<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Saturday, 5th July 2025

સર્વત્ર મહોર્રમ : આજે રાત્રે તાજીયા જુલૂસ : કાલે રાત્રે સમાપ્‍તિ

કાલે રવિવારે મનાવાશે આશૂરાહ : સવારે વિશેષ નમાઝ, ક્ષમાયાચના અને કબ્રસ્‍તાનમાં શ્રાદ્ધતર્પણના કાર્યક્રમ : હુસૈની મજાલિસોમાં ઉમટતી મેદની : કરબલાના શહીદોને ભવ્ય અંજલિ: ઠેર-ઠેર જાહેર સબિલો ઉપરથી વિના ભેદભાવે ખાણીપીણીનું ભરપૂર વિતરણ: રોજ સાંજે લાગતી કતારો

રાજકોટ તા.પ : ઇસ્‍લામ ધર્મના મહાન અંતિમ પયગમ્‍બર હઝરત મુહમ્‍મદ સાહેબના દૌહિત્ર હઝરત ઇમામ હુસૈન એ પોતાના ૭ર સાથીદારો સાથે ઇરાકના રેતાળ પ્રદેશના કરબલામાં ભવ્‍ય યુધ્‍ધ ખેલી શહીદી વ્‍હોરી લીધાની દુઃખ ભરી ઐતિહાસિક ઘટનાના શોકમાં બની રહેલ ‘તાજીયા' આજે રાજકોટ સહિત સૌરાષ્‍ટ્ર-કચ્‍છમાં સર્વત્ર ગામે ગામ ઇમામખાનામાંથી બહાર આવી આજે રાત્રે જૂલૂસરૂપે જાહેરમાં રાબેતા મુજબ ફરનાર છે.

ગતા તા. ૨૦ ને  ગુરૂવારના રોજ ઇસ્‍લામી પંચાગના ૧રમા મહીના જીલહજજની ર૯મી તારીખે આકાશમાં ચંદ્ર દર્શન થતા એ સાથે જ તા. ૨૦ ને શુક્રવારના ઇસ્‍લામી નૂતન વર્ષ હિજરી ૧૪૪૭ નો પ્રારંભ થયો છે અને એ સાથે ઇસ્‍લામી પંચાયગનો પ્રથમ મહીનો ‘મહોર્રમ' માસ શરૂ થયો છે જે મહોર્રમના ૧૦મા દીવસે ‘આશૂરાહ' પર્વ મનાવવામાં આવે છે.

ખાસ કરીને કરબલાના શહીદોની સ્‍મુતિમાં આ માસમાં તાજીયા બનાવવામાં આવે છે અને તે ૯મી મહોર્રમના જાહેર દર્શને મૂકાય છે અને એ જ રાતે જાહેરમાં ફરે છે જે મુજબ આ વખતે બનેલા તાજીયા આજે રાત્રે ફરશે અને કાલે રવિવારે સવારે ફરી માતમમાં આવી જઇ આવતીકાલે  રાત્રિના ૧ર વાગ્‍યે ઇમામખાનામાં ફરી પુર્ણાૂહતિ પામશે.

મહોર્રમ માસ આવતા જ મુસ્‍લીમ સમાજમાં શોકનો માહોલ વર્તાતો હોય છે તો બીજી તરફ ખાસ કરીને આ માસમાં કરબલાના શહીદોની સ્‍મૃતિમાં તાજીયા બનાવવામાં આવે છે અને તેને ૯ મી મહોર્રમના દિવસે સાંજે જાહેર દર્શનાર્થે બહાર લાવી ૧૦ મી મહોર્રમના રાત્રે પરત ઇમામ ખાનામાં મુકવામાં આવે છે.

તાજીયા ઉપરાંત કરબલાના શહીદોની સ્‍મૃતિમાં દરેક મુસ્‍લિમ વિસ્‍તારમાં સળંગ ૧૦ રાત્રી હુસેની મજાલિસો યોજાય છે અને ઠેરઠેર સબિલો બનાવી તેના દ્વારા ખાણી-પીણીની વસ્‍તુઓ વિના ભેદભાવે વિતરણ કરવામાં આવી રહી છે. જેમાં સાંજ પડતાં જ જે તે સબિલો ઉપર ધમધમાટ પ્રવર્તે છે અને હુસેની મજાલિસોમાં પણ ભાઇ-બહેનો મોટી  માત્રામાં ઉમટી વાઅઝ સાંભળી રહ્યા છે.

બીજી તરફ ૧૦મી મહોર્રમનો દિવસ આશૂરાહ તરીકે ઓળખાય છે. જેમાં તમામ મસ્‍જીદોમાં કાલે સવારે  વિશેષ નમાઝ પઢવામાં આવશે અને તે પછી મુસ્‍લિમ બિરાદરો કબ્રસ્‍તાનમાં ઉમટી પોતાના  સ્‍વજનો, આપ્તજનો માટે શ્રાધ્‍ધ તર્પણ કરશે. જયારે શહીદોની સ્‍મૃતિમાં લોકો આજે અનેકાલે લે બે દિ' રોઝા રાખશે. જો કે કેટલાક લોકો તો ૧૦ દિ' ના રોઝા કરી રહ્યા છે.

એ જગજાહેર છે કે દર વર્ષે મહોર્રમ માસનો પ્રારંભ થતા જ કરબલાના શહીદોની યાદ તાજી કરવામાં આવે છે. અને તેમાં પણ ખાસ કરીને જે તાજીયા સ્‍મૃતિના પ્રતિકરૂપ બનાવવામાં આવે છે તેને નિહાળવા હિન્‍દુ - મુસ્‍લીમ સમાજનો સમુહ ઉમટી પડે છે.

ઇસ્‍લામી પંચાગનો ૧ર મો મહીનો જીલ હજજમાં ઇદુલ અદહા ઉજવાઇ હતી જે પર્વ બલીદાનની ભાવના પ્રકટ કરે છે. જયારે ઇસ્‍લામી મહિના મહોર્રમ માસમાં પણ ઘણી ઘટનાઓ અંકીત થઇ છે અને આ મહિનાનું અનેરૂ મહત્‍વ છે.

જેમાં પણ ખાસ કરીને ઇરાક દેશના કરબલા શહેરની ધગધગતી ધરા ઉપર ૧૩૮૭ વર્ષ પહેલા બનેલી કરૂણ ઘટના પણ બલીદાનની ભાવના પ્રકટ કરતી હોય ઇસ્‍લામી વર્ષની શરૂઆત અને તેનો અંત હંમેશા બલિદાનની ભાવના ઉપર નિર્ભર રહ્યા છે.

આશૂરાહના દિવસે અનેક ઘટનાઓ અંકિત થઇ છે પરંતુ ખાસ કરીને આ મહિનામાં ઇસ્‍લામ ધર્મના મહાન અને અંતિમ પૈગમ્‍બર હઝરત મુહમ્‍મદ સાહેબના દોહિત્ર હઝરત ઇમામ હુસેન અને પોતાના ૭ર સાથીદારો પરિવારજનો સાથે ઇસ્‍લામ ધર્મની કાજે આપેલી ભવ્‍ય આહૂતિને યાદ કરવામાં આવે છે. જેનો મુખ્‍ય દિવસ જ ‘આશૂરાહ' નો દિવસ છે.  (૯.૧૦)

 

વાંકાનેરમાં રાત્રે તાજીયાઓ ફરશે નહીં રવિવારે દિવસે ફરશે

વાંકાનેર તા. પ :.. મુસ્‍લિમ સમુદાયમાં મોહર્રમના આસુરાના પર્વ અંતર્ગત આજે સાંજે તાઝીયાઓ પડમાં આવશે અને રાત્રે તેના નીર્ધારિત રૂટ મુજબ ફરશે જો કે વાંકાનેરમાં અગ્રણીઓ દ્વારા નકકી કરાયેલ મુજબ ટ્રાફિક વગેરે મુદાઓને ધ્‍યાને લઇ રાત્રે તાજીયાઓ ફરશે નહીં પણ બીજા દિવસે રવિવારે રાબેતા મુજબ તેના નીર્ધારિત રૂટ મુજબ ફરશે.

વાંકાનેરમાં મુખ્‍ય બે તાજીયાઓ પૈકી સુન્‍ની હુસેની તાજીયા કમીટી તેમજ કસ્‍બા જુમાત તાજીયાની આગેવાનીમાં નાના-મોટા ૧૩ તાજીયાઓ, દૂલ દૂલ જોડાશે. આજે સાંજે તમામ તાજીયાઓ પોતાના માતમમાં રહેશે. રવિવારે સવારે ૧૧ વાગ્‍યે તાજીયાઓનું ઝૂલૂલ પ્રસ્‍થાન કરશે.  (પ-ર૩)

 

શહેર વિસ્‍તારની લાઇનદોરીઃ આજે રાત્રીનો જુલૂસનો રૂટ

રાજકોટ : રાજકોટ શહેર વિસ્‍તારમાં પણ તાજીયાનું જબરૂ જુલૂસ નિકળે છે. આ પૈકીના તમામ તાજીયાઓ આજે રાત્રીના ૧ર વાગ્‍યે પોતપોતાના માતમમાંથી ઉઠીને જીલ્લા ગાર્ડન ચોક પાસે રાત્રીના બે વાગ્‍યે પહોંચશે. અને સામા કાંઠા વિસ્‍તારના તાજીયા રામનાથપરા જેલના ઝાંપા પાસે રાત્રે બે વાગ્‍યે પહોંચશે અને ત્‍યાંથી તમામ તાજીયા રામનાથપરા થઇ કોઠારીયા નાકા ચોક ઉપર જમા થશે.

જયાંથી બે લાઇન દોરીનું વિભાજન થશે. જેમાં એક લાઇન દોરી સોની બજારની છે અને બીજી પેલેસ રોડ ઉપરની છે અને રાત્રે ૪ વાગ્‍યે આ લાઇન દોરીઓમાં તાજીયા સવારે પરત પોતપોતાના માતમમાં આવી જશે.

કાલે દિવસનો રૂટ

શહેરી વિસ્‍તારના તાજીયા કાલે બપોરે ર.૩૦ વાગ્‍યે નમાઝ પછી માતમમાંથી ઉઠી જીલ્લા ગાર્ડન ચોક પાસે સાંજે ૪ વાગ્‍યે એકત્ર થશે અને રામનાથપરા જેલના ઝાપા પાસે પ.૩૦ વાગ્‍યે આવશે.

સાંજે ૬.૩૦ વાગ્‍યે કોઠારીયા નાકા ગરબી ચોક પાસે આવશે. કોઠારીયા નાકા પોલીસ ચોકી પાસે આ તાજીયાની લાઇન દોરી સાંજે ૭ વાગ્‍યે આવશે. ત્‍યાંથી બે લાઇન દોરીઓમાં અલગ વિભાજન થશે તેમાં એક લાઇનદોરી સોની બજારમાં જશે. બીજી લાઇનદોરી પેસેલ રોડ ઉપર જશે. સ્‍વામીનારાયણ મંદિરના ચોક પાસે આ તાજીયાની લાઇન દોરી રાત્રીના ૮ વાગ્‍યે પહોંચશે. ૯ વાગ્‍યે આશાપુરા મંદિર પાસે પહોંચશે. ૧૦ વાગ્‍યે સંતોષ ડેરી પાસે પહોંચશે. ત્‍યાંથી આ તાજીયાઓનું વિસર્જન થશે. ત્‍યાંથી આ લાઇન દોરીમાં અલગ-અલગ વિસ્‍તારમાં પરત ફરશે અને મંગળવારે રાત્રીના ૧ર વાગ્‍યે આ તાજીયાઓ પોતપોતાના વિસ્‍તારમાં પહોંચી પોતપોતાના ઇમામ ખાનાઓમાં ટાઢા થશે. (૯.૧૦)

ચોતરફ હુસૈની માહોલ છવાયોઃ હિન્‍દુ મુસ્‍લિમો દ્વારા એક સાથે થતા દર્શન

રાજકોટ : સૌરાષ્‍ટ્રભરમાં આજે સાંજે ૬ વાગ્‍યે તો કયાંક રાત્રે તાજીયા જાહેરમાં આવી જશે રાત્રે ૧ર વાગ્‍યે જે તે ગામ શહેરમાં તાજીયા જુલૂસરૂપે ફરનાર છે. એ સાથે જ આજે આશૂરાની રાત્રી મનાવાશે.

જાણવા મળ્‍યા મુજબ ભાવનગર-૩પ,  જામનગર-૬૦૦, પોરબંદર-૩૬, ધોરાજી -૮૦, ઉના-૪પ, અમરેલી-૮૦, વાંકાનેર ૧૧, મોરબી-૧૧, જુનાગઢ-રપ૦ અને રાજકોટમાં ૧૭પ જેટલા તાજીયા બન્‍યા છે. આ તમામમાં રાજકોટના જાણીતા વિશાળ મુસ્‍લિમ બહુમતવાળા જંગલેશ્વર વિસ્‍તારના રઝાનગરમાં બનેલા તમામ તાજીયા જુલૂસરૂપે ફરતા નથી. અને સતત પચ્‍ચીસમાં વર્ષે પણ તાજીયા પોતપોતાના વિસ્‍તારના માતમમાં જ રહેશે. જો કે જાહેર નિયાઝના ભરપૂર વિતરણ ઉપરાંત આજે અને કાલે રોઝા રાખવાના લીધે બે દિ' સવાર-સાંજ ઇફતારી અને સહેરીના પણ જાહેર કાર્યક્રમો યોજાયા છે. 

ઠેરઠેર હિન્‍દુ-મુસ્‍લિમોને ભારે માત્રામાં પ્રસાદ વિતરણ થઇ રહ્યું હોય ભાઇચારા અને કોમી એકતાના ભવ્‍ય દર્શન થઇ રહ્યા છે તો અનેક હિન્‍દુ ભાઇ-બહેનો પણ તાજીયાના દર્શન કરી માનતાઓ પુરી કરી રહ્યા છે. (૯.૧૦)

સદર વિસ્‍તારના તાજીયા

જુલૂસનો બે દિ'નો રૂટ

રાજકોટ : સદર વિસ્‍તારમાં ૧પ જેટલા તાજીયાઓનું નિર્માણ થયું છે. જેમાં નહેરૂનગર, લક્ષ્મીનગર, રૈયા સહિતના વિસ્‍તારોના તાજીયાઓનો સમાવેશ થાય છે. આ તમામ તાજીયાઓ આજે સાંજે ૬ વાગ્‍યા આસપાસ ઇમામખાનામાંથી બહાર આવી જાહેર દર્શનાર્થે તાજીયાઓ પોતપોતાના વિસ્‍તારમાંથી નિકળી રાત્રીના ફુલછાબ ચોકમાં એકત્ર થશે.

અહીંથી એકત્ર થઇ રાત્રીના ૧ર વાગ્‍યાથી ઝૂલૂસરૂપે આગળ વધશે અને ભીલવાસ ચોક, મોટી ટાંકી ચોક, લીમડા ચોક, બેન્‍ક ચોક, જયુબેલી ચોક, કબ્રસ્‍તાન રોડ, હરીહર ચોક, સદર બજાર મેઇન રોડ, થઇ પરત વ્‍હેલી સવારે પોતપોતાના મુકામે પહોંચશે.જયારે કાલે રવિવારે બપોરે ફરી એજ રીતે ચાલી ફુલછાબ ચોકમાં સાંજે એકત્ર થઇ ઉપર મુજબના નિયત રૂટ ઉપર ચાલી રાત્રીના ૧ વાગ્‍યે પરત ફુલછાબ ચોકમાં પહોંચી સમાપ્તી જાહેર કરશે. (૯.૧૦)

કોઠારીયા કોલોનીના તાજીયા ‘મંઝુરે-ઇલાહી'

રાજકોટ, તા. પઃ કોઠારીયા કોલોની મંઝુરે-ઇલાહી તાજીયા કમીટી દ્વારા છેલ્લા ૬૪ વર્ષથી કલાત્‍મક તાજીયાનું નિર્માણ કરવામાં આવે છે. સાંજે તાજીયા પડમાં આવશે. કોઠારીયા કોલોનીના તાજીયા ‘મંઝુરે-ઇલાહી' ના નામથી પ્રખ્‍યાત છે. કોઠારીયા કોલોનીમાં રોશની અને સબીલનું સોરઠીયાવાડી ખાતે આયોજન કરેલ છે. શનિવારે રાત્રે આમન્‍યાજ, સરબત વિતરણ કરવામાં આવશે. ત્‍યારબાદ કમીટી દ્વારા હિન્‍દુ-મુસ્‍લિમ બિરાદરોને, મંઝુરે-ઇલાહી કમીટી દ્વારા સન્‍માન કરવામાં આવશે. આ વિસ્‍તારના તાજીયા હિન્‍દુ-મુસ્‍લિમ એકતા કોમી ભાઇ ચારા સમાન છે. શ્રધ્‍ધાળુઓ દ્વારા ગોળ, પેંડા, ગુલાબ, અગરબતી, શ્રીફળ, સાકર, સુકોમેવો, ચડાવીને પોતપોતાની માનતા પુર્ણ કરે છે. રાત્રે તાજીયા પરંપરાગત ઝુલુસમાં જોડાશે અને માતમમાં રહેશે. ઝુલુસનો રૂટ કોઠારીયા કોલોનીથી સોરઠીયાવાડી, જીલ્લાગાર્ડન, રામનાથપરા, કોઠારીયાનાકા, પેલેસ રોડ પર ફરશે અને લાઇન દોરીમાં રહેશે.

કોઠારીયા કોલોની ના તાજીયાના દિદાર કરવા મંઝુરે-ઇલાહી તાજીયા કમીટીના રઝાકબાપુ પીરઝાદા, અકબરબાપુ બુખારી, નુરૂબાપુ પીરઝાદા, સબીરભાઇ સવાણ, અનવરબાપુ પીરઝાદા, અબજલભાઇ રાઉમા, કાસમભાઇ રાઉમા, અશરફભાઇ વિઘાણી, અબુભાઇ, ઇકબાલભાઇ કાસરીયા, સીંકદરભાઇ, મકબુલભાઇ ચૌહાણ, અસ્‍લમભાઇ સવાણ, અબુભાઇ, કરીમભાઇ, ચીકાભાઇ, હાઉનભાઇ રાઉમા, અજરૂબાપુ, અમીતભાઇ રાઉમા, હનીફભાઇ પઠાણી, દાઉદભાઇ હેરેજા, ફિરોઝભાઇ, આઝનભાઇ, આદીલ રાઉમા, ચિરાગભાઇ રાઉમા સહિતનાએ અનુરોધ કર્યો છે.(૬.૧ર)

(2:46 PM IST)