News of Thursday, 10th July 2025
નવા જિલ્લા પંચાયત ભવનને કેશુભાઇ પટેલનું નામ આપવા સામાન્ય સભામાં દરખાસ્ત મુકાશે
કારોબારી અધ્યક્ષ પી.જી. કયાડાની ધ્યાન ખેંચનારી જાહેરાત

રાજકોટ, તા. ૧૦: જિલ્લા પંચાયતની કારોબારી સમિતિના અધ્યક્ષ શ્રી પી.જી. કયાડાએ જિલ્લા પંચાયતના નિર્માણાધીન નવા ભવનને પૂર્વ મુખ્યમંત્રી સ્વ. શ્રી કેશુભાઇ પટેલ ભવન નામ આપવા તા. ર૧ મીની સામાન્ય સભામાં પોતાના તરફથી દરખાસ્ત રજુ કરવાની જાહેરાત કરી દરખાસ્ત અધ્યક્ષ સ્થાનેથી મુકાઇને સર્વાનુમતે મંજુર થાય તેવી આશા વ્યકત કરી છે. નવી કચેરી આવતા બે વર્ષમાં તૈયાર થશે.
પી.જી. કયાડાએ કહેલ કે સ્વ. કેશુભાઇનું કાર્યક્ષેત્ર જિલ્લા પંચાયત વિસ્તાર રહેલ ત્યાર પછી તેઓ સમગ્ર રાજયના નેતા બનેલ બે વખત મુખ્યમંત્રી તરીકે રહીને રાજયના વિકાસમાં મહત્વનું યોગદાન આપેલ. ગ્રામીણ ક્ષેત્ર સાથે તેમનો વિશેષ નાતો હતો. રાજકોટના વતની હતા જિલ્લા પંચાયતની જુની કચેરીનું વલ્લભભાઇ પટેલ નામ હતુ તે તોડી પાડવામાં આવેલ છે. તેથી નવી બનનાર કચેરીને કેશુભાઇનું નામ આપવા પંચાયતની તા. ર૧મી એ મળનાર સામાન્ય સભામાં ઠરાવ કરવા હુંજ અધ્યક્ષ સ્થાનેથી ઠરાવ મુકાવી સર્વાનુમતે મંજુર થાય તેવી રજુઆત કરીશ.
પી.જી. કયાડા, કેશુભાઇ પટેલ ભવન નામકરણની દરખાસ્ત કરે તેને શાસક પક્ષ તરફથી કેવો પ્રતિસાદ મળે છે તે જોવાનું રહયું. અત્રે ઉલ્લેખનીય છે કે કેશુભાઇ ભાજપના પાયાના પથ્થરો પૈકીના એક ગણાય છે. ર૯ ઓકટોબર ર૦ર૦ ના દિવસે ૯ર વર્ષની ઉંમરે તેમનું અવસાન થયુ હતું.
(4:23 PM IST)










