તા. ૬ સપ્ટેમ્બર ર૦ર૪ વિક્રમ સંવત ર૦૮૦ ભાદરવા સુદ -૩, શુક્રવાર
News of Wednesday, 9th July 2025
શિકાગોમાં જૈના કન્વેન્શન-૨૦૨૫માં ધારાસભ્ય ડો. દર્શિતા શાહનું ગૌરવપૂર્ણ સંબોધન

રાજકોટઃ અમેરિકાના શિકાગો ખાતે યોજાયેલા પ્રતિષ્ઠિત જૈના કન્વેન્શન-૨૦૨૫ માં રાજકોટ વિધાનસભા-૬૯ના ધારાસભ્ય ડો. દર્શિતા શાહ એ પોતાના ૪૦ મિનિટના ઉદ્વોધનથી આંતરરાષ્ટ્રીય શ્રોતાઓને મંત્રમુગ્ધ કર્યા હતા. આ સંમેલનમાં વિશ્વભરના ૫૦૦૦ થી વધુ જૈનો, જેમાં ભારત, અમેરિકા, કેનેડા સહિતના અનેક દેશોના સંતો, વિદ્વાનો, સમાજ સેવી કાર્યકરો અને ઉદ્યોગપતિઓએ ભાગ લીધો હતો.
ડો. દર્શિતા શાહને આ કોન્ફરન્સમાં ભાગ લેવા અને વિશ્વભરના જૈન મહાનુભાવોને સંબોધન કરવા માટે ખાસ આમંત્રણ આપવામાં આવ્યું હતું. તેમણે હજારોની મેદની વચ્ચે પોતાનું વક્તવ્ય રજૂ કરીને વિશ્વમંચ પર ગુજરાત તથા ભારતનો ગૌરવ વધાર્યો.
જૈનીઝમ અને રાજધર્મઃ સુશાસન માટેના સિદ્ધાંતો શિકાગોમાં યોજાયેલ આ કન્વેન્શનનું મુખ્ય થીમ "Unity in Diversity: A Path to Peace" હતું. આ થીમના અનુસંધાનમાં ડો. દર્શિતા શાહએ ૅજૈનીઝમ અને રાજધર્મૅ વિષય પર પોતાના વિચારો રજૂ કર્યા હતા. તેમણે સમજાવ્યું કે જૈન સિદ્ધાંતો માત્ર આધ્યાત્મિકતામાં જ નહીં, પરંતુ સુશાસન અને નૈતિક રાજધર્મમાં પણ કેવી રીતે મહત્વનો ફાળો આપી શકે છે. તેમણે વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદી સાહેબ દ્વારા સૂચવાયેલા સુશાસન માટેના નવા સંકલ્પો અને જૈન સિદ્ધાંતો વચ્ચેના સંકલનને ઉદાહરણો સાથે રજૂ કર્યું, જેની ઉપસ્થિત હજારો શ્રોતાઓએ નોંધ લીધી. તેમના સમગ્ર વક્તવ્ય દરમિયાન શ્રોતાઓએ એકાગ્રતાથી સાંભળ્યું અને ત્યારબાદ દેશ-વિદેશના લોકોએ તેમને અભિનંદન પાઠવ્યા.
સામૂહિક ચર્ચા અને રાજકોટ માટે ગૌરવ ડો. દર્શિતા શાહને ગ્રુપ ડિબેટ સત્રમાં પણ આમંત્રિત કરવામાં આવ્યા હતા, જ્યાં તેમણે મંચ પર વિવિધ પ્રખર ચિંતકો સાથે સામૂહિક ચર્ચા કરીને સભ્યોને અવગત કરાવ્યા. વિશ્વમંચ ઉપર ગુજરાતના ધારાસભ્ય ડો. દર્શિતા શાહનું આ પ્રતિનિધિત્વ રાજકોટ માટે જ નહીં, પરંતુ સમગ્ર ગુજરાત માટે એક સિદ્ધિ છે અને વૈશ્વિક જૈન સમુદાય માટે ગૌરવની વાત છે.
(3:31 PM IST)










