<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Thursday, 17th July 2025

દિકરીનું મૃત્‍યુ ડમ્‍પરની ઠોકરે નહિ નિંદ્રાધીન ટ્રાફીક તંત્ર અને હપ્તાખોરીના કારણે થયું છે : કોંગ્રેસ

રાજકોટ, તા., ૧૭:  ગઇકાલે હનુમાન મઢી ચોકમાં સવારના પહોરમાં કોલેજ જઇ રહેલી જુહી તરૂણભાઇ નડીયાપરા નામની ૧૯ વર્ષીય યુવતીનું ડમ્‍પરની ઠોકરે કમકમાટીભર્યુ મૃત્‍યુ નિપજયું હતું. આ ઘટના માત્ર અકસ્‍માતની નહિ પરંતુ ટ્રાફીક પોલીસ તંત્રની ઘોર બેદરકારી અને હપ્તાખોરીના કારણે સર્જાયાનો આક્ષેપ ‘હાથ સે હાથ જોડો' કોંગ્રેસ સમીતીના પ્રમુખ કલ્‍પેશ કુંડલીયા સહિતના કાર્યકરોએ કર્યો છે. આજે આ બારામાં પોલીસ કમિશ્નર કચેરી સમક્ષ રજુઆતમાં જણાવાયું હતું કે, આશાસ્‍પદ યુવતીના મૃત્‍યુથી તેના પરિવાર પર શું વિતી રહયું છે તેની કલ્‍પના પણ કરી શકાય તેમ નથી. મહાકાય ડમ્‍પરો માટે રાજકોટ શહેરમાં પ્રવેશ નિષેધ હોવા છતાં ‘પીક અવર્સ' દરમિયાન ખુલ્લેઆમ યમદુત બની દોડતા રહે છે. સામાન્‍ય માણસ પીયુસી સર્ટીફીકેટ વગર એક પણ ચોકમાંથી પસાર થઇ શકતો નથી. ત્‍યારે ટ્રાફીક પોલીસની ઢીલી નીતી અને હપ્તાખોરીના કારણે અવાર નવાર જીવલેણ અકસ્‍માતો સર્જાતા રહે છે. આવતા દિવસોમાં અન્‍ય કોઇ પરિવારના વ્‍હાલસોયાઓની મહામુલી જીંદગી છીનવાઇ તે પહેલા પોલીસ કમિશ્નર કડક કાર્યવાહી કરે તેવી માંગણી કરવામાં આવી હતી. 

(3:06 PM IST)