<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Friday, 11th July 2025

બેંક મેનેજરનું મૃત્‍યુ થયાના એક મહિના બાદ તેમના પત્‍નિનું પણ હૃદય બેસી જવાથી મૃત્‍યુ

ધર્મેશભાઇ ભાઇ ટાંક આઠમીએ હાર્ટએટેકથી અવસાન પામ્‍યા હતાં: આજે તેમના પત્‍નિ તેજલબેનનું હૃદય બેસી ગયું: પોપટપરાના હંસરાજનગરના ટાંક પરિવારમાં શોકની કાલીમાઃ ભાઇ-બહેને પિતા બાદ માતા પણ ગુમાવી દેતાં અરેરાટી

રાજકોટ તા. ૧૧: હાર્ટએટેકથી મૃત્‍યુની ઘટનાઓ રોજબરોજ બનતી રહે છે. વધુ એક કરૂણ કિસ્‍સામાં એક મહિના પહેલા જ હાર્ટએટેકમાં પતિને ગુમાવનારા હંસરાજનગરના મહિલાનું પણ હૃદય બેસી જતાં મૃત્‍યુ થયું છે. નાગરિક બેંકમાં મેનેજર તરીકે ફરજ બજાવતાં ધર્મેશભાઇ ટાંકનું ગત આઠમી જુને અવસાન થયું હતું. આજે તેમના પત્‍નિ તેજલબેન ટાંકનું હૃદય બંધ પડી જતાં મૃત્‍યુ થતાં ટાંક પરિવાર પર વજ્રઘાત થયો છે. એક જ મહિનામાં માતા-પિતા બંનેને ગુમાવી દેતાં ભાઇ-બહેન ઉંડા આઘાતમાં ગરક થઇ ગયા છે.

જાણવા મળ્‍યા મુજબ પોપટપરા હંસરાજનગર-૩માં રહેતાં તેજલબેન ધર્મેશભાઇ ટાંક (ઉ.વ.૪૬) સવારે ઘરે બેભાન થઇ જતાં સિવિલ હોસ્‍પિટલમાં ખસેડાયા હતાં. પરંતુ અહિ તબિબે તેમને નિષ્‍પ્રાણ જાહેર કરતાં પરિવારમાં કલ્‍પાંત સર્જાયો હતો. હોસ્‍પિટલ ચોકીના રામશીશભાઇ વરૂ, મહેશભાઇ જોગડા, ધર્મેન્‍દ્રભાઇ, પ્રશાંતભાઇ સહિતે જાણ કરતાં પ્ર.નગર પોલીસે કાર્યવાહી કરી હતી.

મૃત્‍યુ પામનાર તેજલબેનને હાર્ટએટેક આવી ગયાનું સ્‍વજનોએ કહ્યું હતું. કરૂણતા એ છે કે તેજલબેનના પતિ ધર્મેશભાઇ પ્રાણલાલભાઇ ટાંક (ઉ.વ.૪૬)નું હૃદય રોગના હુમલાથી મૃત્‍યુ થયું હતું. તેઓ તા. ૮/૬ના રોજ મોટરસાઇકલ હંકારીને જતાં હતાં  ત્‍યારે ઘર નજીક જ ચક્કર આવતાં પડી જતાં બેભાન હાલતમાં સિવિલ હોસ્‍પિટલમાં ખસેડાયા હતાં. પરંતુ અહિ તેમને તબિબે નિષ્‍પ્રાણ જાહેર કર્યા હતાં. ધર્મેશભાઇ નાગરિક બેંકમાં ચીફ મેનેજર તરીકે ફરજ બજાવતાં હતાં. મોભીના મૃત્‍યુના આઘાતમાંથી હજુ ટાંક પરિવાર બહાર નહોતો આવ્‍યો ત્‍યાં આજે તેમના પત્‍નિ તેજલબેનનું પણ હૃદય ધબકારા ચુકી ગયું હતું. એક જ મહિનામાં ટાંક પરિવારે બબ્‍બે સ્‍વજન ગુમાવી દેતાં અને બે સંતાને માતા-પિતા બંનેની છત્રછાંયા ગુમાવી દેતાં પરિવાર પર વજ્રઘાત થયો છે. અડોશપડોશમાં પણ આ બનાવને પગલે ભારે શોક વ્‍યાપી ગયો હતો. 

(3:37 PM IST)