<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Monday, 21st July 2025

શહેરમાં ફાયર એન.ઓ.સી. માટે ૯ર૩ પૈકી ૬૩ અરજી રદ

સૌથી વધુ વોર્ડ નં. ૧૮ માં ૧૧ અરજી નામંજુર : પાંચ વોર્ડમાં એક-એક અરજી ફગાવાઇ

 રાજકોટ,તા.૨૧: ટીઆરપી ગેમઝોન દૂર્ઘટના બાદ મહાનગરપાલિકા દ્વારા તમામ કોમર્શિયલ અને રહેણાંકના એકમોમાં ફાયર સેફટી મુદ્દે ચકાસણી હાથ ધરી ફાયર સેફટીના સાધનો તેમજ ફાયર એનઓસી ન હોય તેવા એકમો સીલ કરવા સહિતની કાર્યવાહી હાથ ધરી હતી. જે દરમિયાન સિંગલ સીડી તેમજ એકઝીટ ગેઈટ સહિતના પ્રશ્‍નો ઉભા થયા હતાં. તેમાં પણ છુટછાટ આપી તમામ એકમોએ ફાયર એનઓસી મેળવવા માટેની સુચના આપવામાં આવેલ. જેમાં છેલ્લા એક વર્ષ દરમિયાન ૯૨૩ એકમોએ ફાયર એનઓસી માટે અરજી કરેલ જે પૈકી ૬૩ એકમો નિયમ વિરૂધ્‍ધ હોવાથી તેમની અરજી રદ કરવામાં આવી છે. જનરલ બોર્ડમાં કોર્પોરેટર દ્વારા પુછવામાં આવેલા પ્રશ્ર્‌નોના જવાબમાં ફાયર વિભાગે જણાવેલ કે છેલ્લા એક વર્ષ દરમિયાન નવા અથવા જુના કોમર્શિયલ સહિતના ૯૨૩ બાંધકામોની એનઓસી માટે અરજી આવેલ હતી. પરંતુ અમુક બાંધકામોમાં ફાયર સેફટીના નવા નિયમો મુજબના સાધનો તેમજ તે પ્રકારનું બાંધકામ ન હોવાથી આવેલ અરજી પૈકી ૬૩ અરજી પેન્‍ડીંગ રાખી નામંજુર કરેલ છે.

ફાયર વિભાગ દ્વારા છેલ્લા એક વર્ષ દરમિયાન ફાયર એનઓસી માટે આવેલ અરજી પૈકી ૭ ટકા થી વધુ અરજી નામંજુર કરી છે અને આ મુદ્દે જાણવા મળેલ વિગત મુજબ, રહેણાંકની બિલ્‍ડીંગો માટેના નિયમો આકરા હોવાના કારણે મોટાભાગની રહેણાંકની અરજીઓ નામંજુર કરવામાં આવી છે તેવી જ રીતે રહેણાંકના એકમો સીલ કરવાનો નિયમ ન હોવાથી આ મુદ્દે મોટી મુશ્‍કેલીનો સામનો કરવો પડી રહ્યો છે. છતાં વોટર ટેન્‍ક સહિતના સાધનો વસાવવા માટેની આ એકમોને તાકીદ કરવામાં આવી છે.

(4:06 PM IST)