News of Friday, 18th July 2025
ઉપલાકાંઠે ચાલતા ડામર મેટલીંગનું કામ નિહાળ્યુ : શાળા નં. ૭ર ના બાંધકામ મટીરીયલનું તુષાર સુમેરા દ્વારા ટેસ્ટીંગ
મ્યુ. કમિશનર રસ્તા પ્રશ્ને મેદાનમાં ઉતર્યા : રૂબરૂ સ્થળ તપાસ

રાજકોટ, તા. ૧૮: મહાનગરપાલિકાના મ્યુનિસિપલ કમિશનર તુષાર સુમેરાએ તા.૧૮-૦૭-૨૦૨૫ના રોજ શહેરના ઈસ્ટ ઝોન વિસ્તારમાં રાજકોટ મહાનગરપાલિકા દ્વારા ચાલતી રોડ પર ડામરથી પેચવર્કની કામગીરીનું સ્થળ પર રૂબરૂ જઈ મોનીટરીંગ કર્યું હતું. જેમાં ઈસ્ટ ઝોનના વોર્ડ નં.૫ અને વોર્ડ નં.૬માં સંત કબીર રોડ પાસે ડામર મેટલીંગની ચાલુ કામગીરી નિહાળી હતી. આ ઉપરાંત રાજકોટ મહાનગરપાલિકા દ્વારા ઈસ્ટ ઝોન વિસ્તારમાં શાળા નં.૭૨ની નવીનીકરણની કામગીરી ચાલી રહી છે જેમાં મ્યુનિસિપલ કમિશનરએ મટીરીયલ ચકાસણી કરી એજન્સીના પ્રતિનિધિ પાસેથી માહિતી મેળવી હતી.
ચોમાસાને કારણે શહેરના ખરાબ થયેલ રસ્તાને રિસ્ટોરેશન કરવાની કામગીરી રાજકોટ મહાનગરપાલિકા દ્વારા પુરજોશમાં ચાલી રહી છે. જેના નિરીક્ષણ માટે રાજકોટ મહાનગરપાલિકાના તમામ અધિકારીઓ-કર્મચારીઓ સતત કામગીરીનું મોનીટરીંગ કરી રહ્યા છે. જેમાં આજે મ્યુનિસિપલ કમિશનરએ આજે ઈસ્ટ ઝોન વિસ્તારમાં રાજકોટ મહાનગરપાલિકા દ્વારા ચાલતી ડામર મેટલીંગની ચાલુ કામગીરી નિહાળી હતી.
શહેરના ઈસ્ટ ઝોનમાં રૂ.૨.૮૦ કરોડના ખર્ચે શાળા નં.૭૨નું રાજકોટ મહાનગર પાલિકા દ્વારા નવીનીકરણ કરવામાં આવી રહ્યું છે જેની કામગીરી પૂર્ણ થવાના આરે છે. બાકી રહેતી કામગીરીમાં ટાઈલ્સ ફીટીંગ અને કલર કામગીરી ઝડપી પૂર્ણ કરવા મ્યુનિસિપલ કમિશનરએ એજન્સીના પ્રતિનિધિને સુચના આપી હતી.
મ્યુનિસિપલ કમિશનરની શહેરની ફેરણી દરમ્યાન નાયબ મ્યુનિસિપલ કમિશનર મનીષ ગુરવાની (IAS), સિટી એન્જી.શ્રીવાસ્તવ તેમજ સંબંધિત અધિકારીઓ - કર્મચારીઓ ઉપસ્થિત રહ્યા હતા. (૯.ર૭)
(3:36 PM IST)










