<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Monday, 11th August 2025

મંદિરોમાં લૂંટ કરતી રાજકોટની ટોળકીને જીલ્લા પોલીસે ઝડપી

કોટડાસાંગાણીના સોળીયા ગામે રોકડીયા હનુમાન મંદિરના મહંતને માર મારી દાગીના-રોકડ લૂંટયા'તા : ગોંડલ હાઇવે પર વાઘેશ્વર મહાદેવ મંદિર, ટંકારાના ખોડિયાર મંદિર તેમજ ચોટીલાના નાની મોલડી ગામે સાધવીને ધમકાવી લૂંટ કરી હતી : કુલ ૪.૪૯ લાખનો મુદ્દામાલ કબ્‍જેઃ હાલ રાજકોટ રહેતાં જેતપુરના રાકેશ ઉર્ફ રાહુલ સોલંકી, વિજય સોલંકી અને રોનક ભટ્ટ ઝડપાયાઃ રાજકોટ હુડકોના સજય ઉર્ફ મુકેશ, પુનીતનગરના દિલીપ ઉર્ર્ફ સરખડીયો અને તેના મિત્રની શોધખોળઃ એસપી હિમકરસિંહના માર્ગદર્શનમાં રૂરલ એલસીબી પીઆઇ વી. વી. ઓડેદરાની ટીમને સફળતા : જે મંદિરોમાં સીસીટીવી ફૂટેજ હોય તેનું ડીવીઆર પણ ઉઠાવી લેતા'તાઃ પોલીસે હાઇવે પરના સીસીટીવી ફૂટેજને આધારે કડી મેળવીઃ ટોળકી અગાઉ ઘરફોડ ચોરીઓ કરતી, હવે લૂંટના રવાડે ચડી હતી

 

 

લૂંટારૂ ટોળકી ઝડપાઇ ગઇ તેની વિગતો જણાવતાં રૂરલ એસપી હિમકરસિંહ તથા સાથે એલસીબી પીઆઇ વી. વી. ઓડેદરા, પીએસઆઇ એચ. સી. ગોહિલ અને તેમની ટીમ તથા ઝડપાયેલા ત્રણેય લૂંટારૂ જોઇ શકાય છે (ફોટોઃ અભિજીત બગથરીયા)

રાજકોટ તા. ૧૧: રાજકોટ ગ્રામ્‍ય વિસ્‍તાર તેમજ સુરેન્‍દ્રનગર અને મોરબી ગ્રામ્‍ય વિસ્‍તારના મંદિરોમાં ત્રાટકી લૂંટ ચલાવતી રાજકોટની ટોળકીને ઝડપી લેવામાં રાજકોટ જીલ્લા પોલીસને સફળતા મળી છે. મુળ જેતપુરના અને હાલ રાજકોટ રહેતાં આ ટોળકીના ત્રણ શખ્‍સોને દબોચી લઇ રોકડ-દાગીના સહિત રૂા. ૪,૪૯,૬૬૯નો મુદ્દામલ કબ્‍જે કર્યો છે. જ્‍યારે અન્‍ય ત્રણ સાગ્રીતોના નામ ખુલતાં તેની શોધખોળ થઇ રહી છે. આ ટોળકીએ રાજકોટના કોટડા સાંગાણી તાબેના સોળીયા ગામે, રાજકોટ ગોંડલ હાઇવે પરના મંદિરમાં, ટંકારાના મંદિરમાં અને નાની મોલડીના મંદિરમાં લૂંટો કરી હતી.

રાજકોટ રૂરલ પોલીસની ટીમ મંદિરોમાં લૂંટ કરતી ટોળકીને શોધી કાઢવા પ્રયત્‍નશીલ હતી અને હાઇવે પરના સીસીટીવી કેમેરાના ફૂટેજ ચકાસી રહી હતી ત્‍યારે એએસઆઇ ઇન્‍દ્રસિંહ જાડેજા, જયવીરસિંહ રાણા, અનિલભાઇ ગુજરાતી, હેડકોન્‍સ. ભગીરથસિંહ જાડેજા, હેડકોન્‍સ. મનોજભાઇ બાયલ, કોન્‍સ. મહિપાલસિંહ ચુડાસમાને બાતમી મળતાંતેના આધારે તથા ટેકનીકલ સોર્સ, સીસીટીવી ફૂટેજ અલગ અલગ લોકોને બતાવી તેના આધારે ટોળકીની બાતમી મેળવી હતી. જે અંતર્ગત પોલીસે લૂંટારૂ ટોળકીના રાકેશ ઉર્ફ રાહુલ મુકેશભાઇ ઉર્ફ મનસુખભાઇ સોલંકી (રહે. મુળ જેતપુર ભાદર સામા કાંઠે, હાલ રાજકોટ કોઠારીયા  હુડકો ચોકડી પાસે ભાડાના મકાનમા શિવધારા સોસાયટી-૧), વિજય મુકેશભાઇ ઉર્ફ મનસખુભાઇ સોલંકી (રહે. મુળ જેતપુર ભાદર સામા કાંઠે, હાલ રાજકોટ શિવમ્‌ પાર્ક કોઠારીયા રોડ) અને રોનક રાજેશભાઇ ગીરજાશંકર ભટ્ટ (રહે. આશાપુરાનગર-૧, કોઠારીયા ચોકડી પાસે)ને ઝડપી લીધા હતાં.

આ ત્રણેયની પુછપરછમાં તેની ટોળકીમાં બીજા ત્રણ શખ્‍સો પણ સામેલ હોવાનું ખુલ્‍યું હતું. જેમાં હુડકો ચોકડીનો સંજય ઉર્ફ મુકેશ જીણાભાઇ સોલંકી, પુનીતનગર પાણીના ટાંકા પાસે રહેતો દિલીપ ઉર્ફ સરખડીયો મનસુખભાઇ પરમાર અને દિલીપનો મિત્ર પણ સામેલ હોઇ તેની શોધખોળ હાથ ધરવામાં આવી છે.

ઝડપાયેલા લૂંટારૂઓએ કબુલાત આપી હતી કે ગત ૨૫/૭ના રોજ રાજકોટ ગોંડલ હાઇવે પર વાઘેશ્વર મહાદેવ મંદિર ખાતે બાઇક પર જઇ મહંતને માર મારી લૂંટ કરી હતી આ અંગે ગોંડલ તાલુકા પોલીસમાં ગુનો નોંધ્‍યો હતો. ત્‍યારબાદ ૩૦/૭ના રોજ ટંકારા પાસે ખોડીયાર માતાના મંદિરમાં ત્રાટકી સાધ્‍વીને ધમકાવી લૂંટ કરી હતી. એ પછી તા. ૨/૮ના રોજ કોટડા સાંગાણીના સોળીયા ગામે રોકડીયા હનુમાનજી મંદિરમાં ત્રાટકી મહંતને માર મારી રોકડ-દાગીના લૂંટી લીધા હતાં. જેમાં ગુનો નોંધાયો હતો. તેમજ તા. ૬/૮ના રોજ ચોટીલાના નાની મોલડી પાસે જય અંબે મંદિરમાં ત્રાટકી સાધ્‍વીને માર મારી લૂંટ કરી હતી. અગાઉ આ ટોળકી ઘરફોડ ચોરીઓ કરતી હતી. પરંતુ હવે લૂંટ ચાલુ કરી હતી. જે મંદિરમાં સીસીટીવી કેમેરા હોઇ ત્‍યાંથી ડીવીઆર પણ સાથે લઇ જઇ ભાંગી નાખતા હતાં.

પકડાયેલ લુંટારૂ ટોળકીના રાકેશ ઉર્ફે  રાહુલ સામે અગાઉ ગોંડલ, જુનાગઢ, જેતપુર અને ધ્રોલમાં ૭ ચોરી સહીતના ગુન્‍હાઓ નોંધાયા છે. જયારે વિજય મુકેશ સોલંકી સામે જેતપુર, ગોંડલ, ધોરાજી, જુનાગઢ અને ધ્રોલમાં ચોરી સહીતના ૧૩ ગુન્‍હાઓ નોંધાયા છે અને રોનક ભટ્ટ સામે ધ્રોલમાં એક ગુન્‍હો નોંધાયો છે. આ ત્રિપુટી તેના સાગ્રીતો સાથે અગાઉ ઘરફોડ ચોરીઓ કરતી હતી અને હવે લુંટના રવાડે ચડી હતી પણ પોલીસે દબોચી લીધા હતા. 

આ કામગીરીમાં રાજકોટ ગ્રામ્‍ય એલ.સી.બી.ના પોલીસ  ઇન્‍સ્‍પેકટર  વી.વી.ઓડેદરા, પો.સબ.ઇન્‍સ. એચ.સી.ગોહિલ તથા એલ.સી.બી. શાખાના સ્‍ટાફના એએસઆઇ ઇન્‍દ્રસિંહ જાડેજા,  જયવિરસિંહ રાણા, અનિલભાઇ ગુજરાતી, બ્રીજરાજસિંહ જાડેજા, રવિદેવભાઇ બારડ,  વકારભાઇ આરબ, રોહિતભાઇ બકોત્રા, અમીતભાઇ કનેરીયા, બાલકુષ્‍ણભાઇ ત્રીવેદી, અમીતસિંહ જાડેજા, વિજયસિંહ જાડેજા, નૌશાદભાઇ ચૌહાણ,  અનિલભાઇ બળકોદીયા, શકિતસિંહ જાડેજા, હેડ કોન્‍સ્‍ટેબલ ભગીરથસિંહ જાડેજા, મનોજભાઇ બાયલ,  રસીકભાઇ જમોડ, ઘનશ્‍યામસિંહ જાડેજા, નિલેશભાઇ ડાંગર, હરેશભાઇ પરમાર, રાજુભાઇ શામળા, વાઘાભાઇ આલ,  ધર્મેશભાઇ બાવળીયા, પ્રણયભાઇ સાવરીયા, દિવ્‍યેશભાઇ સુવા, અરવિંદસિંહ જાડેજા, કૌશિકભાઇ જોષી, પોલીસ કોન્‍સ્‍ટેબલ મહિપાલસિંહ ચુડાસમા, ભાવેશભાઇ મકવાણા, મેહુલભાઇ સોનરાજ, મીરલભાઇ ચંદ્રવાડીયા,  મહેન્‍દ્રસિંહ સોલંકી, અબ્‍બાસભાઇ ભારમલ,  વિજયભાઇ સિંહાર તથા ડ્રાઇવર રજાકભાઇ બીલખીયા, દિલીપસિંહ જાડેજા,  અનિરૂધ્‍ધસિંહ જાડેજા,  અબ્‍દુલભાઇ શેખ સહિતના જોડાયા હતાં. (૧૪.૧૨)

(2:46 PM IST)