<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Wednesday, 16th July 2025

દૂષ્‍કર્મના ગુનામાં શરતી જામીન પર છુટેલા આશિષની ભોગ બનનારને સમાધાન કરી લેવા ખૂનની ધમકી

વ્‍હોટ્‍સએપમાં વોઇસ રેકોર્ડિંગથી મોકલી તેમજ વારંવાર ઘર પાસે આવી રૂબરૂ મળી ધમકી આપી જામીનની શરતોનો પણ ભંગ કર્યાનો આરોપઃ ગાંધીગ્રામ પોલીસે શેઠનગરના શખ્‍સ વિરૂધ્‍ધ ફરિયાદ દાખલ કરી

રાજકોટ તા. ૧૬: દૂષ્‍કર્મ આચરી તેમજ અંગત પળોના ફોટા મહિલાના પિતાને મોકલી દેવાના ગુનામાં ગાંધીગ્રામ પોલીસે જેની ધરપકડ કરી હતી એ શખ્‍સ હાઇકોર્ટના શરતી જામીન પર છુટયા બાદ ભોગ બનનાર મહિલાને સતત ફોન કરી, વોઇસ રેકોર્ડિંગ મોકલી તેમજ મહિલાના ઘરે પાસે અવાર-નવાર જઇ હોર્ન વગાડી ટોર્ચર કરતો હોઇ તેમજ રૂબરૂ મળી કેસનું સમાધાન કરી લેવાની ધમકી આપતો હોઇ મહિલાએ આ મામલે ગાંધીગ્રામ પોલીસમાં જાણ કરતાં પોલીસે તેણીની ફરિયાદ પરથી શેઠનગર પાસે મેરીગોલ્‍ડ સોસાયટી બ્‍લોક નં. ૬૦માં રહેતાં આશિષ અનંતરાય રાવલ વિરૂધ્‍ધ ગુનો નોંધ્‍યો છે.

મહિલાએ ફરિયાદમાં જણાવ્‍યું છે કે હું દિકરી સાથે રહુ છું. વર્ષ ૨૦૨૪માં મને આશિષ રાવલે લગ્નની લાલચ આપી મારી સાથે શરીર સંબંધ બાંધી લઇ તેમજ અંગત પળોના ફોટા પાડી મારા પિતાને વ્‍હોટ્‍સએપમાં મોકલી દીધા હતાં. આ અંગે મેં જે તે વખતે ગાંધીગ્રામ પોલીસમાં ફરિયાદ નોંધાવી હતી. ત્‍યારબાદ પોલીસે આશિષની ધરપકડ કરતાં તે જેલહવાલે થયો હતો. બાદમાં તા. ૩૦/૧/૨૫ના રોજ તેને હાઇકોર્ટમાંથી જામીન મળ્‍યા હતાં.

આ જામીન શરતી હતાં અને તેમાં એવી શરત હતી કે કોર્ટમાં હાજરી આપવા સિવાય છ મહિના સુધી રાજકોટ શહેરમાં પ્રવેશ કરવો નહિ. તેમજ કેસ સાથે સંબંધીત કોઇ વ્‍યક્‍તિને પ્રત્‍યક્ષ કે પરોક્ષ રીતે પ્રલોભન કે ધમકી આપવા નહિ. આમ છતાં આશિષ રાવલે માર્ચ-૨૦૨૫થી તેના બમોબાઇલ ફોનમાંથી મને અવાર-નવાર ફોન કરવાનું ચાલુ કર્યુ હતું. હું ફોન ન ઉપાડુ તો મને વ્‍હોટ્‍સએપ પર ધમકી ભર્યા વોઇસ રેકોર્ડીંગ મોકલ્‍યા હતાં...તું કેમ મારો ફોન ઉપાડતી નથી, તું ક્‍યાંય ફરિયાદ કરતી નહિ તેવી ધમકી આપે છે. તેમજ અવાર-નવાર સમાધાન કરી લેવા વ્‍હોટ્‍સએપમાં ધમકી ભર્યા વોઇસ રેકોર્ડિંગ મોકલે છે. તેમજ ગાળો પણ આપે છે. ક્‍યારેક હું તેના ફોન ઉપાડતી હતી. તે જામીન પર છુટયા પછી મારી સોસાયટીમાં પણ આવતો હતો.

મારા ઘર પાસે આવી હોર્ન વગાડી મને ટોર્ચર કરે છે. તા. ૨૫/૬, ૧૫/૬, ૧૨/૭ અને છેલ્લે ૧૪/૭ના રોજ પણ તે સોસાયટીમાં આવી હોર્ન વગાડતો હતો. મેં તે સોસાયટીમાં આવ્‍યો હોઇ તેના ફોટા પાડી લીધા છે તેમજ એક પડોશીના સીસીટીવી કેમેરામાં પણ તે દેખાયો હોઇ તેના ફોટા પણ છે. તેમજ અગાઉ ૧૦/૭ના રોજ તે મારા ઘર પાસે આવેલ ત્‍યારે રૂબરૂ પાનની દૂકાન નજીક બોલાવી સમાધાન કરી લેવાની અને સમાધાન ન કરુ તો મને મારી નાંખશે તેવી ધમકી આપી હતી. એ પછી તેણે મારા પિતાને પણ ફોન કર્યો હતો. પણ તેણે રિસીવ કર્યો નહોતો.  તેમ ફરિયાદમાં મહિલાએ જણાવતાં હેડકોન્‍સ. આર. ટી. વાસદેવાણીએ તપાસ હાથ ધરી છે. 

(1:59 PM IST)