News of Friday, 4th July 2025
કાતર મારી સામે જોવા મામલે આતિફને પડોશી ભાઇઓએ માર મારી છરી ઝીંકી
કોઠારીયા સોલવન્ટ બરકતીનગરમાં શબીલ પાસે બનાવ સાહિલ સીડા અને અમન સીડા વિરૂધ્ધ તાલુકા પોલીસે ગુનો નોંધ્યો

રાજકોટ તા. ૪: કોઠારીયા સોલવન્ટ બરકતીનગરમાં રહેતાં યુવાન પર ઘર નજીક શબીલ પાસે તેના જ વિસ્તારમાં રહેતાં બે ભાઇઓએ આગલા દિવસે કાતર મારી સામુ જોવા મામલે થયેલી માથાકુટનો ખાર રાખી ઢીકાપાટુનો માર મારી પેટમાં છરી ભોંકી દેતાં સારવાર માટે દાખલ કરાયો છે. આ મામલે તાલુકા પોલીસે હુમલામાં ઘાયલ થયેલા કોઠારીયા સોલવન્ટ બરકતીનગર-૧૩માં રહેતાં આતીફ ઉર્ફ આતીફીયો મહેબૂબભાઇ બાહરોલીયા (ઉ.વ.૨૫)ની ફરિયાદ પરથી સાજીદ શરીફભાઇ સીડા અને અમન શરીફભાઇ સીડા વિરૂધ્ધ ગુનો નોંધ્યો છે.
આતીફ ડ્રાઇવીંગ કરી ગુજરાન ચલાવે છે. તેણે જણાવ્યું હતું કે હું મારા માતા-પિતા અને નાની બહેન સાથે રહુ છું. મારે મહિન્દ્રાનું બોલેરો લોડીંગ વાહન હોઇ તેમાં ફેરા કરુ છું. મારી એક બહેનને અગાઉ મારો મિત્ર સાહિલ શરીફ સીડા ચારેક મહિના પહેલા ભગાડી ગયો છે. આ બંને હાલ ક્યાં છે તેની અમને જાણ નથી. પરમ દિવસે રાતે દસેક વાગ્યે હું મારા ઘર પાછળ શેરીમાં હતો ત્યારે સાહિલનો નાનો ભાઇ અમન સીડા મળ્યો હતો અને મારી સાથે કાતર મારીને જોતાં મારે તેની સાથે બોલાચાલી થઇ હતી. જો કે બાદમાં બપોરે સમાધાન થઇ ગયું હતું.
દરમિયાન ગુરૂવારે સાંજે હું ઘરેથી નજીકમાં માહિન પાર્કિંગ યાર્ડ સામે શબીલ હોઇ ત્યાં જતાં સાહિલ સીડાનો મોટો ભાઇ સાજીદ સીડા તથા અમન મળ્યા હતાં અને સાજીદે તું કેમ મારા ભાઇ અમન સાથે ઝઘડો કરે છે કહી ઢીકાપાટા માર્યા હતાં. બાદ અમને મને પકડી રાખેલો અને સાજીદે છરી કાઢી મને પેટમાં ઘા મારી દેતાં હું પડી ગયો હતો અને લોહી નીકળવા માંડયા હતાં. લોકો ભેગા થઇ જતાં સાજીદે હવે મારા ભાઇ સાથે ઝઘડો કરીશ તો મારી નાખીશ તેમ કહી ધમકી આપી હતી અને બંને ભાઇઓ ભાગી ગયા હતાં. મને સારવાર માટે હોસ્પિટલમાં ખસેડાયો હતો. તેમ વધુમાં તેણે જણાવતાં પીએસઆઇ એમ. એસ. પારગી, કિરીટભાઇ રામાવત સહિતે ગુનો નોંધ્યો હતો.
(3:59 PM IST)










