News of Thursday, 31st July 2025
જંકશન રેલ્વે પોલીસ સ્ટેશનમાં મહિલા એએસઆઇના પતિ રાજેન્દ્રભાઇ વ્યાસનું હૃદય બેસી જવાથી મોત
એએસઆઇ ઇલાબેન વ્યાસ આજે નિવૃત થતાં હોઇ સાંજે કામ માટે પોલીસ સ્ટેશને પતિ સાથે આવ્યા હતાં: બનાવથી સાથી કર્મચારીઓ, પરિવારજનોમાં ગમગીની

રાજકોટ તા. ૩૧: જિંદગીની સફરનો અંત ક્યારે અને કેવી રીતે તેમજ ક્યાં આવી જાય તેની કોઇને ખબર હોતી નથી. શહેરના રેલનગરમાં રહેતાં એક વૃધ્ધ સાંજે જંકશન રેલ્વે સ્ટેશન પર આવેલા રેલ્વે પોલીસ સ્ટેશન ખાતે બેભાન થઇ ઢળી પડયા બાદ મોત થયું હતું. હાર્ટએટેક તેમના માટે જીવલેણ નિવડયો હતો. આ વૃધ્ધના પત્નિ કે જેઓ રેલ્વે પોલીસમાં એએસઆઇ તેઓ આજે વય મર્યાદાના કારણે નિવૃત થવાના હોઇ સાંજે તેઓ પત્નિ સાથે રેલ્વે સ્ટેશને કોઇ કામ માટે આવ્યા હતાં ત્યારે આ બનાવ બન્યો હતો.
જાણવા મળ્યા મુજબ રેલનગર શ્રીઅંબે પ્રાઇડ એપાર્ટમેન્ટમાં રહેતાં રાજેન્દ્રભાઇ બેચરભાઇ વ્યાસ (ઉ.વ.૬૮) સાંજે સાડા આઠેક વાગ્યે જંકશન સ્ટેશનના રેલ્વે પોલીસ સ્ટેશન ખાતે હતાં ત્યારે એકાએક ઢળી પડતાં બેભાન હાલતમાં સિવિલ હોસ્પિટલમાં ખસેડાયા હતાં. પરંતુ અહિ તબિબે તેમને નિષ્પ્રાણ જાહેર કર્યા હતાં.
હોસ્પિટલ ચોકીના રામશીભાઇ વરૂ, મહેશભાઇ જોગડા, ધર્મેન્દ્રભાઇ, પરેશભાઇ અને ધર્મેશભાઇએ જાણ કરતાં રેલ્વે પોલીસે કાર્યવાહી કરી હતી. મૃત્યુ પામનાર રાજેન્દ્રભાઇને સંતાનમાં એક દિકરી અને એક દિકરો છે. દિકરો ક્રોમાના શો રૂમમાં નોકરી કરે છે. રાજેન્દ્રભાઇ નિવૃત જીવન જીવતા હતાં. તેમના પત્નિ ઇલાબેન વ્યાસ રેલ્વે પોલીસમાં એએસઆઇ હોઇ તેઓ આજે નિવૃત થવાના હોઇ સાંજે તેણી પોલીસ સ્ટેશને કોઇ કામ માટે આવ્યા હતાં.
તેમને વાહન ચલાવતાં આવડતું ન હોઇ પતિ રાજેન્દ્રભાઇ તેમને ટુવ્હીલરમાં બેસાડીને અહિ આવ્યા હતાં. ત્યારે પોલીસ સ્ટેશનમાં જ તેમને હાર્ટએટેક આવી ગયો હતો. આ બનાવથી રેલ્વે પોલીસ સ્ટેશનમાં, પરિવારજનોમાં ગમગીની વ્યાપી ગઇ હતી. (૧૪.૫)
(2:28 PM IST)










