<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Saturday, 19th July 2025

કાગદડીના પાટીયે પંચર પડેલા ટ્રક પાછળ ઇંડા ભરેલી બોલેરો અથડાઇઃ મહુવાના મહમદઅકીલ શેખનું મોત

રાજકોટથી ઇંડા ભરીને મહુવા જતી વખતે વહેલી સવારે ચાર વાગ્‍યે બનાવ : બનાવની ચાર સંતાને પિતાની છત્રછાંયા ગુમાવીઃ બાજુમાં બેઠેલા યુનુસખાન પઠાણનો નજીવી ઇજા સાથે બચાવ

ઘટના સ્‍થળે અકસ્‍માતગ્રસ્‍ત બોલેરો અને ટ્રક તથા નીચેની તસ્‍વીરમાં મહમદઅકીલ શેખનો નિષ્‍પ્રાણ દેહ, તેમનો ફાઇલ ફોટો અને અકસ્‍માતમાં બચી ગયેલા યુનુસખાન પઠાણ જોઇ શકાય છે (ફોટોઃ અભિજીત બગથરીયા)

રાજકોટ તા. ૧૮: મોરબી રોડ પરના કાગદડી ગામના પાટીયા નજીક ખોડિયાર હોટલ પાસે વહેલી સવારે ચારેક વાગ્‍યે પંચર પડવાને કારણે રોડ વચ્‍ચે ઉભેલા બંધ ટ્રક પાછળ ઇંડા ભરેલી બોલેરો ધડાકાભેર અથડાતાં બોલેરોના ચાલક ભાવનગરના મહુવાના આધેડનું ઘટના સ્‍થળે જ કમકમાટી ભર્યુ મોત થયું હતું. જ્‍યારે બાજુમાં બેઠેલા યુવાનનો નજીવી ઇજા સાથે બચાવ થયો હતો. આ બંને મહુવાથી રાજકોટ એકાંતરા ઇંડા ભરવા આવતાં હતાં. આજે સવારે ઇંડા ભરીને પરત જતી વખતે આ બનાવ બન્‍યો હતો.

જાણવા મળ્‍યા મુજબ કાગદડીના પાટીયા પાસે બંધ ટ્રક પાછળ ઇંડા ભરેલી બોલેરો નંબર જીજે૦૪એએક્‍સ-૦૪૧૬ ઘુસી જતાં ચાલકનું ઘટના સ્‍થળે જ મૃત્‍યુ થયાની જાણ પોલીસ કન્‍ટ્રોલ રૂમના ઇન્‍ચાર્જ દ્વારા થતાં કુવાડવા પોલીસ સ્‍ટેશનના એએઅસાઇ મયુરભાઇ અજાગીયા સહિતના સ્‍ટાફે ઘટના સ્‍થળે પહોંચી કાર્યવાહી કરી હતી. પોલીસે તપાસ કરતાં બોલેરોના ચાલક મહમદઅકીલ નજરૂદ્દીનભાઇ શેખ (ઉ.વ.૪૪-રહે. મહુવા ભાવનગર)નું ઘટના સ્‍થળે જ મોત થયાનું જાણવા મળતાં મૃતદેહનું પંચનામુ કરી મૃતદેહને પોસ્‍ટમોર્ટમ માટે ખસેડયો હતો. 

મૃતકની બાજુની સીટ પર તેના કર્મચારી મહુવા નુતનનગરના યુનુસખાન જહાંગીરખાન પઠાણ (ઉ.વ.૩૯) બેઠા હતાં. જેનો નજીવી ઇજા સાથે બચાવ થયો હતો. એએસઆઇ મયુરભાઇ અજાગીયાના જણાવ્‍યા અનુસાર મહમદઅકીલ શેખ અને યુનુસખાન બંને બોલેરો લઇને રાજકોટ ઇંડા ભરવા આવ્‍યા હતાં. પરત મહુવા જતી વખતે આ બનાવ કાગદડીના પાટીયા નજીક બન્‍યો હતો. ટ્રકમા પંચર પડયું હોઇ રોડ વચ્‍ચે ઉભો હોઇ તેની પાછળ બોલેરો અથડાઇ હતી.

વધુ માહિતી મુજબ મૃત્‍યુ પામનારને સંતાનમાં એક દિકરો અને ત્રણ દિકરી છે. તેઓ બે ભાઇ અને બે બહેનમાં નાના હતાં. બનાવની જાણ થતાં મૃતકના પરિવારજનો રાજકોટ આવવા નીકળ્‍યા હતાં. આ બનાવથી પરિવારમાં માતમ છવાઇ ગયો હતો.

(11:28 AM IST)