તા. ૨૧ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૧૨ શનિવાર
News of Sunday, 29th June 2025
રાજકોટની સસ્તા અનાજની દુકાનોમાં અરાજકતા : મહિનાના અંતે પણ રાશન ન મળતા લાંબી કતારો : ગરીબોને હાલાકી! :જુઓ વિડીયો
એરકન્ડિશન રૂમમાં લેવાયેલા નિર્ણયોની નિષ્ફળતાનાં જીવંત દ્રશ્યો : સમયસર જથ્થો ન મળતા અધિકારીઓ સામે રોષ : સસ્તા અનાજના દુકાનદારો પણ તંત્રથી પરેશાન : વડાપ્રધાનના પરિશ્રમ અને મુખ્યમંત્રીની છબીને કલંક લાગવાનો ઓલ ગુજરાત ફેર પ્રાઈઝ શોપ એસોસિએશનનાં પ્રમુખ રાજેન્દ્રસિંહ જાડેજા અને મહામંત્રી હિતુભા જાડેજાનો આક્ષેપ!

રાજકોટ, તા. ૨૯ જૂન, ૨૦૨૫, રવિવાર, સવારે ૧૦:૨૦ વાગ્યે: રાજકોટ શહેરની સસ્તા અનાજની (વ્યાજબી ભાવની) દુકાનો ખાતે આજે સવારે ૧૦:૨૦ વાગ્યાના દ્રશ્યો હૃદયદ્રાવક અને તંત્રની બેદરકારીનો જીવતો જાગતો પુરાવો છે. રાશનકાર્ડ ધારકોના વિશાળ ટોળાં વહેલી સવારથી લાઈનમાં ઊભા છે, પરંતુ તેમનો વારો ક્યારે આવશે તેની કોઈ ખાતરી નથી, જેના કારણે લોકોમાં ભારે અજંપો અને રોષ જોવા મળી રહ્યો છે. મહિનાના અંતિમ બે દિવસ બાકી હોવા છતાં આવા દ્રશ્યો સર્જાવા પાછળનું મુખ્ય કારણ એ છે કે, વ્યાજબી ભાવની દુકાનોને સમયસર રાશનનો જથ્થો મળતો નથી.
તંત્રની બેદરકારી અને ગરીબોની હાલાકી:
સરકારશ્રી દ્વારા દર મહિનાની પહેલી તારીખે સમાચાર પત્રોમાં જાહેરાત મૂકી દેવામાં આવે છે કે રાશનનો જથ્થો ઉપલબ્ધ છે, પરંતુ હકીકતમાં આ જથ્થો છેક ૨૯મી તારીખે પહોંચે છે. પરિણામે, ગરીબ અને લાચાર જનતાને ભારે હાલાકી ભોગવવી પડે છે. ઓલ ગુજરાત ફેર પ્રાઈઝ શોપ એસોસિએશનના પ્રમુખશ્રી રાજેન્દ્રસિંહ જાડેજા અને મહામંત્રીશ્રી હિતુભા જાડેજાએ આ દ્રશ્યોને "એરકન્ડિશન ચેમ્બરમાં બેસીને લેવાતા નિર્ણયોની નિષ્ફળતા" ગણાવ્યા છે અને તેની પૂરેપૂરી સાબિતી પૂરી પાડે છે.
જવાબદારી કોની? કાયદાની છટકબારીઓ:
આવી પરિસ્થિતિનું નિર્માણ જેમના કારણે થયું છે, તેવા લોકો દોષી, સજાને પાત્ર અને દંડને પાત્ર છે. તેમના માટે કાયદો અને વ્યવસ્થા પણ છે, પરંતુ કાયદાઓની છટકબારીમાંથી છટકવા માટે અધિકારીઓ જ તેમને છીંડા કરી આપે છે તેવો ગંભીર આક્ષેપ એસોસિએશન દ્વારા કરવામાં આવ્યો છે. પ્રશ્ન એ થાય છે કે, ગરીબ અને જરૂરિયાતમંદ જનતા કોના પાપે આવી હાલાકી ભોગવી રહી છે? આ અંગે વિચાર કરવો જોઈએ અને દોષીઓને સજા કે દંડ થવો જ જોઈએ.
આની પૂરેપૂરી જવાબદારી સ્થાનિક કક્ષાએ ગોડાઉન મેનેજર, ઝોનલ ઓફિસર, ગોડાઉનના જિલ્લા મામલતદાર તથા જિલ્લા પુરવઠા અધિકારીની છે. આ ઉપરાંત, નીતિ ઘડનારા નિયામક હોય કે સચિવશ્રી હોય, તેઓ પણ આ વરવી વાસ્તવિકતા માટે પૂરેપૂરા જવાબદાર છે. એસોસિએશને રાજ્ય સરકારને અપીલ કરી છે કે, જો અંશ માત્ર પણ સંવેદના બચી હોય તો સૌ પ્રથમ દોષીઓને દંડ કે સજા કરે, માત્ર નોટિસોના નાટક ક્યાં સુધી ચાલશે?
દુકાનદારોની મજબૂરી અને ગુજરાતની છબી:
આ તંત્રએ સસ્તા અનાજના દુકાનદારોની હાલત દયનીય કરી નાખી છે. દુકાનદારોને પોર્ટેબિલિટી પરમિટ મેળવવા, પૂરક પરમિટ મેળવવા આજીજી કરવી પડે છે. જથ્થો મોડો આવ્યો હોવાના કારણે વિતરણની મુદતમાં વધારો કરવા માટે આવેદનો આપવા પડે છે. આ બધા ખેલ ક્યારે બંધ થશે તે એક મોટો પ્રશ્ન છે. સમગ્ર ભારત દેશમાં ગુજરાતને જ્યારે મોડેલ સ્વરૂપે વિકસાવવામાં આવી રહ્યું છે, ત્યારે રાજ્યના આવા દ્રશ્યો આપણને કલંક લગાડે છે.
ઓલ ગુજરાત ફેર પ્રાઈઝ શોપ એસોસિએશનનાં પ્રમુખ રાજેન્દ્રસિંહ જાડેજા અને મહામંત્રી હિતુભા જાડેજાએ આક્ષેપ કર્યો છે કે, આ દ્રશ્યો આપણા માનનીય વડાપ્રધાનના ૧૮ કલાકના પરિશ્રમને ધૂમિલ કરે છે અને ગુજરાત રાજ્યના સંવેદનશીલ મુખ્યમંત્રીની જે છાપ છે, આ છાપને કોણ કલંક લગાવી રહ્યું છે તેના સાચા ગુનેગારની ઓળખ થવી જરૂરી છે. પ્રમુખ રાજેન્દ્રસિંહ જાડેજા અને મહામંત્રી હિતુભા જાડેજાએ માનનીય રાજ્યપાલને પણ વિનંતી કરી છે કે તેઓ પોતે હુકમ કરી અને ગુજરાત રાજ્યના ૧૭ જિલ્લાના એસોસિએશનના આગેવાનોની દુકાનની ચકાસણી કરાવે, જેથી ગરીબ અને જરૂરિયાતમંદ લાભાર્થીઓને ટળવળતા જોઈ આવા વીડિયો ક્લિપ માનનીય પુરવઠા મંત્રી, મુખ્યમંત્રી અને રાજ્યપાલ સુધી પહોંચી શકે. આશા છે કે આ ગંભીર મુદ્દા પર તંત્ર દ્વારા તાત્કાલિક યોગ્ય પગલાં લેવામાં આવશે.
(2:41 PM IST)










