News of Saturday, 9th August 2025
ભગવતીપરાના પૂલ નીચે માલગાડીની ઠોકરે ચડેલા ૧૪ વર્ષના સુજીતનું મોત
માનસિક અસ્વસ્થ આ તરૂણ ત્રણ દિવસ પહેલા ટ્રેનના ડબ્બા પર ચડી ગયો હતોઃ ત્યારે રેલ્વે પોલીસે આપઘાત કરતો બચાવ્યો હતો : લાતી પ્લોટમાં પિતાને મળવા જતો હતો ત્યારે બનાવ બન્યો હતો

રાજકોટ તા. ૯: ભગવતીપરા પૂલ નીચે ખોડિયારપરા જવાના રસ્તા પર ગઇકાલે એક સગીર છોકરો માલગાડીની ઠોકરે આવી જતાં બંને પગ ગોઠણ પાસેથી કપાઇ જતાં ગંભીર હાલતમાં સારવાર માટે દાખલ કરવામાં આવ્યો હતો. તેનું સારવાર દરમિયાન મોત થતાં પરિવારમાં કલ્પાંત સર્જાયો હતો.
પ્રાપ્ત માહિતી મુજબ ભગવતીપરા શેરી નં. ૫માં સરકારી સ્કૂલ પાસે રહેતો સુજીત રાજેશભાઇ ચોૈહાણ (ઉ.વ.૧૪) સવારે દસેક વાગ્યે ઘરેથી ચાલીને લાતી પ્લોટમાં મજૂરી કરતાં પિતા પાસે જવા નીકળ્યો ત્યારે ભગવતીપરા પૂલ પાસે ખોડિયારપરા જવાના રસ્તે માલગાડીની ઠોકરે આવી જતાં બંને પગમાં ગંભીર ઇજા થતાં સિવિલ હોસ્પિટલમાં ખસેડાતાં બી-ડિવીઝન પોલીસને હોસ્પિટલ ચોકીના રામશીભાઇ વરૂ, મહેશભા જોગડા, ધર્મેન્દ્રભાઇ હુદડ, ધર્મેન્દ્રભાઇ ચાવડા અને પ્રશાંતભાઇ રાઠોડે જાણ કરી હતી. સારવાર દરમિયાન સુજીતનું મોત થયું હતું. મૃત્યુ પામનાર સુરીત ધોરણ-૯માં અભ્યાસ કરતો હતો. આ પરિવાર એક મહિનાથી યુપીથી રાજકોટ રહેવા આવ્યો છે. પિતા છકડો રિક્ષાના ફેરા કરે છે. દિકરાના મૃત્યુથી પરિવારમાં શોક છવાઇ ગયો હતો.
ઉલ્લેખનિય છે કે ત્રણ દિવસ પહેલા માનસિક અસ્વસ્થતા ધરાવતો આ સુજીત માલગાડીના ડબ્બા પર ચઢી ગયો હતો અને ઉપરથી પસાર થતી વિજલાઇન પકડી આપઘાતનો પ્રયાસ કર્યો હતો. ત્યારે રેલ્વે પોલીસે તેનો જીવ બચાવી લીધો હતો. દરમિયાન હવે તે માલગાડીની ઠોકરે આવી જતાં મૃત્યુ થયું હતું.
(2:56 PM IST)










