તા. ૨૮ નવેમ્બરે ર૦ર૫ વિક્રમ સંવત ર૦૮૨ માગશર સુદ – ૮ શુક્રવાર
News of Thursday, 7th August 2025
બરકતીનગરમાં સદામ શેખ અને સાઢુ આસીફ શેખ પર પરપ્રાંતિય શખ્સોનો હુમલોઃ પથ્થરમારો
બે વર્ષનો ટાબરીયો ઘર પાસે રમતો હોઇ બાઇકચાલકે ‘આને લઇ લ્યો નહિતર : કચડી નાંખીશ' તેમ કહી ડખ્ખો કર્યોઃ બંને સાઢુ સારવારમાં દાખલ થતાં તાલુકા પોલીસે કાર્યવાહી કરી

રાજકોટ તા. ૭: શહેરના કોઠારીયા સોલવન્ટ બરકતીનગરમાં રહેતાં બે સાઢુ ભાઇ પર આ વિસ્તારના યુપીના શખ્સોએ હુમલો કરી ઢીકાપાટુનો માર મારી તેમજ હાથમાં પહેરવાના કડા અને ધોકા, પથ્થરથી ઇજા કરતાં બંનેને સારવાર માટે ખસેડાયા હતાં. બે વર્ષનો દિકરો ઘર પાસે રમતો હતો ત્યારે પરપ્રાંતિય શખ્સ બાઇક લઇને નીકળતાં આને સાઇડમાં લઇ લ્યો નહિતર કચડી નાંખીશ તેવું બોલતાં તેને સમજાવવા જતાં આ માથાકુટ થઇ હતી.
જાણવા મળ્યા મુજબ કોઠારીયા સોલવન્ટ બરકતીનગરમાં રહેતાં અને છુટક મજૂરી કરતાં સદામ મોહમ્મદઅલી શેખ (ઉ.વ.૩૧) સાંજે સાતેક વાગ્યે ઘરે હતાં ત્યારે યુપીના શખ્સોએ ઝઘડો કરી ઢીકાપાટા મારી તેમજ કડાથી માર મારતાં ઇજા થઇ હતી. આ દરમિયાન તેણે પોતાના સાઢુ પાછળની શેરીમાં રહેતાં આસીફ હસનઅલી શેખ (ઉ.વ.૨૮)ને ફોન કરી બોલાવ્યા હતાં. તે હુમલો કરનારાઓને સમજાવવા જતાં તેના પર પણ હુમલો કરી ધોકા-ઢીકાપાટા મારી તેમજ પથ્થરમારો કરી ઇજા પહોંચાડતાં બંને સાઢુને સિવિલ હોસ્પિટલમાં ખસેડાયા હતાં. ં
આસીફ શેખે જણાવ્યું હતું કે મારા સાઢુ સદામ શેખનો બે વર્ષનો દિકરો શેરીમાં રમતો હોઇ બિહારી શખ્સ બાઇક લઇને નીકળતાં તેણે આ છોકરાને સાઇડમાં રાખો નહિતર કચડી નાંખીશ તેવુ બોલતાં તેને મારા સાઢુએ સમજાવતાં માથાકુટ કરી હતી.
સામા પક્ષે ઇન્દ્રાવતીદેવી કુશવાહાને ઇજા
સામા પક્ષે બરકતીનગર-૪માં રહેતાં મુળ યુપીના ઇન્દ્રાવતીદેવી રામકેદાર કુશવાહા (ઉ.વ.૪૫) પણ પોતાના પર આસીફ , જેનેદ સહિતનાએ પથ્થર, ધોકા, ઇંટથી હુમલો કરી ઇજા પહોંચાડયાની ફરિયાદ સાથે સિવિલ હોસ્પિટલમાં દાખલ થયા હતાં. ઇન્દ્રાવતીદેવીએ કહ્યું હતું કે મારા પતિ કારખાનામાં કામ કરે છે અને હું શાકભાજી વેંચુ છું. મારા વીસ વર્ષના દિકરા રવિ સાથે મુસ્લિમ શખ્સના દિકરાને મોબાઇલમાં ગેમ રમતી વખતે ગાળાગાળી થઇ હતી. આ પછી એ છોકરાના વડીલો આસીફભાઇ સહિતના મારા દિકરા સાથે માથાકુટ કરવા આવ્યા હતાં અને મારકુટ કરવા માંડતાં હું વચ્ચે પડતાં મારા પર પથ્થર, ઇંટના ઘા કરી ધોકાથી માર માર્યો હતો.
ત્રણેય બનાવની જાણ હોસ્પિટલ ચોકીના એએસઆઇ રામશીભાઇ વરૂ, મહેશભા જોગડા, પ્રકાશભાઇ રાઠોડ, ધર્મેન્દ્રભાઇ હુદડ અને ધર્મેન્દ્રભાઇ ચાવડાએ તાલુકા પોલીસને જાણ કરતાં એએઅસાઇ જોષી, હેડકોન્સ. કિરીટભાઇ રામાવત સહિતે ફરિયાદ નિવેદન નોંધવા તજવીજ કરી હતી.
(3:32 PM IST)










