News of Wednesday, 6th August 2025
માધવ વાટીકા સોસાયટીની સમસ્યાઓ તુરત દુર નહી થાય તો ગાંધી ચિંધ્યા માર્ગે આંદોલન
વોર્ડ નં. ૬ ના રહેવાસીઓની હાલાકી દુર કરવા આપની ચિમકી

રાજકોટ, તા., ૬: શહેરના વિવિધ વિસ્તારોમાં મનપા દ્વારા વિકાસકામો કરવામાં આવી રહયા છે. ત્યારે વોર્ડ નં. ૬ ની માધવ વાટીકા સોસાયટીના રહેવાસીઓ હજી પણ તુટેલા રસ્તાઓ-ગંદકી વચ્ચે રહેવા મજબુર બન્યા છે. આ અંગે આજે આમ આદમી પાર્ટીના શહેર અધ્યક્ષ દિનેશભાઇ જોષીની આગેવાનીમાં લતાવાસીઓ દ્વારા ફરી એક વાર મનપા સતાધીશોને ઢંઢોળવા રજુઆત કરી હતી.
રજુઆતમાં જણાવ્યા મુજબ વોર્ડ નં. ૬ ના માધવ વાટીકા સોસાયટીના લોકોની રજુઆતો કચેરીમાં અવાર નવાર લેખિત તથા મૌખીક રીતે કરેલ છતા પણ આજ દિવસ સુધી કોઈ સમસ્યાનો ઉકેલ થયેલ નથી. જે બાબતે તાત્કાલીક ધોરણે ત્યાંના વિસ્તારમાં વસતા લોકોની સમસ્યાઓનું નિરાકરણ જરૂરી બન્યુ છે.
આ વોર્ડ નંબર-૬ ના લોકો વર્ષોથી વેરો ભરે છે પરંતુ સુવિધાના નામે શૂન્ય છે, ઠેર ઠેર ગંદકીનું સામ્રાજય, બિસ્માર હાલતમાં રોડ રસ્તા, બાળકો માટે આંગણવાડીની સુવિધા ઉપલબ્ધ નથી, લોકો માંડ માંડ કરી ઘરનું પુર કરતા હોય અને સમય સમયસર ભરી ન શકો તો ૧૮% જેવું તોતિંગ વ્યાજ લેવાય છે. માનવી ત્યાં સુવિધા એ અમારો હકક છે. નાના બાળકોને આંગણવાડીના અભાવે દુર દુર સુધી મુકવા જવા પડે છે.
આ વિસ્તારમાં ત્રણ વર્ષ પહેલા રોડનું ખાત મુહુર્ત કરવામાં આવેલ છે પરંતુ ખાતમુહર્ત બાદ રોડ બનાવવામાં આવેલ નથી. આના કારણે લોકોને ઘણી હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે . તેમજ સ્ટ્રીટ લાઈટનો અભાવ આ વિસ્તારમાં છે. તંત્ર અને ચૂંટાયેલા પ્રતિનિધીઓને સમસ્યાઓનુ અવાર નવાર લેખીત રજુઆતો કરી છે છતાં પણ આ સમસ્યાઓનું કોઈ નિવારણ થયું નથી.
આ વિસ્તારના લોકોને પડતી મુશ્કેલીઓનો તાત્કાલીક ધોરણે નિકાલ કરો. જો આ કામગીરી કરવામાં વિલંબ થશે તો ગાંધી ચિંંધ્યા રાહે આ વિસ્તારના લોકોના હિત માટે આંદોલન કરવાની ફરજ પડશે તેમ પણ રજુઆતના અંતે ચિમકી ઉચ્ચારવામાં આવી હતી.(તસ્વીરઃ અશોક બગથરીયા)
(2:55 PM IST)










