<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Saturday, 5th July 2025

ડેટીંગ એપમાં શ્રુતિ સાથે ફ્રેન્‍ડશીપ બાદ ટ્રેડીંગના નામે યુવાને ૧૩ાા લાખ ગુમાવ્‍યા

મિત્રતા કરનારે ફોરેક્ષ ટ્રેડીંગમાં રોકાણ કરવા કહી લિંક મોકલીઃ શિવધામ સોસાયટીના યુવાને વિશ્વાસ રાખી નાણા જમા કરાવ્‍યા પછી ફ્રોડ થયાની ખબર પડીઃ સાયબર ક્રાઇમ પોલીસે તપાસ હાથ ધરી

રાજકોટ તા. ૧૦: ઓનલાઇન ડેટિંગ એપ પર પરિચય થયા બાદ ફોરેક્ષ ટ્રેડિંગ કરી પૈસા કમાવવા  જતાં એક યુવાન સાથે ૧૩ાા લાખની ઠગાઇ થઇ છે. સાયબર ક્રાઇમ પોલીસે આ અંગે રણુજા મંદિર પાસે શિવધામ સોસાયટી-૨માં રહેતાં રવિભાઇ જગદીશભાઇ વીરપરીયા (ઉવ.૩૬)ની ફરિયાદ પરથી અલગ અલગ ચાર બેંક એકાઉન્‍ટના ધારકો સામે ગુનો નોંધ્‍યો છે.

રવિભાઈ એડવર્ટાઈઝિંગનું કામ કરે છે. તેણે પોલીસને જણાવ્‍યું કે ગત ફેબુ્રઆરી માસમાં તેણે  એક ડેટિંગ એપ પર એકાઉન્‍ટ બનાવ્‍યું હતું. જેના ફ્રેન્‍ડ સજેશનમાં શ્રુતિ શર્માનું એકાઉન્‍ટ દેખાતા તેને ફ્રેન્‍ડ રિકવેસ્‍ટ મોકલી હતી. તેનું ખરેખર નામ શ્રુતિ શર્મા હતું કે પછી બીજું તેની જાણ નથી. એટલું જ નહીં તે ખરેખર મહિલા હતી કે પુરૂષ તેની પણ જાણ ન હતી. ઓનલાઈન ફ્રેન્‍ડ બન્‍યા બાદ તેની સાથે વાતચીત શરૂ કરી હતી. એક-બીજાનું આર્થિક બેકગ્રાઉન્‍ડ જાણ્‍યું હતું. જે દરમિયાન તેણે કહ્યું કે તેની આર્થિક સ્‍થિતિ ખરાબ છે અને પૈસાની જરૂરિયાત છે.  જેથી સામે શ્રુતિ શર્મા નામ ધારણ કરનારે ફોરેક્ષ ટ્રેડીંગમાં સારૂ રિર્ટન મળે છે તેમ કહી તેમાં રોકાણ કરવાનું કહ્યું હતું. તેણે હા પાડતાં ડેટિંગ એપ ઉપર ટેલિગ્રામની લીન્‍ક મોકલી હતી.  એટલું જ નહીં બાદમાં એક એકાઉન્‍ટ પણ ખોલી આપ્‍યું હતું. 

ત્‍યારબાદ તેની સુચના મુજબ તેણે તેની પેઢી અને મિત્રના બેન્‍ક એકાઉન્‍ટમાંથી કટકે-કટકે રૂા. ૧૩.૩૦ લાખ જમા કરાવ્‍યા હતા.  જો કે બાદમાં તેને રકમ પરત નહીં મળતાં અને જે ડેટિંગ એપ ઉપર શ્રુતિ શર્માનું એકાઉન્‍ટ હતું તે પણ ગાયબ થઈજતાં પોતાની સાથે ફ્રોડ થયાની ખબર પડી હતી. સાયબર ક્રાઈમના હેલ્‍પ લાઈન નંબર ઉપર ફરિયાદ કરતાં તેના આધારે પીઆઇ જે. એમ. કૈલાએ ગુનો નોંધી તપાસ હાથ ધરી છે

(2:34 PM IST)