<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Sunday, 29th June 2025

રાજકોટ તાલુકા પોલીસ મથકમાં ફરિયાદ

ગિરનાર સોસાયટીના જયેશ કુંભારવાડિયા સાથે કોઠારીયા સોલ્વન્ટના અરમાન મુલતાનીની ઠગાઈ: સેલ્ફ ડ્રાઈવમાં આપેલી ૧૪ લાખની કાર પાછી જ ન આપી: તાલુકા પોલીસમાં ફરિયાદ

રાજકોટઃ રાજકોટમાં કાર ભાડે લઈ ગયા બાદ પાછી ના આપી છેતરપિંડી કરવાના બનાવવામાં વધુ એકનો ઉમેરો થયો છે. જેમાં ગિરનાર સોસાયટીમાં રહેતા યુવાન પાસેથી કોઠારીયા સોલ્વન્ટનો શખ્સ ૧૪ લાખની થાર કાર ભાડેથી લઈ ગયા બાદ પાછી ના આપતા આ અંગે તાલુકા પોલીસમાં છેતરપિંડીની ફરિયાદ નોંધાવવામાં આવી છે

જાણવા મળ્યા મુજબ આ બનાવમાં ૪૦ ફૂટ રોડ પરની ગિરનાર સોસાયટી શેરી નં.૧માં રહેતા અને પે એન્ડ પાર્કિંગનું કામ કરતા જયેશભાઈ ખોડાભાઈ કુંભારવાડિયા (ઉ.વ.૩૪)એ સેલ્ફ ડ્રાઇવિંગમાં આપેલી રૂા. ૧૪ લાખની કિમતની થાર ગાડી આરોપી અરમાન મુલતાની (રહે. કોઠારીયા સોલવન્ટ)એ પરત નહીં કરી, વિશ્વાસઘાત કર્યાની તાલુકા પોલીસ મથકમાં ફરિયાદ નોંધાઇ છે.જયેશભાઈએ જણાવ્યું છે કે મિત્ર એલીશ ગણેશભાઈ ગીણોયા (રહે. સત્યમ હિલ્સ એપાર્ટમેન્ટ, ૮૦ ફૂટનો રોડ) સાથે ભાગીદારીમાં પોતાની કાર સેલ્ફ ડ્રાઇવિંગમાં આપવાનું કામ કરે છે. ગઈ તા. ૧૮ના રોજ એલીશે કોલ કરી વાવડીમાં આવેલી હોટલે કાર લઇ આવવાનું કહ્યું હતું. જેથી ત્યાં પહોંચતા એલીશે તેના મિત્ર અરમાનને રૂા. ૪ હજારના ભાડા લેખે સેલ્ફ ડ્રાઇવિંગ માટે કાર આપી હતી. તે વખતે અરમાન સાથે તેનો મિત્ર વિવેક ડાભી કાર લેવા આવ્યો હતો. બે દિવસ બાદ એલીશે અરમાનને કોલ કરી કાર માંગી હતી. તે વખતે અરમાને મિત્ર વિવેક કાર લઈ ગયાનું કહ્યું હતું. 

 ત્યારબાદ તેના બીજા દિવસે ફરીથી કોલ કરતાં અરમાને કહ્યું કે વિવેક તેનો ફોન ઉપાડતો નથી. જેથી એલીશે, અરમાન વિરૂધ્ધ અરજી આપી હતી. ત્યાર પછી અરમાન કાર આપવા બાબતે જુદા-જુદા બહાના બતાવતો હતો. આ રીતે કાર પરત આપતો ન હોવાથી આખરે તેના વિરૂધ્ધ ફરિયાદ નોંધાવી હતી. પીઆઇ ડી.એમ. હરિપરાની રાહબરીમાં તપાસ શરૂ થઈ છે.


 

(11:40 AM IST)