અજાણ્યા મોબાઇલ નંબર ઉપરથી ફોન આવેલ અને મને ફોન ઉપર કહેલ કે, હું રાજા ઉર્ફે શાહરૂખ જુણેજા બોલુ છુ તે મને કાર કે રૂપિયા આપ્યા ન હોઇ જેથી મારા માણસો તારા ઘરે આવે છે તુ તૈયારીમાં રહેજે તેમ કહી મારો ફોન કાપી નાખેલ અને થોડીવાર પછી સાંજના આશરે સાડા છએક વાગ્યે હું મારા ધરે હતો ત્યારે મારા મોબાઇલમાં આબીદ જુણેજાનો ફોન આવેલ અને તે ફોન ઉપર મને જેમ તેમ બોલવા લાગેલ અને મને ગાળો આપવા લાગેલ અને મને કહેલ કે હું હમણા તારા ઘરે આવુ છુ તેમ કહી મારો ફોન કાપી નાખેલ. બાદ હું મારા મિત્ર સુલ્તાન ફીરોજભાઇ જુણેજા તથા તોકીર ફીરોજભાઈ જુણેજા એમ અમો ત્રણેય જણા ખુરશી ઉપર અમારા ઘરની સામે આવેલ હનુમાન મંદિર પાસે બેઠા હતા ત્યારે થોડીવારમા અમુક મોટર સાઈકલોમાં આબીદ જુણેજા તથા મીરખાન રહીશ દલ તથા ઇશોભા રિઝવાન દલ તથા મહેબુબ અઘામ તથા સમીર ઉર્ફે ધમો બસીર શેખ તથા બીજા અન્ય સાતથી આઠ અજાણ્યા શખ્સો એકસંપ કરી આવ્યા હતાં.
આ બધા મારી સામે થોડા દૂર ઉભા રહેલ અને આ બધા મારી સાથે ગાળા ગાળી કરવા લાગેલ અને આ તમામ માણસોએ અમારી બધા ઉપર વારાફરતી ખાલી સોડા બાટલો ફેકવા લાગેલ અને મારી નાખવાની ધમકી આપવા લાગેલ જેથી હુ ત્યાથી ભાગીને મારા ઘરમા જતો રહેલ હતો. થોડીવાર પછી આ બધા ત્યાથી તેના વાહનો લઈ જતા રહેલ બાદ મેં મારા ઘરે મારી સાથે ઝધડો કરવા આવેલ ઉપરોકત પાંચેય શખ્સો તથા તેની સાથેના અન્ય સાત થી આઠ અજાણ્યા વિરૂધ્ધ ગાંધીગ્રામ પોલીસ સ્ટેશન ખાતે ફરીયાદ કરવાનું નક્કી કરી પોલીસને જાણ કરી હતી. તેમ વધુમાં કોનેને જણાવતા પીઆઇ એસ.આર. મેઘાણીની રાહબરીમાં એએસઆઈ ડી.જે. જાદવે ગુનો નોંધી તપાસ હાથ ધરી છે.
(11:26 AM IST)










