News of Monday, 28th July 2025
નિખીલ માકડીયાનું હૃદય, લીવર, કિડની ફેફસાના અંગદાનથી ચાર જીંદગીને નવજીવન
ગીરીરાજ હોસ્પીટલમાં બ્રેઇન ડેડ જાહેર થતા

રાજકોટ, તા. ર૬: રાજકોટની ગીરીરાજ હોસ્પીટલમાં બ્રેઇન ડેડ જાહેર થયેલા નિખીલ માંકડીયાના હૃદય, લીવર, કિડની અને ફેફસાના અંગદાનથી ચાર જીંદગીને નવજીવન મળ્યું છે.
માંગરોળનાં ૧૯ વર્ષ ના રહેવાસી એવા શ્રી નિખીલ જગદીશભાઇ માકડિયા રાજકોટ ખાતે આવેલી શ્રી ગિરિરાજ હોસ્પિટલ તા.૨૪-૦૭-૨૦૨૫ ના રોજ બ્રેઈન ડેડ જાહેર થતાં શ્રી ગિરિરાજ હોસ્પિટલના તબીબોની ટીમ દ્વારા તમામ પ્રયત્નો કરવામાં આવ્યા છતા દર્દીનું મરણ થયું. ત્યાર બાદ દર્દીના પરિવારજનો સાથે સંવેદનશીલ રીતે વાતચીત કરીને તેમને અંગદાન માટે સમજાવવામાં આવ્યા. પરિવારજનોનો માનવતાભર્યો અને સાહસિક નિર્ણય અન્યો માટે આશાનું અજવાળુ સાબિત થયુ છે. દેહદાનમાં લઇ લેવાયેલા અંગો હદય, લીવર, કિડની અને ફેફસા જેનાથી અન્ય ચાર જીંદગીને જીવનદાન મળી શકે છે.
આ માટે રાજકોટ તંત્ર દ્વારા ગ્રીન કોરિડોર ઉભો કરવામાં આવ્યો હતો જે બાદ એમના અંગો ને શ્રી ગિરિરાજ હોસ્પિટલ થી રાજકોટ એરપોર્ટ અને ત્યાંથી એર એમ્બ્યુલન્સ મારફતે અમદાવાદ આવેલ સિમ્સ હોસ્પિટલ માં હદય, કે.ડી.હોસ્પિટલમાં ફેફસા અને શેલ્બી હોસ્પિટલ અમદાવાદ ખાતે લીવર અને કીડની પહોંચાડવામા આવ્યા. આ અંગો નો ઉપયોગ SOTTO/NOTTO ના માર્ગદર્શન હેઠળ જરૂરી દર્દીઓને ટ્રાન્સપ્લાન્ટ માટે કરવામાં આવશે.
આ જટિલ પ્રકિયા ને સફળ બનાવવા માટે શ્રી ગિરિરાજ હોસ્પિટલમાં સેવા આપતા ડોકટરની ટીમે પ્રશંસનીય કામગીરી નિભાવી છે. આવો સંવેદનશીલ નિર્ણય લેવું એ બહુ મોટી માનવતાની વાત છે. દર્દી અને તેમના પરિવારના આ ઉપકારને અમે હૃદયથી નમન કરીએ છીએ. તેમ એક યાદીમાં ગીરીરાજ હોસ્પીટલે જણાવેલ છે
(5:13 PM IST)










