<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Tuesday, 22nd July 2025

વૈદવાડીમાં અક્ષયભાઇ રાઠોડના પ્રેશ મશીન બનાવવાના ગોડાઉનમાંથી ૩.૫૫ લાખની ચોરી

કાકા સાથે ભાગીદારીમાં કામ કરે છેઃ તસ્‍કરો હાઇડ્રોલીક પંપ, વાલ્‍વ, બ્‍લોક, મશીનરી બ્‍લેડ વગેરે સામાન ચોરી ગયાઃ માલવીયાનગર પોલીસે ગુનો નોંધી તપાસ હાથ ધરી

રાજકોટ તા. ૨૨: શહેરમાં ચોરીનો વધુ એક બનાવ બન્‍યો છે. ગોંડલ રોડ પર વૈદવાડી શેરી નંબર ૦૧ રાઠોડ એન્‍જીનીયરીંગ વર્કસના બિલ્‍ડીંગમાં શેડ નં ૩માં સીમ્‍પલેક્ષ મશીનરી સીસ્‍ટમ નામથી ગોડાઉનમાં  તસ્‍કરો ત્રાટકી લોખંડની મશીનરીના પાર્ટ અને રો મટીરીયલના સામાન સહિત રૂ.૩.૫૫ લાખ મતાની ચોરી કરી જતાં માલવીયાનગર પોલીસે ગુનો નોંધી તપાસ હાથ ધરી છે.

આ બનાવમાં પોલીસે ૧૫૦ ફુટ રીંગરોડ સીલ્‍વર સ્‍ટોન મેઇન રોડ બ્‍લોક નં ૭૯માં રહેતાં અક્ષયભાઇ ગીરીશભાઈ રાઠોડ (ઉ.વ.૩૨)ની ફરિયાદ નોંધી છે. તેમણે ફરિયાદમાં જણાવ્‍યું હતું કે હું વૈદવાડી શેરી નં ૦૧ રાઠોડ એન્‍જીનીયરીંગ વર્કસના બિલ્‍ડીંગમાં શેડ નં.૩ માં સીમ્‍પલેક્ષ મશીનરી સીસ્‍ટમ નામથી ગોડાઉન રાખી હાઇડ્રોલીક પ્રેશ મશીન બનાવવાનુ કામકાજ કરુ છુ. આ ગોડાઉનમાં હું તથા કાકા રજનીકાંતભાઇ રાઠોડ એમ અમો બંન્ને જણા ભાગીદારીમાં વેપાર કરીએ છીએ. ગઇ તા.૨૦/૦૭/૨૫ના સાંજના ચારેક વાગ્‍યાની આસપાસ મારા પીત્રાઇ ભાઇ જીગ્નેશભાઇ રાઠોડ ો મને ફોન આવેલ અને મને જણાવેલ કે તમારા ગોડાઉનના દરવાજા વળી ગયેલ છે અને ઉપરની છત તોડેલ છે. જેથી તમો તુરંત જ ગોડાઉને આવો.

જેથી હું તથા મારા પિતાજી સાથે ગોડાઉને ગયા હતા અને ત્‍યાં જઇ તાળુ ખોલી ગોડાઉનમાં જોતા આ મુજબ વસ્‍તુ જોવામાં આવેલ નહીં. હાઇડ્રોલીક વાલ્‍વ પંપ નંગ ૦૭ જેમાં બે પંપની જે મોટા હતા જેની એકની કિંમત ૯૦૦૦ તેમજ નાના પંપની નંગ ૦૫ જેની એકની કિંમત રૂપીયા ૭૦૦૦ એમ નાના-મોટા પંપ નંગ ૦૭ ની કુલ રૂપીયા પ૩૦૦૦ તથા  હાઇડ્રોલીક બ્‍લોક નંગ ૦૭ જેની એક નંગની કિંમત રૂપીયા ૨૫૦૦ અને તેની કુલ રૂપીયા ૧૭૫૦૦ તથા મશીનની બ્‍લેડ નંગ ૦૫ જેની એક નંગની કિંમત રૂપીયા ૨૨૦૦૦  અને તેની કુલ કિંમત રૂપીયા ૧,૧૦૦૦૦ તથા લોખંડની પાઇપ જે એકથી દોઢ મીટર લાંબી તથા ચાર ઇંચ પહોળી જે આશરે પચ્‍ચીસેક જેટલી હતી. જેની એક નંગની અંદાજે કિંમત રૂપીયા ૭૦૦૦ અને તેની કિંમત રૂપીયા ૧,૭૫,૦૦૦ એમ કુલ રૂપિયા ૩.૫૫ લાખ મતાની ચીજવસ્‍તુની ચોરી થઇ હતી. પીઆઇ જે. આર. દેસાઇની રાહબરીમાં પીએસઆઇ એમ. જે. ધાધલ અને સ્‍ટાફે તપાસ હાથ ધરી છે.

(3:04 PM IST)