<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Monday, 28th July 2025

રાજકોટમાં ‘જ્ઞાનરત્‍ન અભિવાદન' સમારોહઃ ૧૦-૧૨ના તેજસ્‍વી તારલાઓનું સન્‍માન

ધારાસભ્‍ય ઉદય કાનગડ અને શહેર ભાજપ મહામંત્રી અશ્વિન મોલીયા દ્વારા

રાજકોટ : રાજકોટના અટલબિહારી બાજપાઈ ઓડિટોરિયમ ખાતે ધારાસભ્‍યશ્રી ઉદય કાનગડ અને શહેર ભાજપ મહામંત્રી અશ્વિન મોલીયા દ્વારા ધોરણ ૧૦ અને ૧૨ના માર્ચ-૨૦૨૫ બોર્ડના તેજસ્‍વી વિદ્યાર્થીઓને સન્‍માનવા માટે ભવ્‍ય 'જ્ઞાનરત્‍ન અભિવાદન' સમારોહનું આયોજન કરવામાં આવ્‍યું હતું. આ સમારોહમાં ૭૬૪થી વધુ વિદ્યાર્થીઓનું સન્‍માન કરવામાં આવ્‍યું, જેનો મુખ્‍ય હેતુ તેમને પ્રેરણા, પ્રોત્‍સાહન અને શુભેચ્‍છાઓ આપવાનો હતો.

અગ્રણીઓની ઉપસ્‍થિતિ અને ઉદ્વોધનઃ આ સમારોહમાં સાંસદ પરશોતમભાઈ રૂપાલા અધ્‍યક્ષસ્‍થાને ઉપસ્‍થિત રહ્યા હતા. પૂર્વ ધારાસભ્‍ય ટપુભાઈ લીંબાશીયાના વરદ હસ્‍તે કાર્યક્રમનું ઉદ્ધાટન કરવામાં આવ્‍યું હતું.

આ પ્રસંગે શહેર ભાજપ પ્રમુખ ડો. માધવ દવે, પ્રદેશ ભાજપ ઉપપ્રમુખ ડો. ભરતભાઈ બોઘરા, રાજ્‍યસભાના સાંસદ રામભાઈ મોકરીયા, ધારાસભ્‍યો રમેશભાઈ ટીલાળા અને ડો. દર્શિતાબેન શાહ, મેયર નયનાબેન પેઢડીયા, ડેપ્‍યુટી મેયર નરેન્‍દ્રસિહ જાડેજા, શહેર ભાજપ મહામંત્રી વિરેન્‍દ્રસિહ ઝાલા, સ્‍ટેન્‍ડિંગ કમિટી ચેરમેન જયમીન ઠાકર, દંડક મનીષભાઈ રાડીયા સહિત સંખ્‍યાબંધ અગ્રણીઓ, સમાજ શ્રેષ્ઠીઓ અને સંસ્‍થાના પ્રતિનિધિઓ ઉપસ્‍થિત રહ્યા હતા.

ધારાસભ્‍ય શ્રી ઉદય કાનગડએ ઉદ્વોધન કરતાં જણાવ્‍યું હતું કે, ‘એક વિદ્યાર્થીને જ્‍યારે કોઈ શિલ્‍ડરૂપી સન્‍માન મળે છે ત્‍યારે તે અન્‍ય વિદ્યાર્થીઓ માટે પ્રેરણા બની શકે છે અને સમગ્ર સમાજમાં જ્ઞાન અને શિક્ષણના પ્રચાર માટે એક સકારાત્‍મક વાતાવરણ ઊભું થાય છે.' તેમણે ઉમેર્યું કે ધોરણ ૧૦ અને ૧૨ એ વિદ્યાર્થીઓની શૈક્ષણિક કારકિર્દીનો આધારસ્‍તંભ છે, અને આ સમયે યોગ્‍ય અભ્‍યાસક્રમ પસંદ કરવો અત્‍યંત આવશ્‍યક છે. તેમણે વડાપ્રધાન શ્રી નરેન્‍દ્રભાઈ મોદી અને મુખ્‍યમંત્રી શ્રી ભૂપેન્‍દ્રભાઈ પટેલના નેતૃત્‍વ હેઠળની સરકારોના શિક્ષણ ક્ષેત્રેના પ્રયાસોને પણ બિરદાવ્‍યા હતા.

સાંસદ પરશોતમભાઈ રૂપાલાએ જણાવ્‍યું કે, ‘શિલ્‍ડનું સન્‍માન વિદ્યાર્થી માટે આત્‍મવિશ્વાસનો મોટોસ્ત્રેત બને છે અને વિદ્યાર્થીના સર્વાંગી વિકાસમાં મહત્‍વપૂર્ણ ભૂમિકા ભજવે છે.' તેમણે ઉમેર્યું કે આવા સન્‍માનથી માતા-પિતાનું ગૌરવ વધે છે, શિક્ષકો ખુશ થાય છે અને શાળાનું નામ રોશન થાય છે.

રામાણી ઇન્‍સ્‍ટિટ્‍યૂટ ફોર સિવિલ સર્વિસીઝના ડો. વી.કે. રામાણીએ પોતાના વક્‍તવ્‍યમાં જણાવ્‍યું કે, ‘જ્ઞાનરત્‍ન એવોર્ડ વિદ્યાર્થીઓનું માત્ર સન્‍માન જ નથી કરતું, પરંતુ તેમને જીવનમાં આગળ વધવા માટે પ્રેરણા અને માર્ગદર્શન પણ પૂરું પાડે છે.'

મેયર નયનાબેન પેઢડીયા અને પૂર્વ ધારાસભ્‍ય ટપુભાઈ લીંબાશીયાએ પણ પ્રાસંગિક પ્રવચનો કર્યા હતા.

કાર્યક્રમનું સંચાલન શિક્ષણ સમિતિ સદસ્‍ય જયદીપ જલુએ કર્યું હતું, જ્‍યારે સ્‍વાગત પ્રવચન શહેર ભાજપ મહામંત્રી અશ્વિન મોલીયાએ આપ્‍યું હતું. કાર્યક્રમની વ્‍યવસ્‍થા શાળા સંચાલક મંડળના મેહુલભાઈ પરડવાએ સંભાળી હતી.

અંતમાં, ધારાસભ્‍ય શ્રી ઉદય કાનગડએ કાર્યક્રમને સફળ બનાવવા બદલ ઉપસ્‍થિત તમામ આગેવાનો, સમાજ શ્રેષ્‍ઠીઓ, સ્‍વનિર્ભર શાળા સંચાલક મંડળ, કાર્યકર્તાઓનો આભાર વ્‍યક્‍ત કર્યો હતો.

(5:18 PM IST)