News of Sunday, 17th August 2025
ઢેબર રોડ પર નંબર વગરની થારમાં આવેલા બે શખ્સે જુનાગઢથી મેળો કરવા આવેલા કોલેજ કર્મચારી અને તેના માસીયાઇ ભાઇને ફટકાર્યાઃ ધોકાથી હુમલોઃ ૧૨ જણા તૂટી પડયા
વિરેન્દ્ર માડમ અને તેના માસીયાઇ ભાઇઓ સહિત ચાર સ્કોર્પિયો લઇ ચા પીવા નીકળ્યા ત્યારે થારવાળાએ ઉભા રાખી સીધો ઝઘડો ચાલુ કરી બબાલ મચાવીઃ ભક્તિનગર પોલીસે ગુનો નોંધ્યો

રાજકોટઃ શહેરના ઢેબર રોડ પર મધુરમ્ હોસ્પિટલ નજીક સાતમની રાતે મુળ જુનાગઢના વતની અને કોન્ટ્રાક્ટ બેઝ પર જુનાગઢની મહિલા કોલેજમાં ક્લાર્ક તરીકે નોકરી કરતાં યુવાન તથા તેના માસીના દિકરા પર દસેક શખ્સોએ ટોળકી રચી હુમલો કરી લાકડીથી માર મારી ગાળો ભાંડતાં ફરિયાદ થઇ છે.
આ અંગે ભક્તિનગર પોલીસે જુનાગઢ ઇન્દિરાનગર-૧ બીલખા રોડ, શ્યામ પ્રોવીઝન સ્ટોર પાસે રહેતાં વિરેન્દ્ર સરમણભાઇ માડમ (ઉ.વ.૨૭)ની ફરિયાદ પરથી કાળા રંગની નંબર પ્લેટ વગરની થાર ગાડીમાં આવેલા બે અજાણ્યા શખ્સો અને અન્ય દસ અજાણ્યા શખ્સો સામે રાયોટીંગ, મારામારીનો ગુનો નોંધી તપાસ હાથ ધરી છે. વિરેન્દ્ર માડમે જણાવ્યું છે કે હું સાતમ-આઠમના તહેવાર નિમીતે રાજકોટ આજીડેમ ચોકડી પાસે ભારતનગરમાં રહેતાં મારા માસીના ઘરે આવ્યો હતો. સાતમની રાતે સાડા અગીયારેક વાગ્યે હું અને મારા માસીના દિકરા અરૂણ કરંગીયા, અર્જુન કરંગીયા તથા માસીના દિકરાની પાનની દુકાનમાં નોકરી કરતો પ્રેમસિંહ રજપૂત એમ ચારેય જણા માસીના દિકરાની સ્કોર્પીયો ગાડી લઇને ચા-પાણી પીવા નીકળ્યા હતાં.
ગોંડલ રોડ પર મોગલ ચા નામની હોટલે જતા હતાં ત્યારે નાગરીક બેંક ચોકમાં પાછળ કાળા રંગની નંબર વગરની થાર ગાડી આવી હતી. તેના ચાલકે આમારી ગાડી રોકી હતી અને સાઇડમાં લેવાનું કહેતાં મારા માસીયાઇ ભાઇ અર્જુને ગાડી સાઇડમાં ઉભી રાખતાં થારમાંથી બે શખ્સ ઉતર્યા હતાં અને અમને પણ બહાર આવવાનું કહેતાં અમે નીચે ઉતરતાં આ બંને ગાળો દેવા માંડયા હતાં. શું થયું? તેમ પુછતાં તેણે મારામારી ચાલુ કરી હતી. ત્યાં નજીકમાંથી આ બંનેના બીજા દસેક ઓળખીતા શખ્સો ધસી આવ્યા હતાં અને અમને ઢીકાપાટુ માર્યા હતાં. તેમજ એક શખ્સે લાકડીથી મને માર માર્યો હતો. ઝપાઝપીમાં મારા માસીયાઇ ભાઇ અર્જુનનો સોનાનો ચેઇન તૂટીને ખોવાઇ ગયો હતો. બાદમાં બધા શખ્સો ભાગી ગયા હતાં. મને સારવાર માટે દાખલ કરાયો હતો. કારણ વગર જ આ શખ્સોએ માથાકુટ કરી હુમલો કર્યો હતો. તેમ વધુમાં વિરેન્દ્રએ કહેતાં પીઆઇ મયુરધ્વજસિંહ એમ. સરવૈયાની રાહબરીમાં એએઅસાઇ અશ્વિનભાઇ રાઠોડે ગુનો નોંધી કાર્યવાહી કરી હતી.
(12:46 PM IST)










