<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Thursday, 10th July 2025

રામનાથપરાના નઝીર નોતીયારને રૂા.૨.૩૦ લાખના વ્‍યાજ સામે વડાળીની લાખોની જમીન લખી દેવા ભાવેશની ધમકી

ઘર નજીક પાનની દૂકાન ધરાવતાં શખ્‍સ પાસેથી એક વર્ષ પહેલા રકમ લઇ નિયમીત વ્‍યાજ ભર્યુઃ એક હપ્‍તો ચુકાઇ જતાં ચેકમાં મોટી રકમ ભરી રિટર્ન કરાવ્‍યોઃ જમીનનું સાટાખત કરી દેવા સતત ધમકીઓ અપાતાં એ-ડિવીઝન પોલીસે ફરિયાદ દાખલ કરી

 

રાજકોટ તા. ૧૦: વ્‍યાજખોરીનો વધુ એક બનાવ પોલીસ સુધી પહોંચ્‍યો છે. રામનાથપરામાં રહેતાં અને મેડિકલ સ્‍ટોરમાં નોકરી કરતાં યુવાને ઘર નજીક જ પાનની દૂકાન ધરાવતાં શખ્‍સ પાસેથી એક વર્ષ પહેલા રૂા. ૨,૩૦,૦૦૦ પાંચ ટકા વ્‍યાજે લઇ નિયમીત વ્‍યાજ ભર્યુ હોઇ એક મહિનો વ્‍યાજ ન ભરી શકતાં આ શખ્‍સે કોરા ચેકમાં વધુ રકમ ભરી બેંકમાં જમા કરાવી રિટર્ન કરાવતાં અને સિક્‍યુરીટી પેટે યુવાને ત્રંબા વડાળીની જમીનના કાગળો આપ્‍યા હોઇ એ જમીનના સાટાખત પોતાના નામે કરી દેવા ધાકધમકીઓ આપવાનું ચાલુ કરતાં અને યુવાન નોકરી કરતો હોઇ તે સ્‍થળે જઇને  પણ ધમકી આપતાં ફરિયાદ દાખલ કરાવાઇ છે.

આ બનાવમાં એ-ડિવીઝન પોલીસે રામનાથપરા-૫માં યુસુફા ક્‍લીનીકની બાજુમાં  રહેતાં અને જંકશન પોલીસ ચોકી સામે આવેલા સુરેશભાઇના મેડિકલ સ્‍ટોરમાં નોકરી કરતાં નઝીરભાઇ હાજીભાઇ નોતીયાર (ઉ.વ.૩૪)ની ફરિયાદ પરથી સિંધી કોલોની રેલ્‍વે લાઇન પાસે રહેતાં ભાવેશ ઉર્ફ બોની કિશનચંદ નાજકાણી વિરૂધ્‍ધ મનીલેન્‍ડ એક્‍ટ હેઠળ ગુનો નોંધ્‍યો છે. નઝીરભાઇ નોતીયારે જણાવ્‍યું છે કે હું મારા પરિવાર સાથે રહી પ્રાઇવેટ નોકરી કરી ગુજરાન ચલાવુ છું. એકાદ વર્ષ પહેલા મારે પૈસાની જરૂર હોઇ અમારા ઘર નજીક શેરીના ખુણે પાનની દૂકાન ચલાવતાં ભાવેશ ઉર્ફ બોની નાજકાણી પાસેથી મેં રૂા. ૨,૩૦,૦૦૦ વ્‍યાજે લીધા હતાં. હું તેની દુકાને અવાર-નવાર જતો હોઉ જેથી તેની સાથે પરિચય હતો. ભાવેશ ઉર્ફ બોનીએ મને આ રકમ પાંચ ટકાના વ્‍યાજે આપી હતી. સિક્‍યુરીટી પેટે ચેક માંગતા મેં વિજય કોમર્શિયલ કો-ઓપરેટીવ બેંકનો એક કરાોે ચેક તથા ત્રંબા વડાળીમાં આવેલી જમીનના કાગળો તથા રૂા. ૧૦૦નો સ્‍ટેમ્‍પ પેપર આપ્‍યા હતાં.

આ પછી મેં લીધેલી રકમ સામે હું દર મહિને બોનીને રૂા. ૧૧૫૦૦ વ્‍યાજ નિયમીત રીતે ચુકવતો હતો. આજથી ચારેક મહિના પહેલા મારી પાસે પૈસાની સગવડ ન હોઇ હું બોનીને વ્‍યાજ ચુકવી ન શકતાં તેણે મારી પાસેથી વ્‍યાજની પઠાણી ઉઘરાણી કરી હતી અને હું જ્‍યાં પ્રાઇવેટ નોકરી કરુ છું ત્‍યાં આવીને પણ ઉઘરાણી કરી મને હેરાન પરેશાન કરવાનું ચાલુ કર્યુ હતું. મેં બોનીને જમીનના કાગળો, ૧૦૦નો સ્‍ટેમ્‍પ તેમજ કોરો ચેક સિક્‍યુરીટી પેટે આપ્‍યા હોઇ બોનીએ ચેકમાં રૂા. ૪,૫૦,૦૦૦ની રકમ ભરી બેંકમાં જમા કરાવી ચેક રિટર્ન કરાવ્‍યો હતો. એ પછી મને અવાર-નવાર બોની ધમકી આપી કહેતો હતો કે તારી જમીનના સાટાખત મારા નામે કરી દે નહિતર તને જાનથી મારી નાંખીશ.

મેં લીધેલી રકમનું વ્‍યાજ હું ચુકવતો હોવા છતાં બોનીએ ધાકધમકી આપી ચેક રિટર્ન કરાવી તેમજ વધુ વ્‍યાજની પઠાણી ઉઘરાણી ચાલુ રાખી હતી અને મારી જમીનના કાગળો પોતાના નામે કરી દેવા સમાધાન કરાર કરી દેવા દબાણ કરતો હોઇ અને ધમકાવતો હોઇ મારે ફરિયાદ કરવી પડી છે. તેમ વધુમાં નઝીરભાઇએ કહેતાં પીઆઇ બી. વી. બોરીસાગરની રાહબરીમાં પીએસઆઇ એસ. આર. ચાવડાએ ગુનો નોંધી તપાસ હાથ ધરી છે. (૧૪.૮)

(3:08 PM IST)