News of Friday, 4th July 2025
વેલનાથપરાના રિક્ષાચાલક મહેશભાઇ ગોહેલનું હૃદય બંધ પડી જવાથી મોત
બેભાન હાલતમાં પરસાણાનગરના ધીરજલાલ કબીરા અને નવલનગરના વિમલભાઇ ચાંડેગરાએ દમ તોડયો

રાજકોટ તા. ૪: શહેરના મોરબી રોડ પર વેલનાથપરામાં રહેતાં મહેશભાઇ મગનભાઇ ગોહેલ (ઉ.વ.૪૫) સવારે ઘરે બેભાન થઇ જતાં સિવિલ હોસ્પિટલમાં ખસેડાયા હતાં. પરંતુ અહિ મૃત્યુ થતાં પરિવારમાં શોક છવાઇ ગયો હતો.
મહેશભાઇ રિક્ષા હંકારી ગુજરાન ચલાવતાં હતાં. સંતાનમાં એક દિકરી અને બે દિકરા છે. પોતે બે ભાઇ અને એક બહેનમાં નાના હતાં. હાર્ટએટેક આવી ગયાનું સગાએ કહ્યું હતું. બી-ડિવીઝન પોલીસે આ અંગે જરૂરી કાર્યવાહી કરી હતી.
બીજા બનાવમાં જામનગર રોડ પરસાણાનગર-૫૭માં રહેતાં ધીરજલાલ અર્જુનભાઇ કબીરા (ઉ.વ.૫૭) ઘરે બિમારીને કારણે બેભાન થઇ જતાં સિવિલ હોસ્પિટલમાં ખસેડાતાં મૃત્યુ થયું હતું. પ્ર.નગર પોલીસે જરૂરી કાર્યવાહી કરી હતી. મૃત્યુ પામનાર ત્રણ ભાઇ પાંચ બહેનમાં મોટા હતાં અને સંતાનમાં ચાર દિકરી તથા એક દિકરો છે. તેઓ આઇઓસીમાં નોકરી કરતાં હતાં.
ત્રીજા બનાવમાં નવલનગર મુરલીધર ચોકમાં રહેતાં વિમલભાઇ કાંતિભાઇ ચાંડેગરા (ઉ.વ.૪૦) કેન્સરની બિમારીથી બેભાન થઇ જતાં સિવિલ હોસ્પિટલમાં ખસેડાયા હતાં. પરંતુ અહિ મૃત્યુ થયું હતું. માલવીયાનગર પોલીસે કાર્યવાહી કરી હતી.
(3:59 PM IST)










