<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Wednesday, 13th August 2025

રીબડા ફાયરીંગ પ્રકરણના મુખ્‍ય આરોપી હાર્દિકસિંહનો સુરત પોલીસે કબ્‍જો લીધો

સુરત બાદ ગોંડલ તાલુકા પોલીસ કબ્‍જો લેશેઃ રીબડાના રાજદીપસિંહ અને પિન્‍ટુ ખાટડીએ પૈસાની લેતી દેતીમાં ઘરે માથાકુટ કરતા ફાયરીંગ કરાવ્‍યાની કબુલાત

રાજકોટ, તા., ૧૩ : ગોંડલના રીબડા ગામે અનિરૂધ્‍ધસિંહ જાડેજાના ભત્રીજાના પેટ્રોલ પંપ ઉપર ફાયરીંગ કરાવનાર મૂળ અડવાળના અને હાલ રાજકોટ રહેતા હાર્દિકસિંહ હરદેવસિંહ જાડેજાની સ્‍ટેટ વિજીલન્‍સની ટીમે કેરળમાંથી ઝડપી લીધા બાદ  સુરત પોલીસે લુંટના ગુન્‍હામાં કબ્‍જો લઇ તેની પુછતાછ હાથ ધરી છે.

પ્રાપ્ત વિગતો મુજબ ગત ર૪ જુલાઇના રોજ રીબડા ગામે આવેલ રીબડા પેટ્રોલીયમ ખાતે બે બુકાનીધારી શખ્‍સોએ બાઇકમાં આવી પેટ્રોલ પંપ ઉપર ફાયરીંગ કરી નાસી છુટયા હતા. આ બનાવ બાદ અડવાળ ગામના હાર્દિકસિંહ જાડેજાએ સોશ્‍યલ મીડીયામાં  રીબડા પેટ્રોલ પંપ ઉપર પોતે ફાયરીંગ કરાવ્‍યાનો વિડીયો વાયરલ કર્યો હતો.  દરમિયાન રૂરલ ક્રાઇમ બ્રાન્‍ચ અને ગોંડલ તાલુકા પોલીસની ટીમે ફાયરીંગ કરનાર બે શખ્‍સો સહિત ૪ શાર્પ શુટરોને  મુંબઇ અને આગ્રાથી ઝડપી લીધા હતા.

દરમિયાન ફાયરીંગ પ્રકરણના મુખ્‍ય સુત્રધાર હાર્દિકસિંહ જાડેજાને સ્‍ટેટ વિજીલન્‍સની ટીમે કેરળના કોચીમાંથી દબોચી લઇ અમદાવાદ લાવી પુછતાછ હાથ ધરી હતી. હાર્દિકસિંહ જાડેજા સુરતની લુંટમાં સંડોવાયેલ હોય સુરત પોલીસે તેનો કબ્‍જો લીધો છે. ત્‍યાર બાદ રીબડાના ફાયરીંગ પ્રકરણમાં ગોંડલ તાલુકા પોલીસ કબ્‍જો લેશે.

દરમિયાન સ્‍ટેટ વિજીલન્‍સની પુછતાછમાં પકડાયેલ હાર્દિકસિંહ જણાવ્‍યું હતું કે, રાજદીપસિંહ રીબડા અને પિન્‍ટુ ખાટડીએ પૈસાની લેતી દેતીમાં તેના ઘરે આવી માથાકુટ કરતા ફાયરીંગ કરાવ્‍યાની કબુલાત આપી હતી. જો કે આ બનાવ પાંચ વર્ષ પુર્વેનો હોવાનું અને તે અંગે જે તે વખતે કોઇ પોલીસ ફરીયાદ થઇ ન હતી. બનાવ વખતે હાર્દિકસિંહ પણ ઘરે હાજર ન હતો.  રીબડા ફાયરીંગની ઘટના બાદ હાર્દિકસિંહ  ૧પ જેટલા રાજયોમાં ફર્યો હતો અને અલગ અલગ હોટલમાં રોકાઇ મિત્રો પાસેથી હોટલના કયુઆર કોડ પર રૂપીયા મંગાવતો હોવાનું ખુલ્‍યું છે.

(11:45 AM IST)