News of Thursday, 31st July 2025
લોકમેળામાં અઘોરી ગ્રુપ સહિત પાંચ નામાંકિત કલાકારો જમાવટ કરશેઃ ફોર્મ ભરવાનો આજે છેલ્લો દિ': કાલથી હરરાજી
બાકી રહેતા સ્ટોલ વિવિધ સંસ્થાઓ-કોર્પોરેશનને ફાળવી દેવાશેઃ મેળાના ‘નામ' માટે ઢગલાબંધ અરજીઓ

રાજકોટ, તા.૩૧: રેસકોર્ષમાં યોજાનાર લોકમેળા અંગે આમ તંત્ર દ્વારા તમામ તૈયારીઓ શરૂ કરી છે. પત્રકારો સાથેની વાતચીતમાં કલેકટર ઓમ પ્રકાશ જણાવ્યું હતું કે આગામી લોકમેળાને ભવ્ય બનાવવા માટેની તૈયારીઓ પૂરજોશમાં ચાલી રહી છે, તેમણે જણાવ્યું હતું કે, લોકમેળામાં લોકોની મનોરંજન માટે અમદાવાદના વિખ્યાત અઘોરી ગ્રુપ સહિત કુલ પાંચ નામાંકિત કલાકારોને કાર્યક્રમ માટે બુક કરવામાં આવ્યા છે. આ પાંચેય કલાકારો પાંચ દિવસ સુધી લોકોને મંત્રમુગ્ધ કરી દે તેવું પર્ફોમન્સ આપશે.
ગુજરાત ટુરીઝમ દ્વારા આ લોકમેળામાં કચ્છના લોકગાયક અનિરુદ્ધ આહીર, અમદાવાદનું અઘોરી ગ્રુપ, રૂઝૂ દવે, અલ્પા પટેલ, અને રાજ ગઢવી સહિતના નામી કલાકારો પોતાની કલાનો જાદુ પાથરશે.
દરમિયાન, રાજકોટ સિટી પ્રાંત ૧ દ્વારા જાહેરાત કરવામાં આવી છે. બાકી રહેલા ૧૪૩ સ્ટોલ માટે ફોર્મ જમા કરાવવાનો આજે છેલ્લો દિવસ છે. હવે પછી સ્ટોલ માટેના ફોર્મ સ્વીકારવામાં આવશે નહીં. આવતીકાલ, શુક્રવાર અને શનિવારના રોજ આ સ્ટોલ માટેની હરાજી પ્રક્રિયા હાથ ધરવામાં આવશે. ગઈકાલે આઈક્રમ ચોકઠા માટે ૩ સહિત વધુ પાંચ ફોર્મ ભરાયા છે. વધુ ૨૮ ઉપડયા હતા, આજે જે કાંઈ યોર્મ ભરાશે તેની હરરાજી થશે.
વધુમાં કલેક્ટર ઓમ પ્રકાશે જણાવ્યું હતું કે, આવતીકાલ બાદ પણ જો પૂરતા ફોર્મ આવશે નહીં તો આગામી સમયમાં વિવિધ સંસ્થાઓ તેમજ કોર્પોરેશન દ્વારા વધારાના સ્ટોલની માગણી કરવામાં આવી છે તેમને પણ ફાળવવામાં આવશે.
તેમણે ઉમેર્યું હતું કે, ટૂંક સમયમાં જ સુધીમાં મેળાના શીર્ષક (નામ) માટેની ઘણી યાદીઓ આવી છે. ટૂંક સમયમાં જ લોકમેળાનું સત્તાવાર નામ જાહેર કરવામાં આવશે.
(3:33 PM IST)










