News of Tuesday, 29th July 2025
બેડી ચોકડીએથી ૪.૧૩ લાખનો દારૂ ભરેલી સ્કોર્પિયો સાથે ક્રાઇમ બ્રાંચે સોહિલને પકડયોઃ બે નામ ખુલ્યા :જુઓ વિડીયો
દારૂ મંગાવનાર હુડકોના ડેનીશ અને મોકલનાર લાલાની શોધખોળઃ પીઆઇ ગોંડલીયા, પીઆઇ ડામોર, પીઆઇ જાદવ અને પીએસઆઇ વી. ડી. ડોડીયાની ટીમની કાર્યવાહીઃ દિલીપભાઇ બોરીચા, વિશાલભાઇ દવે અને જયરાજસિંહ કોટીલાની બાતમી : રતનપરમાં ડીસીબીનો ઘરમાં દરોડોઃ ‘ફલેવર'વાળા ‘દેશી દારૂના પાઉચ' બનાવવાનું કારસ્તાનઃ બે પકડાયા, બેની શોધઃ દારૂ, વાહનો, મશીનરી સહિતનો મુદ્દામાલ કબ્જે

રાજકોટ તા. ૨૯: ક્રાઇમ બ્રાંચની ટીમે બેડી ચોકડી નજીક રેડ રોઝ હોટલ પાસે બાતમીને આધારે રૂા. ૪.૧૩ લાખનો દારૂ ભરેલી સ્કોર્પિયો સાથે ભોજલરામ સોસાયટીના એક શખ્સને પકડી લીધો હતો. જ્યારે મંગાવનાર અને મોકલનારના નામ ખુલતાં તેની શોધખોળ થઇ રહી છે. આ ઉપરાંત ક્રાઇમ બ્રાંચની આ ટીમે જ મોરબી રોડના રતનપરમાં એક મકાનમાં દરોડો પાડી ફલેવરવાળા દેશી દારૂના પાઉચ બનાવીને વેંચતા બે શખ્સને દબોચ્યા હતાં. જ્યારે દારૂ મોકલનારા અને હેરાફેરી કરનારાના નામ ખુલ્યા હતાં. અહિથી રિક્ષા, બે ટુવ્હીલર, દારૂના પાઉચ બનાવવાના મશીન પણ કબ્જે થયા હતાં.
ક્રાઇમ બ્રાંચની ટીમે રાજકોટ મોરબી હાઇવે પર બેડી ચોકડીથી જુના જકાતનાકા તરફ રેડ રોઝ હોટલ પાસે બાતમીને આધારે વોચ રાખી જીજે૦૩પીજે-૦૦૭૭ નંબરની સ્કોર્પીયો આંતરી લઇ તેમાંથી રૂા. ૪,૧૩,૦૮૮નો ૭૯૮ બોટલ દારૂ કબ્જે કરી કોઠારીયા રોડ ભોજલરામ સોસાયટી-૫ના સોહિલ સલિમભાઇ પલેજા (ઉ.વ.૩૫)ને પકડી લીધો હતો. આ દારૂ હુડકો ક્વાર્ટરના ડેનીશ અશ્વીનભાઇ પરમારના કહેવાથી સોહિલ ટંકારા નજીકથી ડેનીશના મિત્ર લાલા પાસેથી આ દારૂ ભરી લાવ્યાનું ખુલતાં આ બંનેની શોધખોળ થઇ રહી છે.
ક્રાઇમ બ્રાંચની ટીમ દારૂ જૂગારના કેસ શોધવા પેટ્રોલીંગમાં હતી ત્યારે હેડકોનસ. વિશાલભાઇ દવે તથા દિલીપભાઇ બોરીચા અને જયરાજસિંહ કોટીલાને મળેલી બાતમી પરથી બેડી ચોકડી નજીક રેડ રોઝ હોટલ પાસે વોચ રાખી દારૂ ભરેલી સ્કોર્પીયો પકડી લીધી હતી.
આ કારમાં ચાલક બેઠો હોઇ પુછતાછ કરતાં પોતાનું નામ સોહીલ સલીમભાઇ પલેજા (ઉ.વ.૩૫-ધંધો કાર લે-વેંચ, રહે. ભોજલરામ સોસાયટી-૫) જણાવ્યું હતું. સ્કોર્પિયોમાં કારની વચ્ચેની સીટ, પાછળની સટીમાં દારૂના બોક્સ રાખેલા હતાં. ગણત્રી કરતાં ઓલ સીઝન્સ, રોયલ ચલેન્જ સહિતની બ્રાન્ડનો ૪,૧૩,૦૮૮નો ૭૯૮ બોટલ દારૂ મળતાં તે તથા ૨૦ હજારનો મોબાઇલ, ૧૫ લાખની સ્કોર્પીયો સહિત મળી ૧૯,૩૩,૦૮૮નો મુદ્દામાલ કબ્જે કર્યો હતો. ઝડપાયેલા શખ્સની પુછતાછમાં ડેનીશ અને લાલાના નામ ખુલ્યા હતાં. આ શખ્સ ટંકારા પાસેથી દારૂ ભરી લાવ્યો હતો. પીઆઇ એમ.આર. ગોંડલીયા, પીએસઆઇ વી. ડી. ડોડીયા, દિપકભાઇ ચોહાણ સહિતે આ કામગીરી કરી હતી.
આ ઉપરાંત ઉપરોક્ત ટીમે જ મોરબી રોડ પર રતનપર રામ મંદિર પાછળ સ્વામિનારાયણ ગુરૂકુળના રસ્તે આવેલા એક મકાનમોં દરોડો પાડી અલગ અલગ ફલેવરનો દેશી દારૂના જથ્થા સાથે બે શખ્સોને પકડી લઇ રૂા. ૧,૧૦,૪૦૦નો ૫૫૦ લિટર દેશી દારૂ કબ્જે કર્યો હતો. આ દારૂમાં ઓરેન્જ ફલેવર ભેળવી પાઉચ બનાવી વેંચવામાં આવતાં હતાં. પોલીસે પાઉચ બનાવવા માટેનાં ઇલેક્ટ્રીક સીલીંગ મશીન બે નંગ, પ્લાસ્ટકીના પાઉચ બનાવવાના ૧૪ રોલ, ટીનનું તપેલુ, દારૂની હેરાફેરી કરવા માટે વપરાતી રિક્ષા જીજે૦૩એનડી-૮૦૫૫, બે ટુવ્હીલર, બે મોબાઇલ ફોન મળી ૩,૨૪,૫૦૦નો મુદ્દામાલ કબ્જે કર્યો છે. અહિથી ઝડપાયેલા શખ્સોએ પોતાના નામ માનસિંગ હરેશભાઇ રીબડીયા (રહે. રતનપર) અને રવિ ચંદ્રશેખર મંડલ (રહે. બડી ચોકડી પાસે ઝૂપડામાં, મુળ એમપી)ને પકડી લીધા હતાં. અન્ય બે શખ્સો કેવલ ઉર્ફ કાનો અને પરેશ સુનરાના નામ ખુલ્યા હતાં. કેવલ રિક્ષામાં દારૂ લાવ્યો હતો અને અને પરેશે આ જથ્થો મોકલ્યો હતો.
(3:11 PM IST)










