<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Thursday, 7th August 2025

હાશ....કટારીયા બ્રિજના કામ માટે કાલાવડ રોડ સંપૂર્ણ બંધ નહીં થાય

સર્વિસ રોડનું કામ પૂર્ણ થયા બાદ જરૂર પૂરતો રોડ બંધ કરાશેઃ બન્ને સાઇડ સર્વિસ રોડ ઉપર વાહન વ્‍યવહાર ધમધમતો રહેશે

રાજકોટ તા.૭: મહાનગરપાલિકા દ્વારા કાલાવડ રોડ ઉપર કટારીયા ચોકડી ખાતે નિર્માણાધિન આઇકોનિક ફ્‌લાય ઓવરબ્રિજના કામે કાલાવડ રોડ કયારેય સંપૂર્ણ બંધ કરવામાં નહીં આવે તેમ મ્‍યુનિ.સૂત્રોએ જણાવ્‍યું હતું. તાજેતરમાં ડાયવર્ઝન રૂટ અંગેનું જાહેરનામું પ્રસિધ્‍ધ કરાયું છે પરંતુ તે વૈકલ્‍પિક વ્‍યવસ્‍થાના ભાગરૂપે છે. બ્રિજના નિર્માણકાર્યના પ્રારંભ પૂર્વે જ કાલાવડ રોડની બન્ને સાઇડ સર્વિસ રોડ બની જશે. સર્વિસ રોડ ઉપર વાહન વ્‍યવહાર ચાલુ રહેશે અને સાથે સાથે બેરીકેડિંગની અંદર બ્રિજનું નિર્માણ કાર્ય પણ ચાલુ રહેશે.

વિશેષમાં મ્‍યુનિ.સૂત્રોએ જણાવ્‍યું હતું કે, ડાયવર્ઝન રૂટ તો એટલા માટે બનાવ્‍યા છે કે જ્‍યારે સર્વિસ રોડ ઉપર ટ્રાફિક થાય તો વાહનોને પસાર થવા માટે વૈકલ્‍પિક રસ્‍તો મળી રહે તદઉપરાંત મેટોડા અને શાપર જીઆઇડીસીમાંથી આવતા-જતા ભારે વાહનો પણ ત્‍યાંથી પસાર થઇ શકે. ખાસ કરીને ભારે વાહનો માટે તો અલગ રોડ બનાવ્‍યો છે. એકંદરે કાલાવડ રોડ ઉપરથી પસાર થતા રોજિંદા વાહનો રાબેતા મુજબ જ પસાર થઇ શકશે તેમને કોઇ અડચણ થશે નહીં.

કટારીયા ચોકમાં નીચે અન્‍ડર પાસ અને ઉપર આઇકોનીક ફ્‌લાય ઓવર બ્રિજનું નિર્માણ થનાર છે, આ પ્રોજેક્‍ટની મુદત ૩૦ માસ છે. જ્‍યારે કટારીયા ચોકમાં અન્‍ડર પાસના બે બોક્‍સનું નિર્માણ થશે ત્‍યારે ત્રણ મહિના સુધી કાલાવડ રોડ સંપૂર્ણ બંધ રહેશે અને સમગ્ર વાહન વ્‍યવહાર ડાયવર્ઝન રૂટ ઉપર ચાલશે.પરંતુ તે સમય આવતા હજુ આઠેક મહિના વિતશે તેમ મ્‍યુનિ.સૂત્રોએ જણાવ્‍યું હતું.

રાજકોટ શહેર ખાતે આવેલ કાલાવડ રોડ ૧૫૦ ફુટ રીંગ રોડ-ર, કટારીયા ચોકડી પર ફ્‌લાય ઓવર બ્રિજ તથા અંડરપાસ (બ્રિજ) બનાવવાની કામગીરી અન્‍વયે રોડની બંને બાજુએ સર્વિસ રોડ બનાવાયા છે, આથી કટારીયા ચોકડી ખાતેનો ટ્રાફિક બંધ કરી અન્‍ય વૈકલ્‍પિક રસ્‍તાઓ પર ટ્રાફિકને ડાયવર્ટ કરવા પ્રતિબંધિત રૂટ તથા વૈકલ્‍પિક રૂટ અંગેના આદેશો પોલીસ કમિશનર બ્રજેશ કુમાર ઝાએ જારી કર્યા છે, જેમાં જણાવ્‍યા મુજબ રાજકોટના કણકોટ પાટીયાથી વીર-વિરૂ તળાવવાળા રસ્‍તેથી ૧૫૦-ફુટ રીંગ રોડ-ર માટે વૈકલ્‍પિક રૂટ ૧૫૦-ફુટ રીંગરોડ-ર જામનગર રોડ રોડથી કાલાવડ રોડથી ૧૫૦-ફુટ રિંગ રોડ-ર ગોંડલ રોડ તરફ આવતા ભારે તથા ઇન્‍ડસ્‍ટ્રીયલ વાહનો માટે આવવા જવા માટે ૧૫૦-ફુટ રિંગ રોડ-રથી રત્‍નવિલાસ પેલેસવાળા રસ્‍તે થઇ કાલાવડ રોડ કણકોટ પાટીયાથી વીર-વિરૂ તળાવવાળા રસ્‍તેથી ૧૫૦-ફુટ રીંગરોડ-ર થી અવર-જવર કરી શકાશે. આ આદેશ ફરજ પરના પોલીસના વાહનો, એમ્‍બ્‍યુલન્‍સ, શબવાહીની, ફાયર બ્રિગેડના વાહનો તેમજ સરકારી વાહનોને આકસ્‍મિક સંજોગોમાં લાગુ પડશે નહીં.જેનો ભંગ કે ઉલ્લંઘન કરનાર  સામે શિક્ષાત્‍મક પગલા લેવામાં આવશે.(૨.૨૭)

બ્રિજ કેવો બનશેઃ ટેકનીકલ માહિતી

રાજકોટઃ કટારીયા ચોક ખાતેના બ્રીજની વિગતોમાં ઓવર બ્રીજની લંબાઇ ૮૦૦ મી. રહેશે. પહોળાઇ ર૪ મી.ની બનાવાશે. જયારે અન્‍ડર પાસની લંબાઇ ૬૦૦ મી અને પહોળાઇ ૧૮ મીની નકકી કરવામાં આવી છે. જે કાલાવડ રોડ સ્‍થિત જલારામ ફુડ કોર્ટથી શરૂ થઇ કોસ્‍મોપ્‍લેક્ષ સીનેમાએ પૂર્ણ થશે. જયારે ૧પ૦ ફૂટ રીંગ રોડ સ્‍થિત અંડર પાસ ઘંટેશ્વર તરફથી શરૂ થઇ રંગોલી આવાસ યોજનાએ પૂર્ણ થશે. જેની લંબાઇ ૧૮ મીટર છે. 

(3:35 PM IST)