News of Friday, 18th July 2025
પૂર્વ મેયર ગોવિંદભાઈ સોલંકીનું દુઃખદ અવસાન
ત્રણ વખત કોર્પોરેટર તરીકે ચૂંટાયા હતા, ૧૯૯૮-૯૯માં મેયર બન્યા હતા, પાંચ દાયકાથી બિલ્ડીંગ કન્સ્ટ્રકશનના વ્યવસાય સાથે જોડાયેલા હતાઃ નિડર નેતાની ખોટ પડી

રાજકોટઃ પૂર્વ સિનિયર કોર્પોરેટર અને પૂર્વ મેયર શ્રી ગોવિદભાઇ સોલંકીનું આજરોજ બીમારી સબબ દુઃખદ અવસાન થયેલ છે.સદગતના અવસાનથી રાજકીય; સામાજીક ક્ષેત્રમાં શોકની લાગણી પ્રસરી છે. અને તેમના અવસાનથી રાજકોટ શહેરને એક નીડર શાસક ની ખોટ પડેલ છે.
સદ્અગતની અંતિમયાત્રા તેમના રૈયારોડ ઉપર આવેલા શિવાજીપાર્ક થી નીકળી રૈયા સ્મશાનગૃહ ખાતે લઈ ગયા હતા. અને ત્યાં તેમના અંતિમ સંસ્કાર કરવામાં આવ્યા હતા.
સ્વ.સોલંકી રાજકોટ મહાનગરપાલિકાની ૧૯૭૫માં યોજાયેલી પ્રથમ ચૂંટણીમાં જુના વોર્ડ નંબર ૧૫ માંથી સતત બે ટર્મ એટલે કે ૧૯૭૫ પ્રથમવાર ભારતીય જનસંઘ (જનતા મોરચો) અને ૧૯૮૧માં બીજીવાર ભાજપના ઉમેદવાર તરીકે વિજેતા થયેલા હતા. ત્યારબાદ ૧૯૯૫માં તેઓ વોર્ડ નંબર ૧૪માથી ત્રીજી વાર કોર્પોરેટર તરીકે વિજેતા બન્યા હતા.
સ્વ. સોલંકી ૧૯૮૨માં ગુજરાત રાજ્ય ની વિધાનસભાની ધ્રોલ- જોડીયા બેઠક ઉપર ફક્ત ભાજપના મોવડી મંડળ દ્વારા ભાજપનો વ્યાપ અને વિસ્તાર વધારવા અને જીતવાની કોઈ જ શક્યતાઓ ન હોવા છતાં પાર્ટીનો આદેશ શિરોમાન્ય ગણી ભાજપના ઉમેદવાર તરીકે ચૂંટણી લડ્યા હતા.
૧૯૯૮-૯૯માં રાજકોટ મહાનગરપાલિકા માં મેયર તરીકે ચૂંટાયેલા હતા. છેલ્લા પાંચ દાયકાથી બિલ્ડિંગ કન્સ્ટ્રક્શના વ્યવસાય સાથે જોડાયેલા હતા. આ વ્યવસાયમાં ઘણા નાના ધંધાર્થીઓને ખૂબજ સહાયભૂત થતા હતા.
સદ્ગત ગોવિંદભાઈ પોતાની માન્યતામાં ખુબજ ચોક્કસ હતા.૧૯૮૬-૧૯૮૭માં રાજકોટ મહાનગરપાલિકાના તત્કાલીન મ્યુનિસિપલ કમિશનર શ્રી જગદીશને ગેરકાયદેસર બાંધકામ તોડવા માટે મોટા પાયે ઝુંબેશ ચાલુ કરેલ હતી. ત્યારે સ્વ. સોલંકીએ બોમ્બે મ્યુનિસિપલ કોર્પોરેશન એકટની કલમ ૨૬૦ હેઠળની કાર્યવાહી સ્ટેન્ડીંગ કમિટીની મંજૂર કરે ત્યારબાદ જ થઈ શકે તેવું તેમનું માનવું હતું એ બારામાં તેઓ રાજકોટ ની સિવિલ કોર્ટથી શરૂ કરીને સુપ્રિમકોર્ટ સુધી લડત આપેલ હતી. અને એ સમયે સમગ્ર રાજકોટ માં ભારે ચર્ચાનો વિષય બન્યો હતો.
(3:56 PM IST)










