News of Thursday, 3rd July 2025
પત્રકાર દોઢ મહિનાથી છાપતો'તો નકલી નોટો!
માત્ર ૧૦૦ના દરની જ નોટો છાપી છુટક ખર્ચમાં વાપરી નાંખ્યાનું રટણઃ જરૂર પડે એમ ઘરમાં જ છાપી લેતો હોવાનું રટણ!

રાજકોટ શહેર એસઓજીએ ઘરમાંથી કલર પ્રિન્ટર, જેમાંથી નકલી નોટો છાપી એ અસલી નોટ સહિતનું સાહિત્ય કબ્જે કર્યુઃ પાંચમી સુધી રિમાન્ડ પર રહેલા હિતેષ દાવડાની પીઆઇ સંજયસિંહ જાડેજા, એન. વી. હરિયાણી અને ટીમ દ્વારા વિશેષ પુછતાછ
રાજકોટ તા. ૩: શહેર એસઓજીએ ત્રણ દિવસ જાલીનોટ સાથે પોરબંદરના એક પત્રકારને રાજકોટમાં ઝડપી લીધો હતો. રૂપિયા સોના દરની જાલીનોટો આ શખ્સ પાસેથી મળી આવી હતી. તેની ધરપકડ કરી કોર્ટમાં રજૂ કરતાં પાંચમી તારીખ સુધીના રિમાન્ડ મળતાં વિશેષ કાર્યવાહી હાથ ધરાઇ હતી. તપાસ દરમિયાન આ પત્રકારે પોતે ઘરમાં જ કલર પ્રિન્ટરથી કોપી કરી નકલી નોટો ઘરમાં જ છાપતો હોવાનું અને આવુ દોઢેક મહિનાથી કરતો હોવાનું કબુલ્યું હતું. એસઓજીએ પોરબંદરમાં તેના ઘરે દરોડો પાડી કલર પ્રિન્ટર, તેણે જે અસલી નોટમાંથી નકલી નોટો છાપી એ અસલી નોટ સહિતનું સાહિત્ય કબ્જ કર્યુ છે. તેણે એવુ પણ રટણ કર્યુ હતું કે જરૂર પડે એ મુજબ ૧૦૦-૧૦૦ની નોટો છાપી છુટક ખર્ચમાં ચલણમાં પધરાવી દેતો હતો.
શહેર એસઓજીની ટીમે મહાત્મા ગાંધી મ્યુઝિયમના કમ્પાઉન્ડમાં આવેલા રેસ્ટોરન્ટ પાસેથી હિતેષ કનુભાઇ દાવડા (ઉ.વ.૬૧-રહે. વાડી પ્લોટ- શેરી નં. ૫, ઉકાભાઇની ઘંટીવાળી શેરી, પોરબંદર) ઝડપી લઇ ૧૦૦ના દરની ૧૭ નકલી નોટો તથા બીજી અસલી નોટો કબ્જે કરી હતી. આ અંગે ડીસીબી પોલીસ સ્ટેશનમાં ગુનો દાખલ કરાવ્યો હતો. પ્રાથમિક પુછપરછમાં તેણે પોરબંદરમાં એક શખ્સ પોતાને આ નકલી નોટો આપી ગયાનું રટણ કર્યુ હતું.
પોલીસે તેને રિમાન્ડ માંગણી સાથે કોર્ટમાં રજૂ કરતાં પાંચમી જુલાઇ સુધીના રિમાન્ડ મળતાં તેની વિશેષ પુછપરછ હાથ ધરવામાં આવી હતી. અંતે તેણે સાચી હકિકત ઓકી હતી. તેણે કબુલ્યુ હતું કે ૧૦૦ના દરની નકલી નોટો તેણે પોતાના ઘરે જ છાપી છે. આ કબુલાતને આધારે શહેર એસઓજીની ટીમ પોરબંદર આરોપીને સાથે રાખીને પહોંચી હતી અને ઘરમાંથી નોટો છાપવામાં ઉપયોગમાં લેવાયેલ કલર પ્રિન્ટર, કોમ્પ્યુટર સહિતની સાધન સામગ્રી તેમજ ૧૦૦ના દરની અસલી નોટો કબ્જે કર્યા હતાં.
હિતેષ દાવડાએ એવુ પણ રટણ કર્યુ હતું કે પોતાને ખર્ચ માટે પૈસાની જેમ જેમ જરૂર પડે તેમ તેમ ૧૦૦ના દરની નકલી નોટ છાપી લેતો હતો. પોતે આ નકલી નોટો પોરબંદરમાં જ રિક્ષાભાડા, શાકભાજી સહિતના ખર્ચમાં વાપરતો હોવાનું અને દોઢેક મહિનાથી આવી નકલી નોટો છાપતો હોવાનું કહ્યુ઼ હતું. પોરબંદરમાં બાદમાં પકડાઇ જવાની બીક લાગતાં અમુક નકલી નોટો લઇને રાજકોટ આવ્યો હતો. જો કે અહિ તે એસઓજીના હેડકોન્સ. હરદેવસિંહ જાડેજા, યોગરાજસિંહ ગોહિલ અને અનોપસિંહ ઝાલાને બાતમી પરથી પકડાઇ ગયો હતો.
તેણે અત્યાર સુધી જે નકલી નોટો છાપી છે તે માત્ર રૂા. ૧૦૦ના દરની જ છાપી હોવાનું પણ કબુલ્યું છે. હજુ પાંચમી તારીખ સુધી તે રિમાન્ડ પર હોઇ વિશેષ પુછતાછ યથાવત રખાઇ છે. પોલીસ કમિશનર બ્રજેશકુમાર ઝા, જેસીપી મહેન્દ્ર બગડીયા, ડીસીપી ક્રાઇમ પાર્થરાજસિંહ ગોહિલ, એસીપી ક્રાઇમ ભરત બી. બસીયાની સુચના અંતર્ગત એસઓજી પીઆઇ સંજયસિંહ એમ. જાડેજા, પીઆઇ એન. વી. હરિયાણી, પીએસઆઇ વી. વી. ધ્રાંગુ, એએસઆઇ વિરન્દ્રસિંહ ઝાલા, અરૂણભાઇ બાંભણીયા, હેડકોન્સ. હરદેવસિંહ જાડેજા, યોગરાજસિંહ ગોહિલ, મોૈલિકભાઇ સાવલીયા, ઉપેન્દ્રસિંહ ઝાલા, મહાવીરસિંહ ઝાલા, કોન્સ. અનોપસિંહ ઝાલા, હરદેવસિંહ વાળા, કોન્સ. મોનાબેન બુસા સહિતની ટીમ વધુ તપાસ કરે છે.
(3:45 PM IST)










