તા. ૩૦ જાન્યુઆરી ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૨ મહા સુદ – ૧૨ શુક્રવાર
News of Monday, 28th July 2025
એરપોર્ટને ‘વીર આહીર દેવાયત બોદર ઇન્ટરનેશનલ એરપોર્ટ' નામ આપવા આહીર સેનાની માંગ

રાજકોટ : રાજકોટના હિરાસર ખાતે નવનિર્મિત ઇન્ટરનેશનલ એરપોર્ટને ‘વીર આહીર દેવાયત બોદર ઇન્ટરનેશનલ એરપોર્ટ' નામ આપવાની આહીર સેના ગુજરાત દ્વારા સ્પષ્ટ માંગ કરવામાં આવી છે. આહીર સેનાના પ્રદેશ કોર કમિટી મેમ્બર મનોભાઈ ચાવડા, પ્રદેશ પ્રવક્તા કમલેશભાઈ કોઠિવાળ (એડવોકેટ), અને આહીર સેના રાજકોટ જિલ્લાના પ્રમુખ ભરતભાઈ કાનગડે એક સંયુક્ત નિવેદનમાં આ માંગણી કરી છે.
શા માટે ‘વીર આહીર દેવાયત બોદર'?
આહીર સેનાએ જણાવ્યું કે રાજકોટ એ સૌરાષ્ટ્રનું પાટનગર છે અને સૌરાષ્ટ્રની ધરતી સંતો અને શૂરાઓની પવિત્ર ભૂમિ તરીકે વિશ્વભરમાં ઓળખાય છે. વીર આહીર દેવાયત બોદર એક એવું અદ્ભુત વ્યક્તિત્વ હતું જેમની વફાદારીના દાખલા આજે આખી દુનિયામાં આપવામાં આવે છે. ‘વફાદારી એટલે દેવાયત બોદર અને દેવાયત બોદર એટલે વફાદારી' - આ બંને શબ્દો એકબીજાના પર્યાય બની ચૂકયા છે. દેવાયત બોદર સૌરાષ્ટ્રની પવિત્ર ભૂમિનું એક વિરાટ વ્યક્તિત્વ છે અને સમગ્ર ભારતવર્ષને આ બાબતે ગૌરવ છે કે સૌરાષ્ટ્રની ખમીરવંતી ધરતી પર આવા સપૂતો થઈ ચૂકયા છે.
નિસ્વાર્થ બલિદાનનું અજોડ ઉદાહરણઃ નિવેદનમાં વધુમાં જણાવાયું છે કે, વર્તમાન સમયમાં સત્તા માટે એક નાની ખુરશી પણ કોઈ છોડવા તૈયાર નથી, ત્યારે દેવાયત બોદરે જૂનાગઢના વંશને બચાવવા માટે નિસ્વાર્થ ભાવે પોતાના દીકરા ઉગાનું બલિદાન આપ્યું હતું. આ ઐતિહાસિક ઘટના ઇતિહાસના પાનાઓમાં અંકિત છે. કોઈ બીજાના વંશને બચાવવા માટે સ્વાર્થ વગર પોતાના દીકરાનું બલિદાન આપવાની ઘટના આખી દુનિયામાં સૌ પ્રથમ વખત સૌરાષ્ટ્રમાં બની હતી - ‘ન ભૂતો ન ભવિષ્યતિ' જેવી આ ઘટના વિશે આજે પણ આપણે કલ્પના કરીએ તો શરીરમાં ધ્રુજારી છૂટી જાય છે. આ દર્શાવે છે કે દેવાયત બોદર કેવડું વિરાટ વ્યક્તિત્વ હશે.
આસ્થા અને સાંસ્કળતિક ઓળખઃ આહીર સેનાનું કહેવું છે કે વીર આહીર દેવાયત બોદર સાથે સમસ્ત આહીર સમાજ સહિત અઢારેય વરણના લોકોની આસ્થા જોડાયેલી છે અને તેમની કીર્તિ વિશ્વ કક્ષાએ ગવાઈ રહી છે. સરકાર દ્વારા આ નામ આપવાથી વિદેશી કે ભારતીય કોઈપણ પર્યટકો રાજકોટ એરપોર્ટ પર ઉતરતા જ સૌરાષ્ટ્રની સંસ્કળતિની ઝાંખી થશે અને સરકારની પણ સારી નોંધ લેવાશે કે ગુજરાત સરકાર સૌરાષ્ટ્રની ખમીરવંતી ધરતીની સંસ્કળતિ જીવંત રાખવામાં સક્રિય છે.
આગામી રણનીતિ : આહીર સેના ગુજરાતની સ્પષ્ટ માંગ છે કે આ બાબતે તાત્કાલિક કાર્યવાહી કરી રાજકોટ એરપોર્ટને ‘વીર આહીર દેવાયત બોદર ઇન્ટરનેશનલ એરપોર્ટ' નામ આપવામાં આવે. જો આ બાબતે યોગ્ય કાર્યવાહી નહીં કરવામાં આવે, તો આવનારા દિવસોમાં તમામ સમાજના રાજકીય અને સામાજિક આગેવાનો તેમજ સામાજિક સંસ્થાઓ પાસેથી લેખિત સમર્થન લઈને સરકારને રજૂઆત કરવામાં આવશે. આ ઉપરાંત, આહીર સેના ગુજરાત દ્વારા તમામ સમાજના લોકોને સાથે રાખી આ બાબતે પોસ્ટકાર્ડ લખી સરકારને ઢંઢોળવા માટે ઝુંબેશ ચલાવવામાં આવશે. (કાર્યાલયઃ કેવડાવાડી મેઈન રોડ, સોરઠીયાવાડી સર્કલ પાસે, રાજકોટ. મો.૯૯૦૪૫ ૦૦૦૦૧)
(4:27 PM IST)










