News of Friday, 25th July 2025
પાકિસ્તાનથી વિસ્થાપિત લોકો માટે આજથી નવુ જીવનઃ હર્ષ સંઘવી
ગૃહમંત્રીની ઉપસ્થિતિમાં રાજકોટ-મોરબી-કચ્છમાં વસેલા ૧૮પ હિંદુ પાકિસ્તાની નાગરીકોને નાગરિકતા એનાયત ખુશ રહો...હસ્તા રહો... તમે મહાન ભારતના નાગરીક છોઃ કલેકટર તંત્ર દ્વારા આત્મીય કોલેજ ખાતે નાગરીકતા પ્રમાણપત્ર કાર્યક્રમ

રાજકોટ,તા.૨૫: ‘‘ખુશ રહો, હસતા રહો, હવેથી તમે મહાન ભારતના નાગરિક છો''.. પાકિસ્તાનથી વિસ્થાપિત થઈને કચ્છ, મોરબી તથા રાજકોટ જિલ્લામાં વસેલા ૧૮૫ જેટલા લોકો આ શબ્દો સાંભળવા માટે વર્ષોથી તરસતા હતા... અને આજે તેમની અભિલાષા પૂર્ણ થઈ હતી. ગળહ રાજ્યમંત્રી શ્રી હર્ષ સંઘવીની ઉપસ્થિતિમાં આજે રાજકોટમાં મૂળ પાકિસ્તાનના ૧૮૫ લોકોને સિટીઝનશીપ એમેન્ડમેન્ટ એક્ટ-૨૦૧૯ હેઠળ ‘ભારતીય નાગરિકતા એનાયત' કરવામાં આવી હતી.
રાજકોટ જિલ્લા ક્લેક્ટર ડો.ઓમપ્રકાશના નિર્દેશ મુજબ, રાજકોટમાં જિલ્લા વહીવટી તંત્ર દ્વારા આત્મીય યુનિવર્સિટી ખાતે ભારતીય નાગરિકતા પ્રમાણપત્ર એનાયત કેમ્પ યોજવામાં આવ્યો હતો.
આ અવસરે ગળહ રાજ્યમંત્રી શ્રી હર્ષ સંઘવીએ કહ્યું હતું કે, જેમને ભારતીય નાગરિકતા પ્રાપ્ત થઈ છે, તેવા પાકિસ્તાનથી વિસ્થાપિત લોકો માટે આજથી નવું જીવન શરૂ થયું છે. મંત્રીશ્રીએ જ્યારે કહ્યું કે, ‘‘હસતા રહો.. હવેથી તમે મહાન ભારત દેશના નાગરિકતા છો..''ત્યારે ઉપસ્થિત લોકોએ ‘ભારત માતા કી જય'ના નાદ સાથે તેમને વધાવી લીધા હતા.
મંત્રીશ્રીએ રાજકોટની ભૂમિને વંદન કરતા કહ્યું હતું કે, આ ભૂમિએ ગુજરાતને શ્રેષ્ઠ મુખ્યમંત્રી શ્રી નરેન્દ્રભાઈ મોદી આપ્યા હતા અને હાલ દેશના લોકોએ તેમને શ્રેષ્ઠ વડાપ્રધાન તરીકે ચૂંટયા છે. આ જ ભૂમિએ હવે પાકિસ્તાનથી વિસ્થાપિત થયેલા મૂળ ભારતના ૧૮૫ લોકોને નવું જીવન આપ્યું છે.
એક ડોક્ટર દીકરીનો ઉલ્લેખ કરતા તેમણે કહ્યું હતું કે, પાકિસ્તાનમાં મેડિકલનો અભ્યાસ પૂર્ણ કર્યા પછી આ દીકરીને જ્યારે પ્રેક્ટિસ શરૂ કરવાની હતી, ત્યારે તેમના પર અત્યાચારો શરૂ થયા અને તેમણે માતા-પિતા સાથે વિસ્થાપિત થવું પડ્યું. આવા દેશમાંથી આવેલા આ મૂળ ભારતના લોકા‘‘વસુધૈવ કુટુંબકમ''ની ભાવના ધરાવતા મહાન ભારત દેશના નાગરિક બન્યા છે, એમ તેમણે ગૌરવભેર કહ્યું હતું.
તેમણે વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીનો આભાર માનતા કહ્યું હતું કે, શ્રી નરેન્દ્રભાઈ તથા કેન્દ્રીય ગળહમંત્રીશ્રી અમિતભાઈ શાહે સી.એ.એ. થકી અનેક લોકોના જીવન બચાવવાનું કાર્ય કર્યું છે.
આ તકે મંત્રીશ્રીએ ભારતીય નાગરિકત્વ પ્રાપ્ત કરનારા લોકોને આગામી સમયમાં સરકારની અન્ય યોજનાઓના લાભો પણ મળી રહે તે જોવા વહીવટી તંત્રને સુચના આપી હતી.
આ તકે લાભાર્થીઓએ આ પ્રમાણપત્ર મળવા બદલ મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલ તથા ગુજરાત સરકારનો આભાર પ્રકટ કર્યો હતો.
આ કાર્યક્રમમાં ડેપ્યુટી રજિસ્ટ્રાર જનરલ શ્રી રાજેશ માલવિયાએ સ્વાગત પ્રવચન કર્યું હતું. જ્યારે જિલ્લા વિકાસ અધિકારી શ્રી અનંદુ સુરેશ ગોવિંદે આભારવિધિ કરી હતી.
આ કાર્યક્રમમાં રાજકોટના મેયર નયનાબહેન પેઢડીયા, જિલ્લા પંચાયતના પ્રમુખ પ્રવિણાબહેન રંગાણી, ધારાસભ્ય સર્વે શ્રી ઉદયભાઈ કાનગડ, રમેશભાઈ ટીલાળા, ડો. દર્શિતાબહેન શાહ, દુર્લભજીભાઈ દેથરીયા, અગ્રણી સર્વે શ્રી મહેશભાઈ જીવાણી, માધવ દવે, ભરતભાઈ બોઘરા, અલ્પેશ ઢોલરીયા, શહેર પોલીસ કમિશનર શ્રી બ્રજેશકુમાર ઝા, ડી.સી.પી.ઝોન-૧ સજનસિંહ પરમાર, ડેપ્યુટી મેયર શ્રી નરેન્દ્રસિંહ જાડેજા, સ્ટેન્ડિંગ કમિટી ચેરમેન જૈમીન ઠાકર, શાસક પક્ષના નેતા લીલુબેન જાદવ, દંડક શ્રી મનીષ રાડીયા, નિવાસી અધિક કલેક્ટર એ.કે.ગૌતમ, પ્રાંત અધિકારી ચાંદની પરમાર વગેરે ઉપસ્થિત રહ્યા હતા.
(4:29 PM IST)










