<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Saturday, 5th July 2025

‘રોડ નહીં તો ટોલ નહીં': રાજકોટ-જેતપુર હાઇવે મુદ્દે મંગળવારે કલેક્‍ટર કચેરીનો ઘેરાવ

જીજ્ઞેશ મેવાણી, લાલજી દેસાઈ, પાલ આંબલીયા સહિત અનેક વરિષ્‍ઠ નેતાઓ જોડાશે : સૌરાષ્‍ટ્રવાસીઓના જનહિતના મુદ્દે તંત્ર સામે મજબૂત અવાજ ઉઠાવશે

 

રાજકોટઃ સૌરાષ્‍ટ્રવાસીઓ માટે માથાનો દુઃખાવો બની ગયેલા રાજકોટ-જેતપુર નેશનલ હાઇવે (એન.એચ. ૨૭) પર વાહનચાલકો પાસેથી થતી ગેરકાયદેસર ટોલ વસૂલાત, ધોવાઈ ગયેલા અને બિસ્‍માર રસ્‍તાઓ તેમજ કલાકોના ટ્રાફિક જામના મુદ્દે હાઇવે હક્ક આંદોલન સમિતિ દ્વારા આગામી મંગળવારે, તારીખ ૮ જુલાઈના રોજ બપોરે ૧૨:૧૫ કલાકે રાજકોટ કલેક્‍ટર કચેરી ખાતે ભવ્‍ય ઘેરાવ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્‍યું છે. કોંગ્રેસે ‘રોડ નહીં તો ટોલ નહીં' ના સંકલ્‍પ સાથે આ લડતને વેગ આપ્‍યો છે.

રાજકોટ-જેતપુર નેશનલ હાઇવે (એન.એચ. ૨૭) છેલ્લા ઘણા સમયથી સૌરાષ્‍ટ્રના લોકો માટે હાલાકીનું કારણ બન્‍યો છે. આ હાઇવે પર વાહનચાલકો પાસેથી થતી ગેરકાયદેસર ટોલ વસૂલાત, અત્‍યંત ખરાબ હાલતમાં રહેલા અને બિસ્‍માર રસ્‍તાઓ, અને વારંવાર કલાકો સુધી સર્જાતા ટ્રાફિક જામ જેવા મુદ્દાઓ પર હાઇવે હક્ક આંદોલન સમિતિ સતત અવાજ ઉઠાવી રહી છે. આ જ મુદ્દાઓને લઈને આગામી મંગળવારે, તારીખ ૮ જુલાઈ, ૨૦૨૫ ના રોજ બપોરે ૧૨:૧૫ કલાકે રાજકોટ કલેક્‍ટર કચેરી ખાતે કોંગ્રેસ દ્વારા ઘેરાવ કાર્યક્રમ યોજાશે.

કોંગ્રેસના લડાયક નેતાઓ જોડાશેઃ આ કાર્યક્રમમાં ગુજરાત કોંગ્રેસના લડાયક નેતાઓ હાજર રહેવાના છે. આંદોલનકારી અને લડાયક ધારાસભ્‍યશ્રી જીગ્નેશ મેવાણી, સેવાદળના રાષ્‍ટ્રીય અધ્‍યક્ષ શ્રી લાલજી દેસાઈ, ખેડૂત નેતા પાલભાઈ આંબલીયા સહિત અનેક વરિષ્‍ઠ નેતાઓ જોડાઈને આ આંદોલનને મજબૂત સહારો આપશે અને સૌરાષ્‍ટ્રવાસીઓના જનહિતના મુદ્દે તંત્ર સામે કડક અવાજ ઉઠાવશે.

કેન્‍દ્ર સરકાર પર કોંગ્રેસના આક્ષેપોઃ કોંગ્રેસે અખબારયાદીમાં જણાવ્‍યું હતું કે, ગઈકાલે જ કેન્‍દ્રીય મંત્રીશ્રી મનસુખભાઈ માંડવીયાએ પ્રથમ વખત નેશનલ હાઈવેની બિસ્‍માર હાલત અને આ મુદ્દે પીડાતા લોકોએ ઉઠાવેલા પ્રશ્નો અંગે નિવેદન આપ્‍યું છે. કોંગ્રેસે આક્ષેપ કર્યો છે કે, રાજકીય નિષ્‍ક્રિયતાને કારણે એક વર્ષ સુધી તેમના પોતાના લોકસભા વિસ્‍તારમાં પણ લોકો હાલાકી ભોગવતા રહ્યા હતા. હવે કોંગ્રેસના આક્રમક આંદોલન બાદ તંત્ર અને કેન્‍દ્ર સરકાર જાગળત થઈ છે.

ટોલ ઘટાડાનો નિર્ણય અને લોકોની માંગણીઃ રાષ્‍ટ્રીય કક્ષાએ કોંગ્રેસના સતત દબાણ અને લોકચળવળ પછી કેન્‍દ્ર સરકારે દયનીય રોડ પરની ટોલ વસૂલાત મુદ્દે પગલાં લઈને ટોલની ૫૦% વસૂલાત ઘટાડવાનો નિર્ણય જાહેર કર્યો છે. જોકે, લોકો સંપૂર્ણ રાહત માંગી રહ્યા છે.

થોડા દિવસ અગાઉ જ કોંગ્રેસના નેતાઓ દ્વારા એન.એચ.એ.આઈ. નેશનલ હાઇવે ઓથોરિટી ઓફ ઇન્‍ડિયાની કચેરીએ હલ્લાબોલનો કાર્યક્રમ કરી પ્‍શ્રોજેક્‍ટ ડાયરેક્‍ટરના પૂતળાનું દહન કરવામાં આવ્‍યું હતું. એન.એસ.યુ.આઈ.ના રોહિતસિંહ રાજપૂતે મોટા આંદોલનની ચીમકી ઉચ્‍ચારતા જણાવ્‍યું છે કે જ્‍યાં સુધી લોકોની માંગણીઓ સ્‍વીકારવામાં નહીં આવે ત્‍યાં સુધી આ વિરોધ ચાલુ રહેશે.

આ આંદોલનની મુખ્‍ય માંગણીઓઃ હાઇવે હક્ક આંદોલન સમિતિએ નીચે મુજબની મુખ્‍ય માંગણીઓ રજૂ કરી છે.

બિસ્‍માર અને અધૂરા હાઇવે પર ગેરકાયદેસર ટોલ વસૂલાત બંધ કરો એન.એચ.એ.આઈ.ના નિયમો મુજબ ટોલ પ્‍લાઝાનું અંતર અને વ્‍યવસ્‍થા સુધારો ‘વર્ક ઝોન સેફ્‌ટીના નિયમો અમલમાં લાવા' ટ્રાફિક વ્‍યવસ્‍થા સુધારો, અકસ્‍માત નિવારવા કડક પગલાં લો કાયદેસર વળતર અને ઇમર્જન્‍સી મેડિકલ સુવિધા ઉપલબ્‍ધ કરાવો.

હાઇવે હક્ક આંદોલન સમિતિએ મક્કમતાથી કહ્યું છે કે ‘આ લડત રસ્‍તાના હક્ક માટે છે. જ્‍યાં સુધી સારા રસ્‍તા નહીં મળે ત્‍યાં સુધી ટોલના નામે લૂંટ ચાલવા નહીં દઈએ!' આ આંદોલન રાજકોટ અને સૌરાષ્‍ટ્રના લોકો માટે કેટલું અસરકારક સાબિત થાય છે, તે જોવું રહ્યું.

(4:13 PM IST)