News of Saturday, 9th August 2025
મેટોડાથી રાજકોટ તાવની દવા લેવા આવેલા વિકાસનું પડી જતાં મોત
કાલાવડ રોડ રાણી ટાવર પાસે બનાવઃ મુળ યુપીના યુવાનને સારવાર માટે સિવિલ હોસ્પિટલમાં ખસેડાયો પણ મૃત્યુ થયું

રાજકોટ તા. ૯: મેટોડા રહેતો મુળ યુપીનો યુવાન તાવ આવતો હોઇ રાજકોટ રાણી ટાવર પાસે દવા લેવા આવ્યો ત્યારે ચાલતો ચાલતો પડી જતાં માથામાં ઇજા થતાં અને બેભાન થઇ જતાં મોત થયું હતું.
જાણવા મળ્યા મુજબ મેટોડા ગેઇટ નં. ૧માં આવેલી જ્યોતિ નામની કંપનીમાં કામ કરતો અને ત્યાં જ રહેતો મુળ યુપીનો વિકાસકુમાર ભોલારામ ચમાર (ઉ.વ.૨૦) નામનો યુવાન ગત સાંજે કાલાવડ રોડ રાણી ટાવર પાસે કેશવ હોસ્પિટલ નજીક ચાલીને જતો હતો ત્યારે પડી જતાં માથામાં ઇજા બેભાન થઇ ગયો હતો. તેને સારવાર માટે સિવિલ હોસ્પિટલમાં ખસેડાયો હતો. પરંતુ અહિ દમ તોડી દીધો હતો.
હોસ્પિટલ ચોકીના રામશીભાઇ વરૂ, મહેશભા જોગડા, ધર્મેન્દ્રભાઇ હુદડ, ધમેન્દ્રભાઇ ચાવડા અને પ્રશાંતભાઇ રાઠોડે જાણ કરતાં તાલુકા પોલીસ સ્ટેશનના હેડકોન્સ. ભોજભાઇ મોભે જરૂરી કાર્યવાહી કરી હતી. મૃત્યુ પામનાર કંપનીમાં કામ કરતો હતો અને ચાર બહેન તથા બે ભાઇમાં નાનો અને અપરિણીત હતો. બનાવથી પરિવારજનોમાં ગમગીની છવાઇ ગઇ હતી. (૧૪.૬)
(2:22 PM IST)










