તા. ૩૦ જાન્યુઆરી ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૨ મહા સુદ – ૧૨ શુક્રવાર
News of Friday, 18th July 2025
રૂડા-૩માં રસ્તા, લાઇટના પ્રશ્નોના ઢગલા
જવાબદારો અને કોર્પોરેશન તંત્ર તાબડતોબ લતાવાસીઓને વિવિધ સમસ્યા માંથી મુકત કરે

તસ્વીરમાં રૂડા-૩ માં રસ્તા ઉપરના ખાડા અને તેમાં ભરેલ પાણી નજરે પડે છે
રાજકોટ, તા.૧૮: રાજકોટના કાલાવડ રોડ ઉપર ઇસ્કોન મંદિરની પાછળ આવેલ રૂડા-૩ના લતાવાસીઓ રસ્તા,પાણી,લાઇટ સહિતના પ્રશ્નોથી ત્રાહીમામ પોકારી ગયા છે.કોર્પોરેશન તંત્ર દ્વારા તાબડતોબ આ પ્રશ્નોનું નિરાકરણ થાય તેવી લતાવાસીઓની માંગ છે. જવાબદારો આ પ્રશ્નો ઉકેલે તેવી માંગ છે.
કાલાવડ રોડ ઉપર ઈસ્કોન મંદિર પાછળ આવેલા રૂડા-૩માં અનેક લતાવાસીઓ રહે છે પરંતુ બિસ્માર રસ્તો વારંવાર લાઇટની અગવડતા સહિતના અણઉકેલ પ્રશ્નોથી સોૈ ત્રાહીમામ પોકારી ગયા છે.
સામાન્ય વરસાદ આવતાની સાથે રોડ ઉપર પડેલા મસમોટા ખાડામાં પાણી ભરાઇ જાય છે અને તેના કારણે અકસ્માતો પણ સર્જાય છે.
વરસાદી પાણી ભરાઇ રહેવાથી મચ્છરોનો ઉપદ્વવ પણ વધી રહયો છે જેના કારણે રોગચાળો પણ વકરે છે.
કોર્પોરેશન તંત્ર દ્વારા વારંવાર અહીના રસ્તાઓ ખોદવામાં આવે છે પરંતુ કામગીરી પુર્ણ થતી નથી અને ખાડાખબડાવાળા રસ્તાઓમાંથી વાહન ચાલકો અને રાહદારીઓને પસાર થવુ પડે છે.
આવા બિસ્માર રસ્તાઅઓના કારણે વારંવાર અકસ્માતો સર્જાય છે અને અનેક લોકો ઇજાગ્રસ્ત પણ થાય છે.
આ ઉપરાંત રૂડા-૩ માં વારંવાર વિજ પ્રશ્ન સર્જાય છે. બબ્બે, પાંચ-પાંચ કલાક સુધી વિજ પુરવઠો બંધ રહે છે. જેના કારણે દિવસે અને રાત્રીના લોકો પરસેવે રેબઝેબ થાય છે. વિજ પુરવઠો વારંવાર ઠપ્પ કરી દેવાતા સોૈ કોઇ પરેશાન થાય છે.
રસ્તાની સમસ્યા હલ કરવા માટે વારંવાર રસ્તાઓ ઉપરના ખાડા ઉપર મોરમ નાંખી દેવામાં આવે છે પરંતુ આ રસ્તાના પ્રશ્નોનું કાયમી નિરાકરણ થતુ નથી.
વહેલી તકે રૂડા-૩ માં રહેતા લોકોની સમસ્યા હલ કરે તેવી લતાવાસીઓએ કોર્પોરેશન તંત્ર અને જવાબદાર તંત્ર સમક્ષ માંગ કરી છે.
(3:48 PM IST)










