<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Thursday, 31st July 2025

સત્‍યમ પાર્કના જયદિપ મુછડીયા પર મહાદેવ વાડીમાં ધોકા-પાઇપથી હુમલોઃ હાથ ભાંગી ગયો

અગાઉ થયેલી માથાકુટનો ખાર રાખી પાર્થ, હાર્દિક ભટ્ટ અને યશ તૂટી પડયા : જુની કાર લેવાની હોઇ યુવાન મિત્રો સાથે કાર જોવા જવા માટે નીકળ્‍યો ત્‍યારે બનાવઃ માલવીયાનગર પોલીસે હુમલો, એટ્રોસીટી એક્‍ટ હેઠળ ગુનો નોંધ્‍યો

 

રાજકોટ તા. ૩૧: જુના મનદુઃખને સત્‍યમ પાર્ક સોસાયટીના યુવાન પર મહાદેવ વાડીમાં ત્રણ શખ્‍સોએ ધોકા-પાઇપથી હુમલો કરી જ્ઞાતિ પ્રત્‍યે અપમાનીત કરી બેફામ માર મારતાં હાથ ભાંગી ગયો હતો. આ બનાવ અંગે માલવીયાનગર પોલીસે ૮૦ ફુટ રોડ સત્‍યમ પાર્ક સોસાયટી-૨માં રહેતાં અને શેર બજારનું કામ કરતાં જયદિપ હર્ષદભાઇ મુછડીયા (ઉ.વ.૨૨)ની ફરિયાદ પરથી પાર્થ, હાર્દિક ભટ્ટ અને યશ વિરૂધ્‍ધ જ્ઞાતિ પ્રત્‍યે અપમાનીત કરી ધોકા-સ્‍ટીલના પાઇપથી માર મારવાનો ગુનો નોંધ્‍યો છે.

જયદિપ મુછડીયા રાજકોટ પરિવાર સાથે રહે છે અને દોઢેક વર્ષથી અમદાવાદ પારસનગર ખાતે શેર માર્કેટનું કામ કરે છે. તે બે ભાઇમાં નાનો છે, મોટા ભાઇ મીલનભાઇ રાજકોટ પ્રાઇવેટ કંપનીમાં નોકરી કરે છે. પિતાજી નિવૃત જીવન જીવે છે. જયદિપે જણાવ્‍યું હતું કે ૨૪/૫/૨૫ના સાંજે ચારેક વાગ્‍યે હું અને મિત્રો વિજય દેવજીભાઇ સિંધવ, આશિષ સોલંકી એમ ત્રણેય નાના મવા રોડ મારવાડી બિલ્‍ડીંગ પાસે ભેગા થયા હતાં. મારે અને આશિષને ભાગીદારીમાં જુની કાર લેવાની હોઇ વિજય આ કાર બતાવવાનો હતો. અહિથી અમે ત્રણેય એક્‍ટીવામાં કાર જોવા માટે મહાદેવ વાડી મેઇન રોડ પરથી નીકળ્‍યા હતાં. અહિ સીટી કોર્ન નામની દૂકાને કોલ્‍ડ્રીંક પીવા ઉભા હતાં.

આ વખતે ત્‍યાં પાર્થ, હાર્દિક અને યશ ઉભા હતાં. આ લોકોના હાથમાં ધોકા-સ્‍ટીલના પાઇપ હતાં. ત્રણેય મારી પાસે આવ્‍યા હતાં. પાર્થએ મને આવ...કહી મારો કોલર પકડયો હતો અને જ્ઞાતિ પ્રત્‍યે અપમાનીત કરતાં શબ્‍દો કહ્યા હતાં. હાર્દિકે અને યશે પણ મને અપમાનીત કરતાં શબ્‍દો કહેતાં તેને શાીંતથી વાત કરવાનું કહેતાં ત્રણેયએ હુમલો કરી માર માર્યો હતો. પાર્થએ પાઇપનો ઘા કરતાં મેં હાથ આડે રાખતાં કોણીના ભાગે ઘા લાગી ગયો હતો. હાર્દિક અને યશે ધોકાથી પગ પાછળ ઘા ફટકાર્યા હતાં. એ પછી પાર્થે કોલર પકડી મને રોડ પર ઢસડયો હતો. હું કોલર છોડાવી નજીકમાં મારા દાદીનું ઘર હોઇ તે તરફ ભાગ્‍યો હતો. દાદીના ઘરની ડેલી અંદરથી બંધ હતી. એ દરમિયાન આ ત્રણેય પાછળ આવી ગયા હતાં.

ત્‍યાં પણ મને ફરીથી આડેધડ માર માર્યો હતો. હાર્દિક ધોકો મારવા જતાં જમણો હાથ આડો રખતાં કાંડા પાસે ઘા લાગી ગયો હતો.  આ ત્રણેય જેમ તેમ બોલતા હોઇ મેં રાડારાડી કરતાં મારા દાદીમા આવી ગયા હતાં. આ વખતે હું નીચે પડી ગયો હતો. મને દાદીમાએ વધુ મારથી છોડાવ્‍યો હતો. આ દરમિયાન મારા મિત્ર વિજય આવી ગયો હતો. તે મને નજીકમાં ડો. રાણપરીયાના દવાખાને લઇ ગયો હતો. ડાબા હાથે ટાંકા આવ્‍યા હતાં અને માથામાં પણ ઇજા હોઇ પાટો બાંધ્‍યો હતો. ત્‍યાં કાકાનો દિકરો કલ્‍પેશ મુછડીયા આવી ગયો હતો. જમણા હાથે વધુ દુઃખાવો હોઇ ૧૦૮ બોલાવી હોસ્‍પિટલમાં દાખલ થતાં અહિ રિપોર્ટ થતાં ફ્રેકચર હોવાનું નિદાન થયું હતું. જે તે વખતે સિવિલ હોસ્‍પિટલ ખાતે પોલીસ સ્‍ટાફ આવ્‍યો હતો પરંતુ મેં પરિવારના સભ્‍યો હાજર ન હોઇ હું ગભરાયેલો હોઉ જેથી ફરિયાદ કરી નહોતી. દરમિયાન મને હોસ્‍પિટલમાંથી રજા આપી હતી.

હવે સારવાર બાદ મેં ફરિયાદ નોંધાવવાનું નક્કી કર્યુ હતું. આ હુમલાનું કારણ એ છે કે પાર્થ, હાર્દિક, યશ સાથે  મારે અગાઉ ઝઘડો થયો હોઇ તેનો ખાર રાખી તેણે મને જ્ઞાતિ પ્રત્‍યે અપમાનીત કરી ધોકા-પાઇપથી ફટકારી હાથ ભાંગી નાંખ્‍યો હતો. પીઆઇ જે. આર. દેસાઇની રાહબરીમાં પીએસઆઇ પી. વી. ડોડીયાએ ગુનો દાખલ કરતાં વધુ તપાસ હાથ ધરવામાં આવી છે.

(3:51 PM IST)