તા. ૨૭ માર્ચ ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૨ ચૈત્ર સુદ – ૯ શુક્રવાર
News of Saturday, 12th July 2025
રાજકોટમાં ૩૬ હજાર કેસોની મેગા લોક-અદાલત યોજાઇ
બપોર સુધીમાં ૩૦ ટકા કેસોનો નિકાલઃ અકસ્માત વળતરના કેસોમાં કરોડોના એવોર્ડ મંજુરઃ લેણાના કેસોમાં લાખોની રીકવરીઃસાંજ સુધીમાં ૭૦ ટકા કેસો ફેંસલ કરાશેઃ લોક-અદાલતથી બંને પક્ષના પક્ષકારોને ન્યાય મળે છે : જીલ્લા ન્યાયાધીશ જે.આર. શાહ

રાજકોટઃ તા.૧ર, આજે રાજકોટ શહેર જીલ્લા તાલુકા મથકોએ જીલ્લા કાનુની સેવા સતા મંડળ દ્વારા મેગા લોક-અદાલત નું સવારે ૧૧ કલાકે દિપ પ્રાગ્ટય કરીને જીલ્લા ન્યાયાધીશ વિગેરેએ ઉદધાટન કર્યું હતું.
આજની આ લોક-અદાલતમાં કુલ ૩૬ હજારથી વધુ કેસો મુકવામાં આવ્યા હતાં આ લખાય છે ત્યારે મળતી માહિતી મુજબ બપોર સુધીમાં ૩૦ ટકાથી વધુ ટકા કેસોનો નિકાલ થયાનું જાણવા મળે છે.
અકસ્માત વળતરના કેસોમાં કરોડોની રકમના એવોર્ડ મંજુર કરાયા છે. તેમજ રીકવરી કેસોમાં પણ લાખોની સંમતીથી રીકવરી થયાનું જાણવા મળે છે.
આજની આ લોક-અદાલતમાં મુખ્ય જીલ્લા ન્યાયાધીશ શ્રી જે. આર. શાહ સહિતના ન્યાયાધીશો, કોર્ટ સ્ટાફ, પી.જી.વી.સી.એલ. , બેંક, મ્યુનિ. કોર્પો.ના અધિકારીઓ ઉપસ્થિત રહયા હતા.
ગુજરાત હાઈકોર્ટ, રાજય અને રાજકોટ જિલ્લા કાનુની સેવા સત્તા મંડળ દ્વારા આજ તા. ૧૨ જૂનના રોજ રાજકોટ શહેર અને જિલ્લાના તાલુકા મથકો ખાતેની તમામ કોર્ટમાં મેગા લોક-અદાલતમાં જુદા જુદા ક્ષેત્રના અંદાજે ૩૬૭૧૦ કેસો સમાધાન માટે વિચારણા હેઠળ લેવામાં આવ્યા હતાં.
આ લોક-અદાલતમાં જુદા જુદા ક્ષેત્રો જેવા કે ફોજદારી સમાધાન લાયક કેસો, નેગોશિએબલ ઇન્સ્ટ્રુમેન્ટ્સ એકટની કલમ-૧૩૮ (ચેક રિટર્ન અંગેના કેસો) હેઠળના કેસો, બેન્ક લેણાના કેસો, મોટર અકસ્માત વળતરને લગતા કેસો, લગ્નવિષયક કેસો, મજુર અદાલતના કેસો, જમીન સંપાદનને લગતા કેસો, ઈલેક્ટ્રીસિટી તથા પાણીના બિલોને લગતા કેસો, રેવન્યુ કેસો, દિવાની પ્રકારના (ભાડા, સુખાધિકારના) કેસો, મનાઈ હુકમના દાવા, કરાર પાલનના દાવા, અન્ય સમાધાન લાયક કોર્ટમાં દાખલ થયેલ તથા દાખલ થાય તે પહેલાં (પ્રિલિટિગેશન)ના મળીને ૩૬૭૧૦ કેસો હાથ પર લઇને પક્ષકારો અને વકીલો વચ્ચે વાટાઘાટ કરીને સમાધાનના પ્રયાસો કરી કેસોનો નિકાલ કરવામાં આવ્યો હતો.
રાજકોટ જિલ્લા કાનુની સેવા સત્તા મંડળના ચેરમેન, મુખ્ય જિલ્લા ન્યાયાધીશ જે. આર. શાહ દ્વારા તમામ પક્ષકારોને અનુરોધ કરવામાં આવેલ છે કે, લોક-અદાલતમાં તેઓના કેસ મુકી નિર્ણિત કરવામાં આવે તો બન્ને પક્ષકારોને લાભકર્તા છે. પક્ષકારોની સમજણ તથા સમજુતીથી કેસનો નિકાલ થયેલ હોય અપીલ થતી નથી, જેથી ભવિષ્યના વિવાદથી પણ પક્ષકારોને છુટકારો મળે છે. જેથી લોક-અદાલતમાં તમામ પક્ષકારોને સક્રીય ભાગ લેવા તથા જે પક્ષકારો પોતાનો કેસ આગામી લોક-અદાલતમાં મુકવા માંગતા હોય, તેઓ તેઓના વકીલ મારફતે અથવા તો સીધા જે તે કોર્ટનો સંપર્ક કરી અથવા રાજકોટ જિલ્લા કાનૂની સેવા સતા મંડળ તથા તાલુકા કાનૂની સેવા સમિતિનો સંપર્ક કરી પોતાના કેસો લોક-અદાલતમાં મુકવા કાર્યવાહી હાથ ધરી શકે છે.તેવી પક્ષકારોને જીલ્લા ન્યાયાધીશ શ્રી શાહે અપીલ કરી હતી.
આજે આ લોક-અદાલતનું સવારે ૧૦-૩૦ કલાકે ઉદધાટન કરીને લોક-અદાલતને ખુલ્લી મુકવામાં આવી હતી.
આ લોક-અદાલતમાં કુલ ૩૬૭૧૦ કેસોમાં મુકવામાં આવ્યા છે. સાંજ સુધીમાં ૬૦ થી ૭૦ ટકા કેસોનો નિકાલ થાયની જીલ્લા કાનુની સેવા સતા મંડળ દ્વારા સંભાવના વ્યકત કરવામાં આવી હતી.
(4:10 PM IST)










