તા. ૩૦ જાન્યુઆરી ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૨ મહા સુદ – ૧૨ શુક્રવાર
News of Saturday, 12th July 2025
દિનેશભાઈ બાવરિયાએ કહ્યું કે ‘મારો આ કેસ સાથે કોઈ સંબંધ નથી'
‘ઈગલ મોટર્સ પ્રાઈવેટ લિમિટેડઃ વેટ વિવાદ

રાજકોટ : ઈગલ મોટર્સ પ્રાઇવેટ લિમિટેડના સંદર્ભમાં ચાલી રહેલા વિવાદો વચ્ચે, દિનેશભાઈ રસીકલાલ બાવરિયાએ આજે એક જાહેર નિવેદન બહાર પાડી સ્પષ્ટતા કરી છે કે તેમનો આ કંપનીના બોર્ડ, મેનેજમેન્ટ કે કોઈપણ વ્યવસાયિક કામગીરી સાથે કોઈપણ પ્રકારનો સંબંધ નથી. તેમણે જણાવ્યું છે કે રેસકોર્સ રીંગ રોડ પર આવેલી રાજ્ય વેરા કમિશનર કચેરીના રાજ્ય વેરા અધિકારી શ્રી સંદીપ ભીમાભાઇ ચાવડાએ ક્રાઈમ બ્રાંચમાં નોંધાવેલી એફઆઈઆર જૂના અને ભૂલભરેલા રેકોર્ડ્સ પર આધારિત હોવાનું જણાય છે, જેના કારણે તેમના વિશે ખોટી અને ભ્રામક છાપ ઊભી થઈ છે.
દિનેશભાઈએ સ્પષ્ટપણે જણાવ્યું છે કે તેઓ કોઈપણ પ્રકારની છેતરપિંડી સાથે સંડોવાયેલા નથી અને ઈગલ મોટર્સ પ્રા. લિ. સંદર્ભે તેમના નામે કોઈ બાકી કર, વેટ /જીએસટી કે અન્ય કોઈ સરકારી દેવા બાકી નથી.
તેમણે વધુમાં સ્પષ્ટતા કરી છે કે તેમણે ઈગલ મોટર્સ પ્રા. લિ.ના બોર્ડમાંથી ૧૪મી સપ્ટેમ્બર ૨૦૦૭ના રોજ સત્તાવાર રીતે રાજીનામું આપ્યું હતું. આ રાજીનામું રજીસ્ટ્રાર ઓફ કંપનીઝ (આરઓસી) દ્વારા નિયમિત રીતે નોંધાયેલું છે. આ ઉપરાંત, મિનિસ્ટ્રી ઓફ કોર્પોરેટ અફેર્સ (એમસીએ)ની સત્તાવાર વેબસાઈટ પર ઉપલબ્ધ ડીન માસ્ટર ડેટામાં તેમની નિમણૂક અને રાજીનામાની તારીખ સ્પષ્ટપણે દર્શાવેલી છે, જે તેમના રાજીનામાની પુષ્ટિ કરે છે. તેમણે આ માટેની એમસીએ ડીન માસ્ટર ડેટાની નકલ પણ રેફરન્સ માટે જોડી હોવાનું જણાવ્યું છે.
શ્રી બાવરિયાએ જાહેર જનતા, મીડિયા અને સંબંધિત તંત્રોને આ સ્પષ્ટતાનો યોગ્ય રીતે વિચાર કરવા અને તદનુસાર તેમના રેકોર્ડ્સ સુધારવા વિનંતી કરી છે. આ ખુલાસાથી ઈગલ મોટર્સ પ્રાઇવેટ લિમિટેડ સાથે જોડાયેલા કાનૂની મામલાઓમાં એક નવો વળાંક આવ્યો છે
(4:12 PM IST)










