<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Tuesday, 22nd July 2025

રાજકોટની સબ-રજીસ્ટ્રાર કચેરીઓમાં સુવિધાઓની હાલત દયનીય

રીયલ એસ્ટેટ એજન્ટ્સ એસોસિયેશન ઓફ રાજકોટ (REAAની રાજકોટ કલેક્ટર ડો. ઓમ પ્રકાશને રજૂઆત: હીરાસર ખાતેના રાજકોટ ઇન્ટરનેશનલ એરપોર્ટને "વિજયભાઈ રૂપાણી ઇન્ટરનેશનલ એરપોર્ટ" નામ આપો

રાજકોટ, :રીયલ એસ્ટેટ એજન્ટ્સ એસોસિયેશન ઓફ રાજકોટ (REAAR) દ્વારા જિલ્લા કલેક્ટર ડૉ. ઓમ પ્રકાશને શહેરની સબ-રજીસ્ટ્રાર કચેરીઓમાં નાગરિકો અને એજન્ટોને પડતી મૂળભૂત સુવિધાઓની અછત અંગે ગંભીર રજૂઆત કરવામાં આવી. એસોસિયેશને સ્વચ્છ શૌચાલય, પીવાનું પાણી, યોગ્ય વેઇટિંગ એરિયા, પાર્કિંગ વ્યવસ્થા અને ફાયર સુરક્ષા જેવી સુવિધાઓના અભાવને લઈ ચિંતા વ્યક્ત કરી. આ રજૂઆતમાં જણાવાયું કે, મહિલાઓ માટે અલગ શૌચાલયોનો અભાવ, પાણીના ફિલ્ટરની આસપાસ ગંદકી, બેસવાની અપૂરતી વ્યવસ્થા અને પાર્કિંગ વિસ્તારોમાં સુરક્ષાની ઉણપથી નાનાં-મોટાં ચોરીના બનાવો થાય છે. આ ઉપરાંત, ફાયર સુરક્ષા જેવી મહત્વની સુવિધાઓનો પણ અભાવ છે, જે નાગરિકો અને એજન્ટો માટે રોજિંદી હેરાનગતિનું કારણ બની રહ્યું છે. REAARએ ભારપૂર્વક જણાવ્યું કે, આવી મહત્વની સરકારી સેવાઓમાં યોગ્ય વ્યવસ્થા સુનિશ્ચિત કરવી તંત્રની ફરજ છે. આ સાથે, એસોસિયેશને એક લાગણીસભર વિનંતી પણ કરી કે, રાજકોટના વિકાસમાં અનન્ય યોગદાન આપનાર સ્વ. વિજયભાઈ રૂપાણીના નામે હીરાસર ખાતેના રાજકોટ ઇન્ટરનેશનલ એરપોર્ટને "વિજયભાઈ રૂપાણી ઇન્ટરનેશનલ એરપોર્ટ" તરીકે નામાંકિત કરવામાં આવે. આ નામકરણથી શહેરનું ગૌરવ વધશે તેમ REAARએ જણાવ્યું. કલેક્ટરશ્રીએ તમામ મુદ્દાઓ ગંભીરતાથી સાંભળી, યોગ્ય તંત્ર સુધી રજૂઆત પહોંચાડવાની ખાતરી આપી. REAARએ આ મુલાકાતને ફળદાયી ગણાવી અને નાગરિકોની સુવિધા માટે ઝડપી પગલાંની આશા વ્યક્ત કરી.

(1:28 PM IST)