News of Sunday, 3rd August 2025
રાજકોટના જમીન મકાનના ધંધાર્થીની સ્વીફટ કાર ફલ્લાના બાપ-દિકરાએ બારોબાર સુરત વેંચી નાંખીઃ તાલુકા પોલીસમાં ફરિયાદ
ચાર લાખમાં પ્રવિણભાઇ પાંભરે કાર વેંચી તેના ૫૦ હજાર પ્રભુદાસે દીધા હતાં: બાકીના ૩ાા લાખ ન દીધા અને કાર પણ વેંચી મારી

રાજકોટઃ શહેરના મવડી વિસ્તારમાં રહેતાં જમીન-મકાનના ધંધાર્થીએ ખરીદેલી કાર મિત્ર મારફત જામનગરના ફલ્લા ખાતે રહેતાં શખ્સને ૪ લાખમાં વેંચતા તેણે ૫૦ હજાર ગૂગલપેથી ચુકવી બાકીના ૩,૫૦,૦૦૦ આજ સુધી નહિ આપતાં અને બીજી તરફ આ કાર સુરતના એક કારમેળા પાસે પહોંચી જતાં તપાસ કરતાં ફલ્લાના આ શખ્સે તેના દિકરા સાથે મળી બારોબાર સુરતમાં કાર વેંચી નાખી હોવાનું જણાતાં ઠગાઇ થયાની ખબર પડી હતી. આ બનાવમાં તાલુકા પોલીસે મવડી ગુરૂકુળ પાસે પરમેશ્વર સોસાયટી-૨માં રહેતાં પ્રવિણભાઇ જસમતભાઇ પાંભર (ઉ.વ.૪૨)ની ફરિયાદ પરથી જામનગરના ફલ્લા પ્રભુદાસ સેવાદાસ સોલંકી તથા રાજદાસ પ્રભુદાસ સોલંકીની ફરિયાદ પરથી ઠગાઇનો ગુનો નોંધ્યો છે.
પ્રવીણભાઇ જમીન મકાન લે-વેંચનું કામ કરી ગુજરાન ચલાવે છે. તેણે જણાવ્યું છે કે હું મારા પત્નિ જયશ્રી, પુત્ર પ્રીત સાથે રહું છું. મારા માતા-પિતા નનાવડા ગામે રહે છે. અમે બે ભાઇઓ છીએ. જેમાં મોટા જયેશભાઇ રાજકોટમાં અલગ રહે છે. મેં ૨૦૨૩માં કારની જરૂર હોઇ જેથી મારા મિત્ર પાર્થ પાડલીયા જે કાર લે-વેંચનું કામ કરે છે તેની પાસેથી વીડીઆઇ કાર લેવાની વાત કરતાં તેણે મને ફોટા મોકલ્યા હતાં. એ પછી મને એક કાર ગમી ગઇ હતી. જેના ભાવ તેણે ૪,૫૦,૦૦૦ કહ્યા હતાં. મેં હા પાડતાં તા. ૨/૬/૨૩ના રોજ હું અને પાર્થ વડોદરા કાર જોવા ગયા હતાં. ત્યાં નંદલાલ હરીલાલ રાઠોડના ઘરે ગયેલા અને જીજે૦૬એચએસ-૭૨૪૭ નંબરની કાર મને બતાવી હતી. જે મેં ૪,૫૦,૦૦૦માં ખરીદી હતી
હું અને મારો મિત્ર પાર્થ કાર લઇને રાજકોટ આવ્યા હતાં. બાદ પંદર વીસ દિવસ મેં કાર ચલાવી હતી. પરંતુ મને ગમતી ન હોઇ ૨૫/૬/૨૩ના રોજ મેં ઓમનગર સર્કલ પાસે ક્રિષ્ના ચોક પટેલ એલાયમેન્ટ ખાતે મિત્ર પાર્થ પ્રફુલભાઇ પાડલીયાનું ગુરેજ હોઇ ત્યાં ૪ લાખમાં વેંચવા માટે મુકી હતી. ૩૦/૬ના રોજ હું ઘરે હતો ત્યારે પાર્થનો ફોન આવ્યો હતો કે જામનગર રહેતાં પ્રભુદાસ સેવાદાસ સોલંકીના ઘરે જવાનું છે, તેને કાર બતાવવાની છે. જેથી હું અને પાર્થ જામનગરના ફલ્લા ગામે પ્ભુદાસ સોલંકીને મળ્યા હતાં. પ્રભુદાસની ઇકો કાર પાર્થને લવી હતી. જેથી તેણે ૩,૯૦,૦૦૦ રોકડા આપી પાર્થએ ઇકો ખરીદ કરી હતી.
એ પછી અમે રાજકોટ આવી ગયા હતાં. ત્યારે પાર્થનો ફોન આવ્યો હતો કે ફલ્લાવાળા પ્રભુદાસને તમારી સ્વીફટ કાર ગમે છે વેંચવી હોય તો વાત કરું. મેં હા પાડતાં ૪ લાખમાં કાર આપી દેવાની છે તેમ કહ્યું હતું. બાદ પ્રભુદાસનો ફોન આવોેલ અને કહ્યું કે મારા દિકરા રાજદાસને મોકલુ છુ તેને કાર આપી દેજો હું પૈસા તમારા ખાતામાં નાખી દઇશ. જેથી બીજા દિવસે રાજદાસ આવતાં મેં કાર આપી દીધી હતી. પ્રભુદાસે ગૂગલપેથી મારા ખાતામાં ૫૦,૦૦૦ મોકલ્યા હતાં. બાકીના ૩,૫૦,૦૦૦ ૨૦/૭/૨૩ના આપી દેશે તેમ કહ્યું હતું. પરંતુ બાદમાં વારંવાર ફોન કરવા છતાં અને ઉઘરાણી કરવા છતાં ૩,૫૦,૦૦૦ પ્રભુદાસે મને આપ્યા નથી.
હું ઉઘરાણી કરુ તો અલગ અલગ બહાના બતાવતો હતો. પછી પ્રભુદાસે મારો ફોન બ્લોકલિસ્ટમાં નાખી દીધો હતો. વ્હો્ટએપમાં વાત કરુ તો તે અલગ અલગ તારીખના વાયદા આપે છે અને બહાના બતાવે છે. બાદમાં અમે ૧૫/૧૧/૨૩ના રોજ રૂબરૂ મિત્ર પાર્થને લઇને પ્ભુદાસને મળવા જતાં તેણે કહેલું કે હાલ મારી પાસે પૈસા નથી. મેં મારી ગાડી પાછી માંગતા તેણે કહેલુ કે તમારી ગાડી મુંબઇ મારા આશ્રમ ખાતે પડી છે. આથી અમે પાછા આવી ગયા હતાં. ૧૪/૫/૨૪ના રોજ નંદલાલે કાર મારા નામે કરી આપી હતી. બાદ ૨૫/૫/૨૫ના રોજ હું અને મિત્ર પાર્થના ગેરેજ ખાતે હતો ત્યારે નંદલાલનો ફોન આવ્યો હતો કે સુરતના કુબેર કાર મેળાવાળા રાહુલ ભાડનો ફોન આવ્યો છે અને તે સ્વીફટ કારની એનઓસી, ટીટીઓ ફોર્મ માંગે છે. જેથી મેં રાહુલને તેની પાસે કાર ક્યાંથી આવી? પુછતાં તેણે ેઅક ડિલરે આપી છે તેમ કહ્યું હતું. જેથી અમે તપાસ કરતાં ખબર પડી હતી કે મારી કાર બારોબાર પ્રભુદાસ સોલંકી અને તેના દિકરા રાજદાસે વેંચી નાંખી છે. તાલુકા પીઆઇ ડી. એમ. હરીપરાના માર્ગદર્શનમાં એએસઆઇ કે. પી. સાગરે ગુનો નોંધી તપાસ હાથ ધરી છે.
(11:13 AM IST)










