News of Friday, 11th July 2025
ખાડા બુરવા વોર્ડની બોર્ડર પ્રશ્ને આંતરિક ખેંચાખેચી
આજથી ત્રણેય ઝોનની ત્રણ દિવસ અલગ-અલગ મીટીંગઃ અધિકારીઓ-કોર્પોરેટરોને હાજર રહેવા તાકીદ : આજે સાંજે સેન્ટ્રલ ઝોન, ૧૪ મીએ ઇસ્ટ ઝોન તથા ૧પમીને વેસ્ટ ઝોન ખાતે મેયર સહિતના પાંચેય પદાધિકારીઓ તથા ભાજપ પ્રમુખોની ઉપસ્થિતિમાં બેઠક

રાજકોટ તા. ૧૧: ચોમાસાની ઋતુમાં શહેરમાં સામાન્ય વરસાદમાં રસ્તા પર ખાડાઓનો ઢગલો થયો છે. જે અંગે તાત્કાલીક ધોરણે લોકોની સમસ્યા હલ કરવાનું મુખ્યમંત્રીએ આદેશ આપ્યા બાદ તંત્રએ પણ યુદ્ધના ધોરણે કામગીરી શરૂ કરી છે. પરંતુ બે વોર્ડની બોર્ડરના અનેક વિસ્તારોમાં કાર્યવાહી થઈ શકી નથી.
જેના લીધે હવે પદાધિકારીઓ, અધિકારીઓ અને કોર્પોરેટરોને સાથે રાખી મીટીંગ યોજી વોર્ડના પ્રશ્નનો હલ કરવા માટેનું આયોજન શહેરભાજપ પ્રમુખ દ્વારા કરવામાં આવ્યું છે. જેમાં ત્રણ દિવસ ત્રણેય ઝોનમાં મીટીંગ યોજી લોકોના રોડ રસ્તા સહિતના પ્રશ્નનો હલ કરવામાં આવશે તેમ જાણવા મળેલ છે.
તમામ રસ્તાઓમાં ખાડાઓનું સામ્રાજ્ય છવાય ગયા બાદ લોકરોષ ડામવા માટે સરકારે ત્વરિત પગલા લઈ યુદ્ધના ધોરણે રોડ રસ્તા સહિતની કામગીરી શરૂ કરવાના આદેશ આપવામાં આવ્યા છે. અનેક વિસ્તારોમાં આજે પણ કિચડનું અને ખાડાઓનું સામ્રાજ્ય યથાવત રહ્યું છે. જેના લીધે દરેક ઝોનના છ વોર્ડની કામગીરી અંગે ચર્ચા તેમજ હવે પછી કરવામાં આવનાર કાર્યવાહી સહિતની ચર્ચા કરવા માટે આજથી ઝોનવાઈજ બેઠકનો દૌર શરૂ કરવામાં આવ્યો છે.
આ બેઠકમાં મહાનગરપાલિકાના તમામ પદાધિકારીઓ તેમજ ભાજપ પ્રમુખ ઉચ્ચ અધિકારીઓ અને છ વોર્ડના કોર્પોરેટરો લોકોના પ્રશ્ર્નો અંગે ચર્ચા કરી તેનો ઝડપી હલ થાય તે અંગે કાર્યવાહી હાથ ધરશે. આજે સેન્ટ્રલઝોન કચેરીખાતે તમામ અધિકારીઓ, પદાધિકારીઓની બેઠક યોજાઈ હતી અને સેન્ટ્રલઝોન હેઠળ આવતા છ વોર્ડના તમામ પ્રશ્નોના નિરાકરણ અંગે ચર્ચા હાથ ધરવામાં આવી હતી.
મહાનગરપાલિકા દ્વારા તા. ૧૪ના રોજ ઈસ્ટઝોન કચેરી ખાતે મીટીંગ યોજી તમામ કોર્પોરેટરોને મીટીંગમાં હાજર રહેવા સુચના આપી દેવામાં આવી છે. તેવી જ રીતે તા. ૧૫ના રોજ વેસ્ટઝોન કચેરી ખાતે મીટીંગનું આયોજન કરવામાં આવ્યું છે. અને વેસ્ટઝોનના છ વોર્ડના તમામ કોર્પોરેટરોને મીટીંગમાં હાજર રહેવા માટે સુચના આપી દેવામાં આવી છે. ત્રણેય ઝોનમાં યોજાનાર મીટીંગમાં પદાધિકારીઓ તેમજ ભાજપ પ્રમુખ દ્વારા અધિકારીઓ પાસેથી અત્યાર સુધી થયેલ કામગીરીનો રિપોર્ટ લઈ બાકી રહેલ રોડ રસ્તા, ડ્રેનેજ સહિતના કામો કેવી રીતે અને કેટલા સમયમાં પુરા કરવા તે સંબંધીત સુચના આપવામાં આવશે.
આજથી શરૂ થયેલ મીટીંગનો દૌર ત્રણ દિવસ ચાલશે જેના લીધે દરેક વોર્ડના કોર્પોરેટરો પર જવાબદારી આવતા લોકોના પશ્ર્નો ઝડપથી હલ થશે તેવુ લાગી રહ્યું છે.
(4:10 PM IST)










